Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા ગેરલાયકઃ વોર્ડ નં.૧૮માં પેટાચૂંટણી

સામાન્ય સભામાં સતત ૩ મહિના સુધી ગેરહાજર રહેતા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવતો હુકમ કરતા કમિશ્નર બંછાનિધી પાની : રાજ્ય સરકાર અને ચૂંટણીપંચને જાણ કરીને કહ્યું 'વોર્ડ નં. ૧૮ની સામાન્ય સ્ત્રી અનામત બેઠક ૧૩ ઓગસ્ટથી ખાલી પડી છે'

રાજકોટ તા. ૨૦ : શહેરના વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર ધર્મીષ્ઠાબા મયુરસિંહ જાડેજાને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવતો હુકમ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ કર્યો છે અને આ બાબતની લેખીત જાણ રાજ્ય સરકાર તથા ચૂંટણીપંચને કરી વોર્ડ નં. ૧૮ની સામાન્ય અનામત બેઠક ખાલી પડયાનું સત્તાવાર જાહેર કરતા હવે આ વોર્ડમાં ચુંટણી નક્કી છે.

આ અંગે મ્યુ.કમિશ્નરે સત્તાવાર જાહેર કરેલી વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટર શ્રીમતી ધર્મિષ્ઠાબા જાડેજા સતત ૩ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા તેઓશ્રી સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાથી વોર્ડ નં.૧૮ ની આ ઙ્કસામાન્ય  સ્ત્રી અનામતઙ્ખ કક્ષાની બેઠક ખાલી પડતી હોવા અંગે મ્યુનિ. સેક્રેટરીશ્રીએ મ્યુનિ. કમિશનરશ્રીને જાણ કરતા આ અંગે ચૂંટણી પંચ અને રાજય સરકારશ્રીને જાણ કરવામાં આવી હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

કમિશનરશ્રીએ કહ્યું હતું કે, મ્યુનિ. સેક્રેટરીશ્રીએ અત્રે પાઠવેલા પત્રમાં વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટર શ્રીમતી ધર્મિષ્ઠાબા જાડેજા સતત ૩ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા જી.પી.એમ.સી.

એકટ,૧૯૪૯ની કલમ-૧૧ મુજબ કોર્પોરેટર શ્રીમતી ધર્મિષ્ઠાબા જાડેજા  સભાસદ તરીકે મટી જવા અંગે મ્યુનિ. કમિશનરશ્રીને જણાવાયું હતું. વિશેષમાં, જી.પી.એમ.સી. એકટ,૧૯૪૯ની કલમ-૧૧(૧) મુજબ કોર્પોરેટરની જગ્યા જે તારીખથી ખાલી પડી હોય તે તારીખથી ૩ (ત્રણ) માસમાં ત્યાં ચૂંટણી કરી જગ્યા પૂર્વી જરૂરી બનતી હોઈ, આ સંદર્ભમાં ચૂંટણી પંચ અને રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને જાણ કરવામાં આવેલ છે. આ બેઠક તા. ૧૩-૮-૨૦૧૮ થી ખાલી પડેલ છે તેમ પણ ચૂંટણી પંચને જણાવ્યું છે.

નોંધનિય છે કે, તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરી ખોલાયા માટે બોર્ડની બેઠકમાં ગેરહાજર રહી પ્રેક્ષક ગેલેરીમાં બેસતા મેયર બીનાબેન આચાર્યએ પ્રેક્ષક ગેલેરીમાં રહેલા તમામ કોંગી કોર્પોરેટરોની ગેરહાજરી પૂરવા હુકમ કર્યા બાદ હાજરી અંગે વિવાદ સર્જાયેલ અને વિપક્ષી નેતા વસરામભાઇ સાગઠીયાએ હાજરીપત્રક ચેક કરાવતા કોંગ્રેસના ધર્મિષ્ઠાબા ૬ મહિના અને પરેશ હરસોડા સતત પાંચ મહિના ગેરહાજર હોવાનું ખુલતા સેક્રેટરી શ્રી રૂપારેલીયાએ ઉકત બંને કોંગી કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવા કમિશ્નરને ભલામણ કરી હતી. જેમાં ધર્મિષ્ઠાબાને ગેરલાયક ઠેરવાયા છે. જ્યારે પરેશ હરસોડાની હાજરી અંગે કાનુની માર્ગદર્શન મેળવાઇ રહ્યાનું કમિશ્નર જણાવ્યું હતું.

(3:28 pm IST)