Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પાણી-કચરાની ફરિયાદ ર૪ કલાકમાં અને ગટરની ફરિયાદ ૪૮ કલાકમાં ઉકેલાશેઃ અમિત અરોરાનો એકશન પ્લાન

લોકોના પ્રાથમિક પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા મ્યુ.કમિશ્નરની અધિકારી-ઇજનેરોને તાકીદ

રાજકોટ તા. ર૦ : શહેરી જનોનો પાણી વિતરણ સબંધી ફરીયાદો તેમજ કચરો અને ગંદકીની ફરીયાદોનું પ્રમાણ વધુ હોવાનુ મ્યુ.કમિશ્નર અમિત અરોરાના ધ્યાને આવતા તેઓએ આ બાબતે અધિકારીઓ અને ઇજનેરોની રિવ્યુ મીટીંગ યોજી અને આવી ફરીયાદોનો ર૪ કલાકમાંજ નિકાલ થઇ જાય તે માટેનો એકશન પ્લાન ઘડયો હતો.

આ અંગે સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ મ.ન.પા.ના કોલ સેન્ટરમાં નોંધાતી ફરીયાદોનો અભ્યાસ મ્યુ. કમિશ્નર અીમત આરોરાએ કરતા કોલ સેન્ટરમાં સૌથી વધુ ફરીયાદો પાણી ઓછુ મળવુ ગંદુ-ડહોળુ પાણી મળવુ, પાઇપ લાઇન લીકેજ, મોટર મુકી પાણી ચોરી, ભુતિયા નળ જોડાણ વગેરે જેવી  જોવા મળી હતી. તેવીજ રીતે ગંદકી-કચરાના ઢગલા, સફાઇ થતી નહી હોવાની ફરીયાદો અને ભૂગર્ભ ગટર છલકાઇ જવી વગેરે જેવી ફરીયાદોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.

આથી મ્યુ.કમિશ્નર અમીત અરોરાએ મ.ન.પા.ના વોટર વર્કસ, ડ્રેનેજ, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ -ઇજનેરોની રિવ્યુ બેઠક યોજી અને તમામને ફરીયાદ નિકાલ કરવાની સમય મર્યાદા નકકી કરવાની તાકિદે કરી હતી.

આ એકશન પ્લાન મુજબ પાણી સંબંધી ફરીયાદો ર૪ કલાકમાં તેમજ કચરો-ગંદકીના ગંજ સફાઇ સબંધી ફરીયાદો પણ ર૪ કલાકમાં નિકાલ કરી નાંખવા જણાવેલ.

જયારે ભૂગર્ભ ગટરની સફાઇ કરવાની ફરીયાદો ૪૮ કલાકમાં ઉકેલી નાંખવા તાકિદ કરી હતી.

નોંધનીય છે કે કોલ સેન્ટરમાં કોઇપણ નાગરીક ફરીયાદ નોંધાવે એટલે તુરતજ ફરીયાદ જે વિભાગની હોય જે વિસ્તારની હોય તેના મુખ્ય જવાબદાર અધિકારીને ફરીયાદીના  નામ, સરનામાં અને મોબાઇલ ફોન નંબર સાથે એસ.એમ.એસથી પહોંચી જાય તેવી સુંદર વ્યવસ્થા વર્ષોથી આમ છતા ફરીયાદ નિકાલમાં બેદરકારી દાખવાતી હોવાની પ્રતીતી મ્યુ.કમિશ્નરશ્રીને થતા તેઓએ રિવ્યુ બેઠક યોજી આ એકશન પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(3:17 pm IST)