Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગોંડલ રોડ પર 'હિટ એન્ડ રન': અજાણ્યા વાહને સ્કુટીને ઠોકર મારતા તુષાર ફળદુનું મોત

મિત્ર સાથે નાસ્તો લેવા માટે જતા'તાને કાળ ભેટયોઃ મિત્ર કિશન પાનસુરીયા સારવારમાં

રાજકોટ તા.૨૦: ગોંડલ રોડ પર  મારબલના કારખાના પાસે હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે સ્કુટીને ઠોકર મારતા પટેલ યુવાનનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે મિત્રને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ આજીડેમ પાસે રામધણ આશ્રમ પાસે જે.કે. સોસાયટીમાં શંભુભાઇના મકાનમાં ભાડે રહેતા તુષાર મગનભાઇ ફળદુ (ઉ.વ.૨૨) રાત્રે પોતાનું જી.જે. ૩ બીઇ. ૧૫૧૩ નંબરનું સ્કુટી લઇને તેની સાથે કામ કરતો મિત્ર કિશન પાનસુરીયાને પાછળ બેસાડી નાસ્તો લેવા માટે જતા હતા ત્યારે ગોંડલ રોડ પર મારબલના કારખાના પાસે સર્વિસ રોડ પર અજાણ્યા વાહનના ચાલકે સ્કુટીને ઉલાળતા બંને ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. કોઇએ જાણ કરતા ૧૦૮ના તબીબે તુષાર ફળદુને તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ઇજાગ્રસ્ત મિત્ર કિશન પાનસુરીયાને સારવારમાટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી. કડછા અને રાઇટર કેતનભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક તુષાર કાલાવડના જસાપરનો વતની હાલ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અટીકા પાસે કારખાનામાં મજુરી કામ કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. આ અંગે પોલીસે મૃકતના ભાઇ રાહુલ મગનભાઇ ફળદુ (ઉ.વ.૨૪ા ની ફરીયાદ પરથી અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)