Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પૈસાની ઉઘરાણી મામલે ચેતન રાઠોડ પર ફાયરીંગઃ કમલેશ રામાણી અને બે અજાણ્યા સામે આરોપ

એક સમયે ડ્રાઇવર હતો એણે જ ફરિયાદ કરીઃ યુનિવર્સિટી રોડના એચપી પેટ્રોલ પંપ પાસે રાતે સાડા બારે બનાવઃ વામ્બે આવાસમાં રહેતાં દલિત યુવાન ચેતનની ફરિયાદ પરથી હત્યાની કોશિષ, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ સીસીટીવી ફૂટેજ ચેક કરાયાઃ રામાણીની કાર આવે છે ત્યાં ચેતન અને સાથેનો શખ્સ રવિ નીકળી જતાં દેખાય છેઃ ફાયરીંગ થયાનું સ્પષ્ટ થયું

જ્યાં ફાયરીંગની ઘટના બન્યાની ફરિયાદ નોંધાઇ છે તે પેટ્રોલ પંપ અને પોલીસ કાફલો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: મુળ સુરેન્દ્રગનરના જોરાવરનગર વણકરવાસના વતની અને હાલ વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૫૦ કવાર્ટર નં. ૧માં રાજુભાઇ ગોસ્વામીના મકાનમાં ભાડેથી રહેતાં દલિત યુવાન ચેતન હસમુખભાઇ રાઠોડ (ઉ.૨૮) પર રાત્રીના સાડા બારેક વાગ્યે યુનિવર્સિટી રોડ પરના એચ.પી. પેટ્રોલ પંપ પાસે કમલેશ રામાણી અને તેની સાથેના બે શખ્સોએ પૈસાની લેતીદેતીના મામલે ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરિયાદ દાખલ થતાં ચર્ચા જાગી છે. પોલીસે ખરેખર શું ઘટના બની હતી? તેનું સત્ય તપાસવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઘટના સ્થળે તપાસ થતાં ફાયરીંગ થયાનું સ્પષ્ટ થયું હતું.

રાત્રીના સાડા બારેક વાગ્યે એચ. પી. પેટ્રોલ પંપ પાસે ફાયરીંગ થયાનો કોલ મળતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતો મુળ જોરાવરનગરનો અને એક સમયે બિલ્ડર કમલેશ રામાણીના ડ્રાઇવર તરીકે નોકરી કરી ચુકેલો ચેતન રાઠોડ પોલીસને મળ્યો હતો. તેણે પોતાના લેણા પૈસા મામલે પોતાના પર ફાયરીંગ કરવામાં આવ્યાનો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરવામાં આવ્યાનો આરોપ મુકતાં પોલીસે તેની ફરિયાદ પરથી કમલેશ રામાણી તથા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપીએકટ ૧૩૫ (૧), આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) (બી) (એ) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ચેતને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલમાં વામ્બે આવાસમાં રહુ છું અને ટેકસી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવું છું. દોેઢેક વર્ષ પહેલા હું કમલેશ રામાણીની ગાડીનું ડ્રાઇવીંગ કરતો હતો. તે વખતે મને મારા ડ્રાઇવીંગના પૈસા નહિ અપાતાં મેં નોકરી મુકી દીધી હતી.  ત્યારથી હું તેની પાસે મારા પૈસાની વારંવાર ઉઘરાણી કરતો હતો. તા. ૩ના રાતે ફોન પર  આ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારે પણ કમલેશે ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે જેમ તેમ બોલી પતાવી દેવો છે તેવી ધમકી આપી હતી.

દરમિયાન સોમવારે ૧૯મીએ રાત્રે  હું અને મારો મિત્ર રવિ વાળા મારા ઘર પાસે બેઠા હતાં એ વખતે લગભગ બારેક વાગ્યે મેં કમલેશ રામાણીને મારા લેણા પૈસા માટે ફોન કરતાં મને તેણે ગાળો દીધી હતી. એ પછી તેણે 'તું કયાં છો?' તેમ પુછતાં મેં તેને સામું કહ્યું હતું કે 'તું કયાં છો?' એ જણાવ એટલે આવી જાવ. એ પછી તેણે યુનિવર્સિટી રોડ પર આવેલા એચ.પી. પેટ્રોલ પંપ પાસે રોડ પર આવી જવા કહેતાં હું અને મારો મિત્ર રવિ બંને એકટીવા જીજે૩જેજી-૦૮૪૫ ઉપર બેસીને પંપ પાસે ગયા હતાં. ત્યારે લગભગ રાત્રીના સાડાબાર થઇ ગયા હતાં.

અમે પંપ પાસે અંદરના ભાગે ઉભા હતાં. પણ કમલેશ જોવા મળ્યો નહોતો. એ પછી ફરીથી મેં તેને ફોન કરતાં તેણે ફરીથી ગાળો દીધી હતી અને તું કયાં છો? એમ પુછતાં મેં તેને હું પંપ પાસે જ હોવાનું કહ્યું હતું.  એ પછી કમલશે સિલ્વર કલરની ૩૫૦૧ નંબરની ક્રેટા ગાડી સાથે આવ્યો હતો અને તેની સાથે બીજા બે શખ્સો પણ હતાં. આ લોકો મને મારશે તેવી બીક લાગતાં હું એકટીવા લઇ મારા મિત્ર સાથે ત્યાંથી રવાન થઇ ગયો હતો. તે વખતે કારમાં બેઠેલા એક શખ્સે મને મારી નાંખવાના ઇરાદે ફાયરીંગ કરતાં અવાજ સંભળાયો હતો અને હું ભાગી ગયો હતો. પંચાયત ચોક તરફ પહોંચ્યા બાદ  ગભરાઇ ગયો હોઇ મારુ એકટીવા સ્લપી થઇ જતાં હું રોડ પર પડી ગયો હતો. એ વખતે કાર આકાશવાણી ચોક તરફ જતી રહી હતી.

હું પડી ગયો હોવાથી મને જમણા ખભે અને જમણા ગાલે તથા હાથે-પગે ઇજા થઇ હતી. એ પછી હું પેટ્રોલ પંપે જતાં પોલીસ આવી હોવાની ખબર પડી હતી. દરમિયાન મારો મિત્ર રવિ વાળા પણ આવી ગયો હતો. કારમાં બેઠેલા ત્રણમાંથી કોઇ એકે પિસ્તોલ કે રિવોલ્વરથી ફાયરીંગ કર્યુ હતું.

મારે કમલેશ રામાણી પાસે પૈસા લેવાના થતાં હોઇ તેની ઉઘરાણી માટે માથાકુટ થતાં મને મારી નાંખવાના ઇરાદે ફાયરીંગ કરાયું હતું. તેમ ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમ, પી.આઇ. એ.એલ.આચાર્ય, પીએસઆઇ. ભાવેશ જી. ડાંગર, એમ. વી. રબારી, પીએસઆઇ બરવાડીયા,  જયંતિભાઇ, પ્રદિપભાઇ, હરપાલસિંહ તથા ડી. સ્ટાફની ટીમ પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ  ચેક કરવા તજવીજ કરી હતી. ફૂટેજમાં દૂરના દ્રશ્યો દેખાય છે. ફાયરીંગ થયું તે દેખાયું નથી. ઘટના સ્થળેથી ફૂટેલુ કાર્ટીસ પણ મળ્યું નથી. પરંતુ ફાયરીંગ થયાનું સ્પષ્ટ થયું હોઇ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે.

ગયા મહિને ચેતન રાઠોડ વિરૂધ્ધ રામાણી સાથે કામ કરતાં મયુરે અરજી કરી હતી

હુમલાના ફરિયાદી ચેતન રાઠોડ વિરૂધ્ધ ગયા મહિને તાલુકા પોલીસ મથકમાં મયુર ભરતભાઇ રૂપારેલીયા (રહે. તુલીપ પરપલ એપાર્ટમેન્ટ ૪૦૩, કાલાવડ રોડ)એ લેખિત અરજી કરી હતી. મયુરે અરજીમાં જણાવ્યું હતું કે તે કમલેશ રામાણીને ત્યાં રહી જમીન-મકાન લે વેચનો ધંધો કરે છે. ૩૦/૭ના રોજ ચેતન રાઠોડે ફોન કરી  બાદમાં બીજા શખ્સો સાથે આવી તારા શેઠ પાસે પૈસા લેવાના છે તે ફોન ઉપાડતાં નથી એટલે તારે રૂપિયા આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી. આ મામલે તપાસ થઇ રહી છે.

(4:17 pm IST)