Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

'મલ્હાર' લોકમેળામાં ૧પ૦૦ પોલીસ જવાનોનું અભેદ્ય સુરક્ષા ચક્ર

૭૮ અધિકારીઓ તથા ૧૩૭૩ કર્મચારીઓ તૈનાતઃ બંદોબસ્તમાં ચુસ્તતા જળવાઇ તે માટે એએસઆઇ, હેડ કોન્સ., કોન્સ્ટેબલના મોબાઇલ જમા લેવાશેઃ તમામ પીએસઆઇનું લોકેશન ગુગલ મેપ પર રહેશેઃ ટ્રાફીક નિયમન માટે ૯રર કર્મચારી તૈનાતઃ બે સ્ટોલ વેપન ડીસ્પ્લે માટે રખાયાઃ સંગીત સુરાવલી માટે પોલીસ બેન્ડઃ નામચીન ખીસ્સા કાતરૂ સ્ત્રી-પુરૂષોના ફોટાવાળુ પોસ્ટર લગાવાશેઃ નાના બાળકો તેમના વાલીઓથી છુટ્ટા પડી જાય તો તેમને તરત જ તેમના વાલીઓ સાથે મેળાપ કરાવી શકાય તે માટે પ્રવેશ ગેઇટ ઉપર બાળકોની એન્ટ્રી સમયે પોલીસ દ્વારા તેમના નામ, સરનામા, વાલીના મોબાઇલ નંબર અને પોલીસ કંટ્રોલના મોબાઇલ નંબર સાથેનું કાર્ડ બાળકોના ગળામાં પહેરાવવામાં આવશેઃ લોકમેળામાં લોકો ખાલી હાથે આવે તે પોલીસ માટે વધુ સુવિધાજનકઃ જે લોકો પોતાના સામાન સાથે મેળામાં પ્રવેશ ઇચ્છતા હોય તેમને ગેઇટ નંબર ૧ ઉપરથી પ્રવેશઃ તમામનો બેગેજ સ્કેનર દ્વારા ચકાસ્યા બાદ જ આગળ વધવા દેવામાં આવશેઃ લોકમેળામાં મહિલાઓની સુરક્ષા માટે અલગથી મહિલા પોલીસની ટીમ બનાવવામાં આવી છે

લોકમેળાના બંદોબસ્ત સંદર્ભે આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને સાથી અધિકારીઓએ પ્રેસને માહીતી આપી હતી. (ફોટો સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૦:  રર મી થી ર૬ મી તારીખ દરમિયાન રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાઇ રહેલા 'મલ્હાર ' લોકમેળાની ઉજવણી લોકો શાંતિપુર્ણ રીતે અને રંગેચંગે કરી શકે તે માટે ૧પ૦૦ જવાનોનું અભેદ્ય સુરક્ષાચક્ર રચવામાં આવ્યું છે.

આ બાબતે આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માહીતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ હંમેશા દરેક તહેવારો આનંદ ઉલ્લાસ સાથે મનાવવા ટેવાયેલું છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગત વર્ષની સરખામણીએ લગભગ ડબલ સંખ્યામાં પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. ૭૮ પોલીસ અધિકારીઓ તથા ૧૩૭૩ પોલીસમેન સહિત  ૧૪પ૧ જવાનો રાઉન્ડ ધ કલોક મેળાના સ્થળે બંદોબસ્તમાં રહેશે. તેમજ ૧૪ માઉન્ટેડ પોલીસ દ્વારા પણ સમગ્ર મેળા ફરતે હોર્સ પેટ્રોલીંગ કરવામાં આવશે.

લોકમેળા સ્થળે ર૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવી રહયો છે. સીસીટીવી  કેમેરા દ્વારા સમગ્ર મેળાના ખુણેખુણે ચાંપતી નજર રાખવામાં આવશે. આસપાસના જીલ્લાના જાણકાર પોલીસમેનોની ટુકડીઓ બોલાવવામાં આવી છે જેને લઇને તેઓ પોતાના વિસ્તારના વોન્ટેડ, હિસ્ટ્રીશીટરો કે ગુન્હેગારો જો મેળામાં આવે તો તેમને દબોચી શકે.

લોકમેળાનો બંદોબસ્ત 'ઇ-બંદોબસ્ત' રહેશે. મેળા સ્થળે ફરજ ઉપર આવનાર તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રીક ફીંગર પ્રીન્ટ મારફત હાજરી પુરવામાં આવશે. પીએસઆઇથી નીચેની કેડરના તમામ સ્ટાફના મોબાઇલ જમા લઇ લેવાશે. જેને લઇને તેઓ મોબાઇલમાં રચ્યા-પચ્યા રહયા વિના સતત ચાંપતી નજર રાખી શકે. લોકમેળાનો કંટ્રોલરૂમ પોલીસ કમિશ્નર કચેરી ખાતેના કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમ સાથે લાઇવ જોડાયેલો રહેશે. ફોર-જી એલટીઇ પરમીશન મળી હોવાથી તેનું ટેસ્ટીંગ વિદેશી કંપની દ્વારા લોકમેળામાં કરવામાં આવશે. તમામ પ્રવેશદ્વારો ઉપર ડીએફએમડી મશીન દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવશે. પ્રવેશ દ્વાર ઉપર ભીડ ન થાય તે માટે એન્ટ્રી ગેઇટથી પ૦ મીટરના અંતરથી કયુમેકર લગાવવામાં આવશે.

નાના બાળકો તેમના વાલીઓથી છુટ્ટા પડી જાય તો તેમને તરત જ તેમના વાલીઓ સાથે મેળવી શકાય તે માટે પ્રવેશ ગેઇટ ઉપર બાળકોની એન્ટ્રી સમયે પોલીસ દ્વારા તેમના નામ, સરનામા, વાલીના મોબાઇલ નંબર અને પોલીસ કંટ્રોલના મોબાઇલ નંબર સાથેનું કાર્ડ બાળકોના ગળામાં પહેરાવવામાં આવશે. લોકમેળામાં લોકો ખાલી હાથે આવે તે પોલીસ માટે વધુ સુવિધાજનક રહેશે. જો લોકો પોતાના સામાન સાથે મેળામાં પ્રવેશ ઇચ્છતા હોય તો તેમને ગેઇટ નંબર ૧ ઉપરથી પ્રવેશવાનું રહેશે અને તેમનો બેગેઝ સ્કેનર દ્વારા ચકાસ્યા બાદ જ આગળ વધવા દેવામાં આવશે. લોકમેળામાં મહિલાઓની સુરક્ષા માટે અલગથી મહિલા પોલીસની ટીમ બનાવવામાં આવી છે.

મેળાના સ્થળે રાજકોટ પોલીસના બે સ્ટોલ રહેશે. જેમાં એકમાં વેપન ડીસ્પ્લે અને બીજામાં પોલીસ બેન્ડ દ્વારા સંગીતની સુરાવલીઓ રેલાવવામાં આવશે.

નીચે મુજબ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે

- ચાણકય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે સાંજના ક. ૦૫/૦૦ થી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધી રહેશે.

- પોલીસ હેડ કવાર્ટસ સર્કલથી જીલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે સાંજના ક. ૦૫/૦૦થી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધી રહેશે.

- જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધી તમામ પ્રકારના વાહનો માટે સાંજના ક. ૦૫/૦૦થી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધી રહેશે. તેમજ બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી તમામ પ્રકારના વાહનો માટે ૨૪ કલાક પ્રવેશબંધી રહેશે.

- ચાણકય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન તથા પોલીસ હેડ કવાટર્સ સર્કલથી જીલ્લા પંચાયત ચોક તથા જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક સુધી અતુલ ઓટો અને છકડો રીક્ષા માટે સવારના ક. ૧૦/૦૦થી મેળો પૂર્ણ થાય ત્યાં સુધી પ્રવેશબંધી રહેશે.

નીચે મુજબ રસ્તાઓ વાહનો માટે ખુલ્લા રહેશે

- ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, રૂડા બિલ્ડીંગ થઈ પોલીસ હેડ કવાટર્સ સર્કલ થઈ જૂની એન.સી.સી. ચોકથી એરપોર્ટ તરફ જઈ શકાશે તથા સરકીટ હાઉસ થઈ ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક તરફ જઈ શકાશે.

- પોલીસ હેડ કવાટર્સ સર્કલથી રૂડા બિલ્ડીંગ તરફ જઈ શકાશે.

- જીલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ તથા કિશાનપરા તરફ જઇ શકાશે તેમજ કિશાનપરા ચોકથી જુની એન. સી. સી. ચોક તરફ જઇ શકાશે., એરપોર્ટ તરફથી આવતાં વાહનો જુની એન.સી.સી. ચોકથી ડાબી બાજુ એટલે કે, પોલીસ હેડ કવાટર્સ સર્કલ થઇ રૂડા બિલ્ડીંગ તરફ જઇ શકાશે. તેમજ એરપોર્ટ તરફથી કિશાનપરા ચોક તરફ જવા માટે એરપોર્ટ ફાટક થઇ આમ્રપાલી ફાટક થઇ રૈયા રોડ તથા કાલાવાડ રોડ તરફ જઇ શકાશે.

- ફ્રી પાર્કીંગનો પાર્કીંગ તેમજ ડાયવર્ઝન અંગેના સાઇન બાર્ડશહેરનાં જુદા જુદા સ્થળોએ લગાવવામાં આવનાર છે.

- તમામ ફ્રી પાર્કીંગની જગ્યાઓ સીસી ટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે., મેળાની આજુબાજુમાં રહેતા લોકોને અલગથી પાસ ઇસ્યુ કરી તેમના વાહન પોતાના ઘરે લઇ જવ માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- રાજકોટ શહેર પોલીસ દ્વારા વસુલવામાં આવતા ટ્રાફીક દંડમાં વધારો થયેલ છે અને તેમાં ખાસ કરીને એ.ડીવીઝન પોલીસ સ્ટેશન, બી. ડીવીઝન પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુમાં વધુ દંડ વસુલ લઇને અસરકારક ટ્રાફીક નિયમનની ફરજ બજાવેલ છે.

રેસકોર્ષ રીંગ રોડ આસપાસ ડ્રાઇવર્જન પોઇન્ટ

* ચાણકય બીલ્ડીંગ ચોક (રેગ્યુલર) * બહુમાળી ભવન ચોક (રેગ્યુલર) * પોલીસ હેડ કવાર્ટર સર્કલ (રેગ્યુલર) * જુની એન.સી.સી. ચોક (જરૂરીયાત મુજબ) * વિશ્વા ચોક (મારૂતીનગર), * એરપોર્ટ ફાટક (જરૂરીયાત મુજબ), * શ્રેયસ સોસાયટી (જરૂરીયાત મુજબ), * મેયર બંગલા ડીવાઇડર (જરૂરીયાત મુજબ), * બાલભવન સામે રોડ ડીવાડર (જરૂરીયાત મુજબ), * જીલ્લા પંચાયત ચોક (જરૂરીયાત મુજબ), * બાર માળ ગેલેકસી બીલ્ડીંગ (જરૂરીયાત મુજબ), * સુરજ ૧ એપાર્ટમેન્ટ સામે (જરૂરીયાત મુજબ), * સી.આઇ.ડી. ઓફીસ સામે (જરૂરીયાત મુજબ), * સરકીટ હાઉસ સામે (જરૂરીયાત મુજબ), * ટ્રાફીક શાખા સામે (જરૂરીયાત મુજબ),

* આ લોકમેળામાં રાખવામાં આવેલ વિવિધ પ્રકારની રાઇડસને સરકારશ્રીની સુચના મુજબ નક્કી થયેલ કમીટી દ્વારા ધારા ધોરણ મુજબની પરમીશન આપ્યા બાદ જ રાઇડસ ચાલુ કરવાની રહેશે.

* ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવો ધ્યાને લેતા રાજકોટ શહેરમાં વસતા તમામ મકાન માલીકો પોતાનું મકાન, ઔદ્યોગિક એકમ, ઓફીસ, ગોડાઉન વિગેરે જગ્યાઓ કોઇ વ્યકિતને ભાડે આપે અથવા આશરો આપે અને આવી જગ્યાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોયા, વોચમેન વિગેરેની માહિતી પોલીસને જણાવવાની રહેશે. તે અંગે રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગથી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. તેમજ ગુજરાત પોલીસ દ્વારા CITIZEN FIRST APP ઉપર પણ આ માહિતી અપલોડ કરી ઓન લાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.

(4:18 pm IST)