Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રસ્તાના ખાડાઓના સર્વે કરી તાત્કાલિક રીપેરીંગ થશે

મેયર પ્રદિપભાઇ ડવ સહિતના પદાધિકારીઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી રસ્તા-રીપેરીંગની કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરીઃ સાંજે સ્વચ્છતા ઝુંબેશની બેઠક યોજાશે

રાજકોટ તા.ર૦ :  મહાનગરપાલિકાના સિટી એન્જીનીયરો તથા ડે. એન્જીનીયરો સાથે મેયર  ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાંધકામને લગત જુદા જુદા કામો માટે મીટીંગ યોજાઇ.

આ મીટીંગમા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલ તેમજ સિટી એન્જી. ગોહિલ, કોટક, વાય.કે. ગોસ્વામી તથા તમામ વોર્ડના ડે. એન્જી વિગેરે ઉપસ્થિત રહેલ.

મીટીંગમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરના નગરજનોહેરાન ન થાય અને કોઇ અકસ્માતના બનાવ ન બંને તે માટે શહેરના મુખ્ય માર્ગો પર રોડ પરના ખાડાઓમાં મેટલ મોરમ નાંખી વ્યવસ્થિત કરવા ઉપરાંત તમામ મુખ્ય માર્ગોનો સર્વે કરી ઝુંબેશના સ્વરૂપે આ કાર્યવાહી પુર્ણ કરવા તેમજ હવે પછી ડે .એન્જીનીયર, આસી. એન્જીનીયર, વર્ક આસિસ્ટન્ટ વિગેરે પોતાના વોર્ડમાં દરરોજ ફિલ્ડમાં જતા જ હોય છે. ત્યારે જે જે રોડ રસ્તા પર ખાડાઓ જણાય તેની યાદી બનાવી જોઇએ અને સમય મર્યાદામાં મેટલીંગ કે પેચવર્ક તુરંત કરાવવુ જોઇએ જેથી રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોનો રોષનો ભોગ ન બંને તે માટે આપ સૌએ જવાબદારી પુર્વક કાર્યવાહી કરવા પદાધિકારીશ્રીઓએ તાકીદ કરેલ.

વિશેષમાં ચોમાસાની ઋતુ દરમિયાન જે જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્નના લોકેશનની જાણકારી મેળવેલ અને થયેલ કામગીરીની ચર્ચા કરવામાં આવે તેમજ ઘણા લોકેશન પર વોંકળાના દબાણના કારણે વરસાદી પાણીના નિકાલ થતોન હોય તેવી જગ્યાએ ટાઉન પ્લાનીંગ વિભાગે સાથે રાખી કાર્યવાહી કરવા જણાવેલ. તેમજ જે વિસ્તારોમાં કોર્પોરેશનના કામો ચાલતા હોઇ અને પુર્ણ થયા બાદ ત્યાં પડેલ વેસ્ટ માલ અને ડ્રેનેજની કુંડીઓ સાફ કરેલ હોય તેમનું રબીશ એજન્સીઓ મારફત તાત્કાલીક ઉપડી જાય તેવી સુચના આપવામાં આવેલ. શહેરના જુદા જુદા વોર્ડમાં નાના મોટા પ્રોજેકટના કામ ચાલતા હોય આવા કામો એજન્સીઓ દ્વારા ખુબ જ ધીમી ગતિએ કરતા હોય છે જેના કારણે લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે. આવી એજન્સીઓને નોટીસ આપીને સંતોષ માનવાને બદલે જરૂરજણાયેલ બ્લેક લીસ્ટમાં મુકવા પગલા લેવા સુચના આપેલ હતી.

ચોમાસાની ઋતુ બાદ ડામર, પેવરના કામો માટે વોર્ડનો એકશન પ્લાન બનાવતી વખતે વોર્ડમાં ખરેખર જરૂરીયાત હોય તેવા રસ્તાઓનું સમાવેશ કરવા તમામ સીટી એન્જીનીયરઓને પદાધિકારીશ્રીઓએ કાર્યવાહી કરવા જણાવેલ.

સાંજે સ્વચ્છતા અંગે બેઠક

આ ઉપરાંત આજે ડે. કમિશ્નર, પર્યાવરણ ઇજનેર અને સોલીડ વેસ્ટ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેરો,  સેનેટરી ઇન્સ્પેકટરો સબબ, ઇન્સ્પેકટરો વગેરે સાથે પણ મેયર પ્રદિપ ડવ ત્યાં સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભર બેઠક યોજી શહેરમાં કચરાનાં ગંજ દુર કરવા અને સ્વચ્છતામાં શહેરને અગ્રતા અપાવાવ બાબતે બેઠક યોજી અને ચર્ચા-વિચારણા કરશે.

જેમાં કચરાના ગંજ ખડકાતા હોય ત્યાં સફાઇ, દવા છંટકાવ કરાવી અને લોકોમાં જાહેરમાં કચરો ફેંકતા બંધ થાય તે માટે જનજાગૃતિ પત્રીકા વિતરણ અને લોકોને રૂબરૂ સમજાવવા ઉપરાંત જરૂર પડે તો દંડ વસુલવા સહિતની ઝુંબેશાત્મક કામગીરી શરૂ કરવા બાબતે આયોજનો થનાર છે.

(3:13 pm IST)