Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જિલ્લા પંચાયતમાં છાપકામ ટેન્ડરમાં સામાન્ય સભાના ઠરાવનું ઉલ્લંઘન

હિસાબીના બદલે આરોગ્ય શાખાએ ટેન્ડર બહાર પાડયાની નિલેષ વિરાણીની રાવ

રાજકોટ તા. ર૦: જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખાએ પોસ્ટર, પેપર, સ્ટીકર. વગેરેના ભાવ મંગાવવા માટે બહાર પાડેલ ટેન્ડરમાં સામાન્ય સભાના ઠરાવનું ઉલ્લંઘન થયાની રાવ પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણીએ કરી છે.

નિલેષ વિરાણીએ જણાવેલ કે તા. ૧૭ મે ર૦૧૮ ની સામાન્ય સભામાં કઇ શાખાએ કઇ કામગીરી કરવી તે બાબતે ઠરાવ થયેલ છે તે મુજબ છાપકામ, સ્ટેશનરી, ઝેરોક્ષ વગેરેના વાર્ષિક ભાવની કામગીરી હિસાબી શાખા દ્વારા કરવાની થાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ છાપકામને લગતું ટેન્ડર મનસ્વી રીતે બહાર પાડયું છે. પંચાયતમાં સર્વોપરી સામાન્ય સભાના ઠરાવને અવગણવો તે ચૂંટાયેલી પાંખને અવગણવા બરાબર છે. આરોગ્ય શાખા દ્વારા શા માટે ટલેન્ડર પ્રક્રિયા કરવામાં આવી? તેવા સવાલ સાથે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાયેલ છે.

(11:58 am IST)