Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વૃધ્ધાનુ મકાન પચાવી પાડવા બનાવટી દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા.૨૦: પરદેશી વૃધ્ધાનુ મકાન પચાવી પાડવા માટે બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાના ગુનાના આરોપીઓની જામીન અરજીઓ નામંજુર કરી હતી.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, એકલા રહેતા એક વૃધ્ધાની મિલકત પચાવી પાડવા માટે તેણીની હત્યા થયેલ હતી તે ગુનાની તપાસ દરમ્યાન ભકિતનગર પોલીસ સ્ટેશનના તપાસનિશ અમલદાર શ્રી વી.કે.ગઢવીના ધ્યાન ઉપર આવેલ કે, ઉચ્છરંગનગર કો.ઓ.હા.સો.લી.ના પ્લોટનુ કરોડની કિંમતનુ મકાન પચાવી પાડવા માટે અમુક શખ્સોએ કાવતરૂ કરેલ છે અને આ કાવતરાના ભાગરૂપે તેઓએ વિદેશમાં રહેતી માલકણની જગ્યાએ એક અન્ય સ્ત્રીના નામનુ ખોટુ આધાર કાર્ડ બનાવી મકાન માલકણ તરીકે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં હાજર કરી આ મકાનનો વેચાણ દસ્તાવેજ અન્ય આરોપીના નામે કરાવી લીધેલ હતો.

આ કાવતરામાં ફકત ૩ નહી પરંતુ ૧૦ (દશ) વ્યકિતઓ સંડોવાયેલા હતા. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતુ અને ત્યારબાદ આ તમામ આરોપીઓમાંથી રાજેશ પરબતભાઇ સોમાણી અને રણજીત કરશનભાઇ સરીયાની જામીન અરજીની સુનવણી દરમ્યાન એવો બચાવ લેવામાં આવેલ હતો કે કાવતરાખોરોએ કોઇ કાવતરૂ કર્યાના કોઇ પુરાવાઓ નથી તેમજ આ કાવતરાના તેઓ કોઇ પ્રત્યક્ષ લાભાર્થી પણ નથી તેથી આ તમામ આરોપીઓને જામીન ઉપર છોડવા જરૂરી છે.

વધુમાં સરકાર તરફે તેમ પણ દલીલ કરવામાં આવેલ કે,દરેક કિસ્સામાં પોલીસ તપાસ પુર્ણ થઇ જાય તેથી આરોપીઓને જામીન ઉપર છોડવા જરૂરી નથી. કારણ કે જામીન આપતી વખતે આરોપીઓના ભુતકાળ, ગુનાનો પ્રકાર, ગુનાની ગંભીરતા અને ગુનો કરવાનો ઇરાદો સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

આ રજુઆતોને ધ્યાનમાં લઇને રાજકોટના અધિક સેશન્સ જજ શ્રી એચ.એ.બ્રહ્મભટ્ટે આરોપીઓની રેગ્યુલર તથા આગોતરા જામીન અરજીઓ નામંજુર કરેલ છે.

આ કેસમાં જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઇ કે.વોરા તથા મદદનીશ સરકારી વકિલ શ્રી આબિદ એ.સોસન રોકાયેલા હતા.

(4:09 pm IST)