Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બે ટ્રક ભાડે કરી ગોંડલને બદલે સરધાર-ત્રંબાની વાડીમાં બારદાન ઉતારી દેવાયા'તાઃ મગનની બપોર બાદ ધરપકડ

રાજકોટ જુના માર્કેટ યાર્ડમાં આગ લાગ્યા બાદ બચી ગયેલા બારદાન બીજા ગોડાઉનમાં મોકલતી વખતે મગન ઝાલાવાડીયા અને ગુજકોટના મેનેજર મનોજે નરેન્દ્ર બાલધાના ગોડાઉનની બિલ્ટીે બનાવડાવી કૌભાંડ આચર્યુ હતું: મગનના મળતીયા મનસુખ લીંબાસીયા અને કાનજી ઢોલરીયાએ કાવત્રાના ભાગ રૂપે ઓફિસના કર્મચારી નિરજને બે ટ્રક બારદાનની એન્ટ્રી રજીસ્ટરમાં નોંધવાની પણ ના પાડી'તીઃ પણ નિરજે નોંધ કરી નાંખી હોઇ ખુદ મગને પાના ફાડી નવી એન્ટ્રી નોંધી હતી!: મગફળી કૌભાંડની તપાસ વખતે બારદાનનું કૌભાંડ ખુલતાં બી-ડિવીઝન પોલીસે ૮ સામે ગુનો નોંધ્યોઃ સાતની પુછતાછ, ગમે ત્યારે ધરપકડ

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, રૂરલ એસપી બલરામ મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને રવિકુમાર સૈનીએ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરી હતી

રાજકોટ તા. ૨૦: સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા મગફળી કૌભાંડના મુખ્ય સુત્રધાર અને કાવત્રાખોર એવા પડધરીના મગન નાનજીભાઇ ઝાલાવડીયા સહિત ૯ આરોપીઓના  રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તમામને જેલહવાલે કરવાનો હુકમ થયો હતો. મગફળી કૌભાંડની તપાસમાં રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગનો પણ મગન ઝાલાવડીયા અને ગુજકોટના મેનેજર મનોજે લાભ ઉઠાવી લીધાનું અને આગમાંથી બચેલા પૈકીના રૂ. ૧૫ લાખ ૮૦ હજારના કુલ ૩૦ હજાર ૮૦૦ નંગ બારદાન બારોબાર વેંચી નાંખી રોકડા કરી લીધાનું ખુલતાં આ મામલે ગોંડલના સર્કલ પી.આઇ. ફરિયાદ પરથી રાજકોટ બી-ડિવીઝન પોલીસે મગન સહિત ૮ સામે ગુનો દાખલ થતાં પોલીસે ૭ને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. મગનનો સંભવતઃ બપોર સુધીમાં જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરાશે. કૌભાંડ આચરવા મગન અને મનોજે મળતીયાઓ સાથે મળી બે ટ્રક ભાડે કરી યાર્ડમાંથી બચેલા બારદાન  ગોંડલના ગોડાઉનમાં મોકલવાને બદલે ત્રંબા અને સરધાર ખાતે બારોબાર ઉતરાવી દઇ બાદમાં વેંચી નાંખ્યાની વિગતો પણ ખુલી છે.

બી-ડિવીઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો છે. જુના માર્કેટ યાર્ડમાં ગત માર્ચ મહિનામાં ભિષણ આગ ભભૂકતાં૧૩ કરોડ ૮૨ લાખ ૬૮ હજાર ૫૨૫ની કિંમતા ૧૯,૩૯,૨૫૦ નંગ બારદાન ખાક થઇ ગયા હતાં. જ્યારે ૫,૨૬,૯૦૦ નંગ બારદાન બચી ગયા હતાં. બચી ગયેલા પૈકીના રૂ. ૧૫,૮૦,૦૦૦ના બારદાનનું મગન સહિતની ટોળકીએ બારોબાર વેંચાણ કરી નાંખી ઠગાઇ કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરી પુરાવાનો નાશ કર્યાનો ગુનો દાખલ થતાં તપાસ શરૂ થઇ છે.

આ મામલે ગોંડલ ડિવીઝનના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.આર. વાણીયાએ ફરિયાદી બની રાજકોટ બી-ડિવીઝનમાં આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૦૧, ૪૨૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે તરઘડીયાના મગન નાનજીભાઇ ઝાલાવડીયા, મનોજ (અમદાવાદ ગુજકોટના મેનેજર-રહે. અમદાવાદ), તરઘડીયાના મનસુખ બાબુભાઇ લીંબાસીયા, તરઘડીયાના કાનજી દેવજીભાઇ ઢોલરીયા, તથા અમદાવાદના નિરજ, પરેશ હંસરાજભાઇ સંખારવા, મહેશ પ્રધાનભાઇ ભાનુશાળી, અરવિંદ પરાજભાઇ ઠક્કરના આરોપી તરીકે નામ અપાયા છે.

પી.આઇ. વાણીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મગન ઝાલાવડીયા સહિતના આરોપીઓએ સરકારશ્રીની ગુજકોટ કંપની દ્વારા ખેડુતોના ટેકાના ભાવમાં ખરીદ કરવામાં આવતાં પાકને ભરવા માટે ઉપયોગમાં લેવા માટે બારદનનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો. આ જથ્થો રાજકોટ જુના માર્કેટ યાર્ડ ખાતેના શેડ નં. ૧ તથા શેડ નં. ૨માં રખાયો હતો. જેમાં તા. ૧૩-૩-૧૮ના રોજ અચાનક આગ ભભુકી ઉઠતાં લાખોનો બારદાનનો જથ્થો ભસ્મીભૂત થઇ ગયો હતો. બચી ગયેલો બારદાનનો જથ્થો કંપનીમાં જમા કરાવવાને બદલે મગન ઝાલાવડીયાએ પોતે સરકારી કંપનીના એજન્ટ હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કરી ઠગાઇ કરવાના ઇરાદાથી તેમજ અંગત આર્થિક લાભ મેળવવાના હેતુ સાથે કાવત્રુ રચી તમામે ભેગા મળી રૂ. ૧૫,૮૦,૦૦૦ના ૩૦૮૦૦ નંગ બારદાનનું બારોબાર વેંચાણ કરી નાંખ્યું હતું.

આ બારદાન પણ સળગી ગયા છે તેવું દેખાડવા સરકારી રેકર્ડ સાથે ચેડા કરી તેમજ રજીસ્ટરના પાના ફાડી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો. તેમજ ઠગાઇના ઇરાદે ખોટુ નવું રેકર્ડ તૈયાર કરી નાંખ્યું હતું. તેમજ બચેલા બારદાન કોઇ પણ અધિકારીની પરવાનગી વગર યાર્ડમાંથી કપટ પુર્વક મગનના નક્કી કરેલા સ્થાથે લઇ જવાયા હતાં. આમ કાવત્રુ ઘડી તમામે સરકાર સાથે છેતરપીંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

તપાસમાં ખુલ્યું છે કે મગન ઝાલાવડીયા ગુજકોટના સોૈરાષ્ટ્ર ઝોનના મેનેજર છે. તેણે તથા ગુજકોટના અમદાવાદ ઝોનના મેનેજર મનોજે મળી બચી ગયેલા બારદાનમાંથી ૩૪ હજાર નંગ બારદાન રાજકોટ યાર્ડમાંથી ભરીને મગનના પનામ એગ્રો ટેક ખાતે મોકલી અપાયા બાદ ત્યાંથી મળતીયા મનસુખ લીંબાસીયા (રહે. તરઘડી) અને કાનજી ઢોલરીયા (રહે. રાજકોટ)ની મદદથી આ બારદાન રાજકોટના આશાપુરા ટ્રેડર્સવાળા મહેશ ભાનુશાળીને તથા લાતી પ્લોટના સાગર ટ્રેડર્સવાળા અરવિંદ ઠક્કરને વેંચી દીધા હતાં. પરેશ સંખાવરા અને નિરજે ઓફિસના રજીસ્ટરોમાં ખોટી એન્ટ્રીઓ નોંધી કૌભાંડમાં મદદગારી કરી હતી.

આગ લાગ્યા બાદ બચી ગયેલા બારદાનનો જથ્થો ગોંડલના નરેન્દ્ર રૈયાભાઇ બાલધાના ગોડાઉનમાં, તરઘડીના મનસુખ હરજીભાઇ રંગાણીના ગોડાઉનમાં અને તરઘડીના લાલજી કાનજીભાઇ રંગાણીના ગોડાઉનમાં ટ્રાન્સફર કરવાનું મગન અને મનોજે નક્કી કર્યુ હતું. આ ત્રણેય ગોડાઉનમાં બારદાનનો જથ્થો ટ્રાન્સફર કરવાનું કામ ચાલુ હતું ત્યારે કાવત્રા મુજબ મગન અને મનોજે તેના મળતીાય મનસુખ તથા કાનજી મારફત કાળુ ઝાપડાની બે ટ્રક જીજે૩જેવાય-૮૨૯૦ તથા જીજે૩વી-૮૭૧૧ ભાડે બાંધી નરેન્દ્ર બાલધાના ગોડાઉનની બિલ્ટી બનાવડાવી હતી.

એ પછી આ ટ્રકોમાં બારદાન ભરીને રવાના કરાયા હતાં. પરંતુ ટ્રકો ગોંડલના ગોડાઉને પહોંચાડવાને બદલે સરધાર તથા ત્રંબા ખાતે કાનજી ઢોલરીયાના ઓળખીતા અજય ખુંટની વાડી અને ભાવનગર રોડ પર રફાળાની બાજુમાં વિઠ્ઠલ કોળીની જામબારીની વાડીએ ઉતારી દેવાયા હતાં. એ પછી તેનું બારોબાર વેંચાણ કરાયું હતું. એ પછી મનસુખ અને કાનજીએ ગુજકોટની ઓફિસે જઇ કર્મચારી નિરજને આ બે ટ્રકની એન્ટ્રી રજીસ્ટરમાં નહિ કરવા કહ્યું હતું. પરંતુ નિરજે જે તે સમયે જ એન્ટ્રી કરી નાંખી હોઇ જેથી મને પોતે નિરજ પાસેથી રજીસ્ટર મેળવી ખરાઇ કરી રજીસ્ટરના પાના ફાડી નાંખ્યા હતાં અને નવી તારીખમાં નવી નોંધો કરી હતી. તેમજ બીજા બે ટ્રક બારદાન નરેન્દ્ર બાલધાના નામની બિલ્ટી કરીને તેના ગોડાઉનમાં મોકલાવી દીધા હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, રૂરલ એસપી બલરામ મીણા તથા એસીપી પૂર્વ બી. બી. રાઠોડે ગત સાંજે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. મગન ઝાલાવાડીયા સિવાયના ૭ આરોપીઓની પુછતાછ થઇ રહી છે, તેની ગમે ત્યારે ધરપકડ થશે. મગન ઝાલાવડીયાનો સંભવતઃ બપોર બાદ જેલમાંથી કબ્જો મેળવી પુછતાછ શરૂ કરાશે.

બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર, ચંદ્રસિંહ, જગેન્દ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

મગને અમદાવાદના ગુજકોટ મેનેજરને રૂબરૂ મળી કાવત્રુ ઘડ્યું'તું: એ મુજબ ૮ ટ્રક ભરી બારદાન મોકલાયા તેમાંથી ત્રણ ટ્રક બારોબાર ઉતારી લીધા'તા એક વેપારીને ૧૦,૮૦૦ બારદાન રૂ. ૫૦ના ભાવથી અને બીજાને ૨૦ હજાર બારદાન રૂ. ૫૨ના ભાવથી વેંચ્યા હતાં

કાવત્રાના ભાગ રૂપે મગન ઝાલાવડીયા અને મનસુખ લીંબાસીયા તથા કાનજી ઢોલરીયાએ કુલ ૮ ટ્રકો યાર્ડમાંથી ભરાવી હતી. જેમાંથી પાંચ ટ્રક બારદાન લાલજી રંગાણીના ગોડાઉનમાં તરઘડી ખાતે અને બાકીની ત્રણ ટ્રક મગન ઝાલાવડીયાના તરઘડીના પનામ એગ્રોટેક ખાતે મોકલી આપી હતી. આ ૮ ટ્રકો બારદાન ભરીને યાર્ડમાંથી બહાર નીકળેલી તે સમયે રજીસ્ટર નિભાવતા નિરજે આઠેય ટ્રકો લાલજી રંગાણીના ગોડાઉનમાં ઉતારાયાની એન્ટ્રી કરી હતી. આ વાત મગન ઝાલાવડીયાના ધ્યાને આવતાં તેણે નિરજને બોલાવી રજીસ્ટર મંગાવી તેની હાજરીમાં જ પાના ફાડી નાંખ્યા હતાં અને નવેસરથી નિરજ અને પરેશભાઇ પાસે નવી એન્ટ્રી નોંધાવડાવી હતી. જેમાં આઠ પૈકીની પાંચ ટ્રક લાલજીના તરઘડીના ગોડાઉનમાં મોકલાયાની નોંધ કરાવાઇ હતી.

મગને મગફળી કૌભાંડની તપાસ વખતે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તેણે ગુજકોટ અમદાવાદના મેનેજર મનોજને રૂબરૂ મળીને કાવત્રુ ઘડ્યું હતું. બંનેએ સાથે મળી આગમાં બચી ગયેલા સારા બારદાનના ત્રણ ટ્રક ભરીને બારોબાર વેંચી નાંખ્યા હતાં. આ બારદાનમાંથી આશાપુરા ટ્રેડર્સવાળા મહેશભાઇને એક બારદાનના રૂ. ૫૦ લેખે ૧૦,૮૦૦ બારદાન (રૂ. ૫,૪૦,૦૦૦ના) તથા સાગર ટ્રેડર્સવાળા અરવિંદભાઇને એક નંગ બારદાન રૂ. ૫૨ લેખે કુલ ૨૪,૦૦૦ બારદાન મોકલ્યા હતાં. જેમાંથી ૪૦૦૦ ખરાબ નીકળતાં તેણે પાછા મોકલ્યા હતાં. ૨૦,૦૦૦ બારદાનના રૂ. ૧૦,૪૦,૦૦૦ વસુલાયા હતાં. વેંચાણમાંથી કુલ રૂ. ૧૫,૮૦,૦૦૦ ઉપજ્યા હતાં. જેમાંથી ૧૦ લાખ અમદાવાદનો મનોજ લઇ ગયેલો અને બાકીના મગને રાખ્યા હતાં. (૧૪.૧૧)

(11:42 am IST)