Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

નેનો મટીરીયલ્સ સંશોધનને વિશ્વ પ્રતિષ્ઠિત એલ્સવેર સાયન્સનાં વૈજ્ઞાનિકોની મંજુરીની મહોર

ભૌતિક વિજ્ઞાનના સંશોધકોનો નવો કિર્તિમાન... : નવમા ઈમ્પેકટ ફેકટર પ્રાપ્ત 'પ્રોગ્રેસ ઈન સોલીડ સ્ટેટ કેમેસ્ટ્રી' અમેરિકાના સામાયિકમાં સ્થાન...

રાજકોટ, તા. ૨૦ :. ભૌતિક શાસ્ત્ર, નેનો વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, વિજાણુશાસ્ત્ર, ઈજનેરી એન્ડ ટેકનોલોજીના જુદાં જુદાં આયામોનાં સંકલનથી ઈન્ટર અને મલ્ટી ડીસીપ્લીનરી સંશોધનોથી અનેકવિધ કાર્યો એક સાથે કરતા સાધનોની બોલબાલા અને જરૂરીયાત વિશ્વભરમાં સામાન્ય બનતી જાય છે. આજનો 'સ્માર્ટ મોબાઈલ' માત્ર વાતચીત અને સંદેશા વ્યવહાર માટે જ સિમીત ન રહેતા ટી.વી., રેફ્રીજરેટર, એરકન્ડીશન, માઈક્રોવેવ ઓવન, વોશીંગ મશીન વગેરેના રીમોટ કંટ્રોલ તરીકે તેમજ અતિ ઝડપી કોમ્પ્યુટરના પર્યાય તરીકે સામાન્ય માણસ પણ ખૂબ જ સરળતાથી વાપરી રહ્યો છે. ટેકનોલોજીનું એક સાધન અનેકવિધ એપ્લીકેશન માટે ઉપયોગમાં લઈ શકાય જેનાથી ડીજીટલ ઈન્ડીયા જેવા પ્રકલ્પો સરળ બની રહ્યા છે. આ પ્રકારની 'મલ્ટી એપ્લીકેશન' સુવિધા વિજાણુશાસ્ત્રનાં યંત્રોમાં ઉપલબ્ધ કરાવવા ટેકનિકલ ઇજનેરો અને વૈજ્ઞાનિકો વિજ્ઞાનની વિવિધ શાખાઓ ભોૈતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, નેનો વિજ્ઞાન વગેરેનાં આવિષ્કારને સંકલિત કરી આધુનિક ઉપકરણો વિકસાવી રહયા છે ત્યારે વિશ્વની સાથે ભારત દેશમાં પણ ઇન્ટર અને મલ્ટી ડીસીપ્લીનરીમાં સંશોધનોનું મહત્વ ઝપડભેર વિકસી રહયું છે. અને તેના માટે ભારત સરકારની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાનો સાથ કદમ મીલાવી યુનિવર્સિટીનાં યુવા સંશોધકો પણ પ્રયોગશાળામાં વિવિધ શાખાના સમન્વયથી સંશોધનો કરી રહયા છે અને વિશ્વના વેૈજ્ઞાનિકોને આકર્ષિત કરી રહયા છે. સ્માર્ટ મોબાઇલની અનેકવિધ સુવિધાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો ટી.વી., એરકંડીશન વગેરે ઉપકરણો માટે ઇન્ફ્રારેડ તરંગો, વાઇફાઇ ટેકનોલોજી માટે રેડિયો તરંગો વગેરે વિજચુંબકીય તરંગોની અલગ-અલગ તરંગના ઉપયોગથી સ્માર્ટ મોબાઇલમાં અનેક પ્રકારના સેન્સરોનો સમાવેશ કરાયેલ છે.

 

ઉપરોકત પ્રકારના જુદા જુદા સેન્સરોને બનાવવા ઉપયોગી ઇન્ટીગ્રેટેડ ચીપ બનાવવા વપરાતા વિવિધ મટીરીયલ્સ કે જે એક કરતા વધારે પ્રકારે ઉપયોગી થઇ શકે અને અનેકવિધ કાર્યો કરી શકે તે પ્રકારનું મટીરીયલ્સ એટલે મલ્ટી ફેરોઇક'.. આ મલ્ટીફેરોક મટીરીયલને સૂક્ષ્મ એટલે કે 'નેનો મીટર' કક્ષાએ પ્રયોગશાળામાં બનાવતા તે અનેકવિધ કાર્યો આંખ ઝબકાવતા જ ખૂબ ઝડપી કરી શકે અને ભવિષ્યની ટેકનોલોજી સૂક્ષ્મ તથા અતિ ઝડપી બની શકે તે પ્રકારના પદાર્થો બનાવવા વિશ્વભરના મટીરીયલ્સ વૈજ્ઞાનિકો મારફત રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરી જુદી જુદી પદ્ધતિઓ પ્રયોગશાળામાં વિકસાવાઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિકો ડો. ઝલક જોષી, ડો. દેવિત ધ્રુવ, ડો. કેવલ ગદાણી, શ્રી કૃણાલસિંહ રાઠોડ, કુ. હેતલબેન બોરીચાએ ભવનના પ્રાધ્યાપક ડો. નિકેશભાઇ શાહ, ડો. પિયુષભાઇ સોલંકી, યુજીસી-એચઆરડીસીના ડો. ધીરેનભાઇ પંડયા અને નેનો વિજ્ઞાનના ડો. અશ્વિનીબેન જોષીના માર્ગદર્શન હેઠળ 'નેનો મલ્ટ ફેરોઇક' મટીરીયલ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગશાળામાં સફળતા પૂર્વક બનાવવાની નૂતન 'સોલજેલ રાસાયણિક પ્રક્રિયા' વિકસાવેલ છે જેના મારફત તદન નવા પ્રકારનું 'વાય એમ એન ઓ થ્રી' મલ્ટી ફેરોઇક નેનો મટીરીયલ્સ પ્રયોગશાળામાં બનાવી તેને ભવનની લેબોરેટરીમાં ઉપલબ્ધ એલસીઆર મીટર અને અન્ય ઉપકરણોથી એનાલીસીસ કરી વિશ્વ પ્રતિષ્ઠિત અમેરિકાથી પ્રસિદ્ધ થતા એલ્સવેર સાયનસના નવ પોઇન્ટ ત્રણ (૯.૩) ઇમ્પેકટ ફેકટર પ્રાપ્ત 'પ્રોગ્રામ ઇન સોલીડ સ્ટેટ કમસ્ટ્રી' સામાયિકમાં પ્રસિદ્ધ કરવા મોકલાવેલ હતું. એલ્સવેર સાયન્સના પાંચ જેટલા રિવ્યુઅર વૈજ્ઞાનિકો મારફત ઉપરોકત સંશોધનનેમંજૂર કરી દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ સામાયિકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનને સ્થાન મળેલ છે જે ગુજરાત રાજયમાં ભૌતિક વિજ્ઞાન સંશોધનમાં પ્રથમ સફળતા છે.

ભૌતિક વિજ્ઞાન સંશોધનમાં દેશ-વિદેશના સંશોધકો સાથે કોલોબ્રેશન મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંશોધન મોખરાનું સ્થાન ધરાવે છે અને ભવનના સંશોધકો મારફત પાંચ અને તેનાથી વધુ ઇમ્પેકટ ફેકટર ધરાવતા અનેક સામાયિકોમાં સંશોધનો પ્રસિદ્ધ થયેલ છે જ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને નેનો વિજ્ઞાનના સંશોધકોએ ઇન્ટર અને મલ્ટી ડીસીપ્લીનરી સંશોધન મારફત નવથી વધુ ઇમ્પેકટ ફેકટર ધરાવતા સામાયિકમાં સંશોધન પ્રસિદ્ધ કરી યુનિવર્સિટીના સંશોધનને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવેલ છે તે બદલ ભવનના અધ્યક્ષ પ્રો. હીરેનભાઇ જોષી, યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નિલાંબરીબેન દવે, રાજયભરના અનેક ભૌતિક વિજ્ઞાનના સંશોધકો વગેરેએ અભિનંદન પાઠવેલ છે.(૨-૨૦)

 

(3:30 pm IST)