Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે

મહાઆરતી- મટકીફોડ- રાસોત્સવ- કેક કાપવામાં આવશે

રાજકોટ,તા.૨૦: આગામી શનિવારે સમસ્ત સંસારના પાલનહાર અને સમગ્ર વિશ્વને ગીતારૂપી જ્ઞાનબોધ આપનાર ચંદ્રવંશ શિરોમણી જાદવરાય ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના વંશજો એવા જાદવ (જાદૌન) રાજપૂતો, ભટ્ટી (ભાટી) રાજપૂતો તથા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ માટે એક ગર્વ અને હર્ષોલ્લાસનો પર્વ છે. આથી આગામી જન્માષ્ટમી તા.૨૪ના શનિવારના રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ચંદ્રવંશી જાદવ, રાજપૂતો, ચંદ્રવંશી ભટ્ટી રાજપૂતોની આગવાની હેઠળ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન શ્રી અતિથિ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રોડ ખાતે કરવામાં આવનાર છે. જે અન્વયે આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.  રાત્રીના ૧૨ કલાકે મહાઆરતી, મટકી ફોડ, રાસોત્સવ, કેક કાપી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જેમાં જાદવ (જાદૌન) રાજપૂતો, ભટ્ટી (ભાટી) રાજપૂતો સહિતનો ક્ષત્રિય રાજપૂત સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના હોદ્દેદારો તથા મેમ્બર્સ, રાજસ્થાન રાજપૂત સમાજના આગેવાનો જોડાશે.

ઈતિહાસઃ ચંદ્રવંશી રાજા યયાતિના પુત્ર ''યદુ''ના વંશજો, યદુવંશી / યાદવ કહેવાયા. જે અપભ્રંશ થઈને યાદૌન અને આગળ જતા જાદૌન / જાદવ કહેવાયા. યદુવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ થયા. ભગવાન શ્રીકૃષ્ણની આગળની પેઢીમાં રાજા ''ભાટી'' થયા. તેમના વંશજો ભટ્ટી (ભાટી) કહેવાય. આમ ભગવાન શ્રીકૃષ્ણના બે વંશજો જાદવ (જાદૌન) રાજપૂતો અને ભટ્ટી (ભાટી) રાજપૂતો છે.

જાદવ (જાદૌન) રાજપૂતોનો વસાવટઃ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અત્ય પ્રદેશો.

ભાટી રાજપૂતોનો વસવાટઃ રાજસ્થાન, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અન્ય પ્રદેશો

સૌરાષ્ટ્રના જાદવ (જાદૌન) રાજપૂતોઃ જાદવ રાજપૂતો મથુરા, ઉત્તર પ્રદેશથી ૧૧મી સદીમાં ગુજરાત ખાતે વસઈ પ્રદેશમાં આવીને વસ્યા. ત્યારબાદ અનુક્રમે ૧૨મી સદીમાં ઝાલાવાડ પ્રદેશમાં અને ૧૫મી સદીમાં સોરઠ તથા કાઠિયાવાડ પ્રદેશમાં વસ્યા. હાલ જાદવ રાજપૂતો, સૌરાષ્ટ્રમાં સોરઠ, ઝાલાવડ, કાઠિયાવાડ ગુજરાતના અન્ય પ્રદેશમાં બહોળી સંખ્યામાં વસવાટ કરે છે.

સૌરાષ્ટ્રના ભટ્ટી (ભાટી) રાજપૂતોઃ ભટ્ટી રાજપૂત રાવલ જેસલે, જેસલમેર ૧૨મી સદીમાં વસાવ્યું. ત્યાંથી ભટ્ટી (ભાટી) રાજપૂતો ૧૩મી સદીમાં બાલવા ગુજરાત ખાતે આવીને વસ્યા અને ૧૫મી સદીમાં ઉતરાર્ધમાં ઝાલાવાડ, સાણંદ તથા રાજકોટ સહિતના કાઠિયાવાડ પ્રદેશ ખાતે આવીને વસ્યા હાલ ભટ્ટી (ભાટી) રાજપૂતો સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ, કાઠિયાવાડ પ્રદેશમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતાં હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની યાદીમાં જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા ચંદુભા પરમાર, યુવરાજસિંહ ડોડીયા, જયદીપસિંહ ભાટ્ટી, યોગરાજસિંહ તલાટીયા, માલદેવસિંહ ભાટ્ટી, ભુપતસિંહ જાદવ, મનિષસિંહ ભાટ્ટી, ઉદયસિંહ જાદવ, મનિષસિંહ ભાટ્ટી, મહેન્દ્રસિંહ જાદવ, રમેશસિંહ જાદવ, સહદેવસિંહ ભાટ્ટી, કુલદીપસિંહ ભાટ્ટી, વિપુલસિંહ ભાટ્ટી, યુવરાજસિંહ ભાટ્ટી, અજીતસિંહ પરમાર, પ્રવિણસિંહ સિંધવ, વિરેન્દ્રસિંહ ભાટ્ટી, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, તનવીરસિંહ તુવરા, પાર્થરાજસિંહ જાદવ, કિશનસિંહ જાદવ, કમલેશસિંહ જાદવ, બહાદુરભાઈ માંજરીયા અને મહેન્દ્રસિંહ તલાટીયા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:08 pm IST)