Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રેલ્વે મિલ્કતવેરાનું ૧પ કરોડનું લેણુ મ.ન.પા.ને ચુકવી દેશે : મેયર મ્યુ. કમિશ્નરનો સફળ પ્રયાસ

વર્ષો જુના વિવાદનો સુઃખદ અંત લાવતા મેયર : રેલ્વેનાં અન્ય નાના-મોટા પ્રશ્નોનું પણ સમાધાન : અમિત અરોરા અને પ્રદિપ ડવ દ્વારા રેલ્વે સાથે યોજાયેલી બેઠકમાં થયા કરારો

રાજકોટ, તા. ર૦ :  મ.ન.પા. તંત્રનું રેલ્વે તંત્ર પાસે વર્ષોથી પાણી-વેરા સહિત મિલ્કત વેરા ૧પ કરોડનું માંગણું હતું.

આ વિવાદસ્પદ માંગણા બાબતે રેલ્વે તથા મ.ન.પા. વચ્ચે સહમતી સાધવામાં મેયર અને મ્યુ. કમિશ્નરને સફળતા પ્રાપ્ત થતા રેલ્વે આ ૧પ કરોડનું લેણુ ચુકવવા તૈયાર થઇ ગયેલ છે.

આ અંગે સત્તા વાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચેનો વરસો જુનો ટેકસનો પ્રશ્ને ઉકેલાઈ ગયો છે. રેલ્વે અને મહાનગરપાલિકા વચ્ચે આ વિષયમાં થયેલા એક સમજુતી કરાર (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર પણ થઇ ગયા છે. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા કાર્યવાહી આગળ ધપાવશે. રેલ્વે પાસેથી મહાનગરપાલિકાએ આશરે રૂ. ૧૫ કરોડ જેવી રકમ વસૂલ થાય છે, તેમ મેયરશ્રી ડો. પ્રદિપ ડવ  અને મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ સંયુકતરીતે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચે પ્રોપર્ટી ટેકસ મુદ્દે સને ૧૯૫૪ થી આ ઇસ્યુ અણઉકેલ રહેતા સને ૧૯૯૭ની સાલમાં આ પ્રકરણ હાઈકોર્ટમાં પહોંચ્યું હતું, જેના ચુકાદા સામે સને ૨૦૦૩માં રાજકોટ મહાનગરપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સને ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ રેલ્વે સાથે એમ.ઓ.યું. કરવા બાબતે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. આ વિષયમાં બંને તંત્ર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, જેમાં સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે રેલવેએ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. જેના પગલે એમ.ઓ.યુ.નો મુસદ્દો તૈયાર કરાયો હતો.

અત્રે એ ઉલ્લેખ કરવો રહયો કે, તાજેતરમાં જ માનનીય મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે અને રાજકોટ મહાનગરપાલિકાની એક સંયુકત મીટિંગ યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટની ચર્ચા દરમ્યાન સર્વિસ ચાર્જ મુદ્દે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. જેના પગલે એમ.ઓ.યુ. પર બંને પક્ષકારોનાં હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકી હતી.

રેલ્વે પાસેથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેકસને બદલે સર્વિસ ચાર્જ વસૂલવાનો થાય છે. અગાઉની બાકી રકમ સહિત કુલ આશરે રૂ. ૧૫ કરોડ જેવી રકમનું બિલ રેલવેને મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત રેલવેની મંજુરી બાબતનાં અન્ય નાના -મોટા પ્રશ્નોનો પણ આ બેઠકમાં ઉકેલ આવ્યો હતો.

(3:53 pm IST)