Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

દિનેશભાઇ દક્ષિણિની હત્યાના કેસમાં રાજમોતી મીલના મેનેજરની ''ચાર્જશીટ'' બાદ થયેલ જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૨૦: અમદાવાદ સ્થિત રાજમોતી મીલના બ્રાંચ મેનેજર દિનેશભાઇ દક્ષિણિની હત્યાના ગુનામાં પકડાયેલ રાજમોતી મીલના મેનેજર સમીર ઇશ્વરભાઇ ગાંધીએ ''ચાર્જશીટ'' બાદ સમાનતાના ધોરણે જામીનપર છૂટવા કરેલ અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી રાજકોટ શહેર ''બી'' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૩-૩-૨૦૧૬ના રોજ ગુન્હો નોંધવામાં આવેલ. જેમાં રાજમોતી મીલમાં મેનેજર તરીકે સમીરભાઇ ઇશ્વરભાઇ ગાંધીની ધરપકડ પ્રથમ કરવામાં આવેલ. ત્યારબાદ પોલીસ તપાસ દરમ્યાન રાજમોતી મીલના ભાગીદાર સમીર મધુકાંત શાહ, ક્રિપાલસિંહ, રઘુવીરસિંહ ચુડાસમા અને પોલીસ કર્મચારી યોગેશ ભટ્ટની ધરપકડ કરીને ચાર્જશીટ કરવામાં આવેલ જે કામમાં બે આરોપીઓ જામીન ઉપર છુટતા આ કામમાં ''સમાનતા''(પેરીટી)ના ધોરણે જામીન ઉપર છુટવા અરજી કરેલી.

આ કામમાં મુળ ફરીયાદીને જામીન અરજીનો વિરોધ કરેલ અને જણાવેલ કે અગાઉ આરોપીની જમીન અરજી નામંજુર થયેલ છે તેમજ કોઇ બદલાયેલા સંજોગો નથી. અગાઉ આ જ મુદાઓસર નિર્ણય થયેલ છે. પોલીસ તપાસના કાગળોમાં આ કસ્ટોડીયલ ડેથ જેવા ગંભીર ગુન્હો પૂર્વયોજીત કાવત્રાના ભાગરૂપે બનેલ છે. આ બનાવ બેડીપરા પોલીસ ચોકીના આસીસ્ટન્ટ સબ-ઇન્સપેકટર યોગેશ ભટ્ટ દ્વારા થયેલ સમજુતીના ભાગરૂપે જે પુર્વયોજીત રચેલ કારસાને અંજામ આપવા માટે આરોપીઓએ એકસંપ થઇ એકબીજાને મદદગારી કરી ગુન્હાહીત કૃત્ય પાર પાડેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય પુરાવો હોય જામીન અરજી રદ કરવા રજુઆત કરવામાં આવેલ.

આ કામમાં સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે ચેતનભાઇ શાહે પોલીસ તપાસના કાગળોમાં આરોપીને ગુન્હા સાથે સાંકળતો પુરાવો હોય અગાઉ જામીન અરજી રદ થયેલ હોય તેમજ આ આરોપીએ બનાવમાં સક્રિય ભાગ ભજવેલ હોય જેથી જામીન અરજી રદ કરવા વિનંતી કરેલ.

આ કામના પક્ષકારોના વકીલોને સાંભળ્યા બાદ ચાર્જશીટના કાગળોને લક્ષમાં લેતા કોર્ટ એવા મંતવ્ય ઉપર આવેલ કે આ આરોપીને સમાંતરના ધોરણે જામીન ઉપર છોડી શકાય તેમ નથી. કારણ કે આ આરોપી પ્રથમથી છેલ્લે સુધી આરોપી હાજર છે. ગુજરનારને ગેરકાયદેસર અટક કરવામાં આવેલ છે તેમજ ગુજરનાર પાસેથી બળજબરીપુર્વક પૈસા કઢાવવા માટે અમદાવાદથી રાજકોટ લાવવામાં આવે છે તેમજ સતત બે દિવસ સુધી તેને ગેરકાયદેસર અટકાયતમાં રાખી મારકુટ કરવામાં આવેલ છે તેમજ આ કારસામાં આરોપીએ ખુબજ સક્રિયપણે ભાગ ભજવેલ હોય જેથી રાજકોટના એડી.સેશન્સ જજશ્રી એચ.એચ.પવાર આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ દરજ્જે રાજકોટના શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી તથા સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે અમદાવાદના એડવોકેટશ્રી ચેતનભાઇ શાહ રોકાયેલા હતા.(૧૭.૯)

(4:09 pm IST)