Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પ્રવિણભાઇ, અધવચ્ચે કાં રણ મેદાન છોડયું?

અડધે રસ્તે છેડો ફાડીને ભાગી ન જવાય...

આદરણિય સ્નેહીશ્રી પ્રવિણભાઇ કોટક,

જય જલારામ...

એવું તે શું થયું કે અધવચ્ચે, અડધે રસ્તે રાજીનામુ આપી દીધું. વિશ્વ કક્ષાની આંતરરાષ્ટ્રીય કાર્યફલક ધરાવતી લોહાણા મહાપરિષદ તો, આપણે હોઇ તો પણ ચાલશે, આપણે નહિ હોય તો પણ ચાલશે. પરિષદ સંસ્થા છે. સંસ્થાનું, આયુષ્ય તો અજર, અમર જેવું જેટલું લાંબુ હોય છે. આમ એકાએક 'રણ છોડી દેવાનું' આપનું કારણ, કદાચ આપની અંગત દ્રષ્ટિએ અંગત વિચારધારાથી, સાચું હોય, જાહેરમાં કહી શકાય કે ચર્ચા કરી શકાય તેવું ન પણ હોય, બિલકુલ વાજબી કારણ હોય તો પણ આમ ઉતાવળે 'રાજીનામા' ફગાવી દેવાના ન હોય માત્ર આધ્યાત્મિક અભિગમ હોય તો જુદી વાત છે. તમેય ખરા છો યાર

(૧) મીડિયા તો ટીકા કરે, મૂલ્યાંકન કરે એ જ તો એમનો ધર્મ છે એને રોકવાના જ ન હોય, આદર ભાવથી સાચું માર્ગદર્શન માગવાનું હોય.

(ર) આઠસો જેટલા મહાજન અને સંકળાયેલી જ્ઞાતિ સંસ્થા હોય ત્યાં પંદર - પચ્ચીસ વિરોધીઓ પણ હોય, આપણે તેઓશ્રીને વિરોધી શા માટે માનવા? માર્ગદર્શક જ માનવા જોઇએ અને પરિષદના આગેવાનોએ તેઓને લેખીત, જાહેર કરીને નિમંત્રણ આપી બોલાવવા, વાંધા લેવા, પુરાવા લેવા, આ વાંધા વચકા માટે ઉમદા મનથી ચર્ચા કરી રેકોર્ડ રાખવો અને ઉકેલવા સાચા પ્રમાણિક પુરૂષાર્થ કરી લેખીત જાહેર ખુલાસા કરવા. 'આવી બાળસહજ વાતોમાં કાંઇ ખોટું લગાડાય ?' આવું તો સ્કૂલમાં જતા બાળકોએ કરવાનું હોય, આપણેય આવું કરવાનું? ખરા છો યાર.

રાજીનામાના પત્રમાં તો લખવાનું જ હોય કે, નાદુરસ્ત, તબીયત, ધંધાકિય જવાબદારી, પહોંચી વળાતું નથી, સમય આપી શકાતો નથી. જો આવું હોય તો, હોદ્દો સંભાળ્યો તે દિવસે વિચારવાની જરૂર હતી. આજે નહિ.

(૩) રાજીનામુ આપતા પહેલા કોઇ નજીકના મિત્રોને પૂછવું જોઇતું હતું. કદાચ પૂછવું ન હોય માટે બારોબાર વર્તમાનપત્રોમાં મોકલાવી આપ્યું હોય.

(૪) બનારસ તો ભારતની આધ્યાત્મિક અને હવે રાજનૈતિક નગરી છે. કોઇ અંગત કારણ હોય તો ભલે. ઇસ્કોન મંદિર સાથે સંકળાયેલા હો, આધ્યાત્મિક વિકાસમાં આ જંજાળ આડી આવતી હોય તો, મક્કમતાથી નિર્ણયો લેવા, લેતા રહેવા અને અંગત રાખતા રહેવા.

(પ) કદાચ આધ્યાત્મિક દ્રષ્ટિએ આખરી નિર્ણય લેતા પહેલા વફાદાર સાચા અંગત મિત્રોને વાત કરી હોત તો ? કોઇ ચોક્કસ વૈકલ્પિક વ્યવસ્થા થઇ શકી હોત.

આવડી મોટી સંસ્થાના હોદ્દા સંભાળવા અને આનંદપૂર્વક હેમખેમ, માન સન્માન સાથે, જરૂરી આદાન પ્રદાન કરી સમે સુતર પાર ઉતારવું - ઉતરવું હોય તો,

અમારા - આપણા સ્વ.શ્રી જયંતિભાઇ કુંડલિયા પાસેથી ખૂબ ખૂબ શીખાય. ડો. હર્ષદભાઇ ખખ્ખર, સુશ્રી વિણાબેન પાંધી અને એવા પંદર વીસ પૂર્ણ વફાદારની ટીમના સહકારથી પાંચેય વર્ષ પ્રેમથી પુરા કર્યા અને એવા જ ત્યાર પછીના બીજા પાંચ વર્ષ, તમામ પ્રેકટીસ - પ્રલોભન, લાભો જતાં કરી શ્રી યોગેશભાઇ લાખાણીએ, કોઇપણ જાતનો ખખડાટ કર્યા સિવાય, શાંતિથી પુરા કર્યા. આ બધામાંથી શીખી શીખીને તમારે પણ પાંચ વર્ષ પુરા કરવા જોઇતા હતા. હજુ થાય તો કરવા જોઇએ આ પણ એક ભકિત કાર્ય જ છે.

ઇસે હમ સબ આશકિત બોલતે હૈ

આશકિત, આ શકતી હૈ જા નહિ શકતી

આપણી સવાર કયારે પડે ?

આપણે જાગ્યા ત્યારથી સવાર પડે.

પ્રવિણભાઇ, કંઇ વધુ પડતું કહેવાય ગયું હોય તો માફ કરજો.

રણ છોડે તે રણછોડ નહિં પણ

રણ છોડાવે તે રણછોડ ગણાય.

- રતુભાઇ શિંગાળા

(રાજકોટ : ૦૨૮૧ - ૨૪૭૯૭૦૦)

(4:05 pm IST)