Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રાજકોટ દુધ સંઘ (ડેરી) દ્વારા પશુપાલકોને અન્યાય : ભારતીય કિસાન સંઘની રાવ

રાજકોટ તા. ૨૦ : રાજકોટ ડેરી સંઘના ખરાબ મેનેજમેન્ટના કારણે પશુપાલકોને મોટો અન્યાય થઇ રહ્યાનું ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, ઉપપ્રમુખ રમેશભાઇ ચોવટીયા, મંત્રી પ્રભુદાસભાઇ મણવરે સંયુકત યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે વર્ષના અંતે સંઘ અને ફેડરેશનની મદદથી જે પણ નફો વધતો હોઇ તેના આધારે ખેડુતો-પશુપાલકોને ભાવ ફરકની રકમ બોનસના રૂપમાં આપવામાં આવે છે. પરંતુ રાજકોટ સંઘની બેદરકારીના કારણે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના ખેડુતો અને પશુપાલકોને ફેટમાં અને ભાવ ફરકમાં મોટી નુકશાની ભોગવવી પડી છે.

મોરબી દુધ સંઘ રાજકોટથી અલગ થયા બાદ નાનો અને નવો એકમ હોવા છતા દર વર્ષે રાજકોટ ડેરીની સરખામણીએ ફેટના ભાવ અને વાર્ષિક ભાવ ફરક ઘણો વધારે ચુકવે છે.

ચાલુ વર્ષે મોરબી સંઘે કિલો ફેટે ૬૦ રૂપિયા ભાવ ફરકની રકમ ખેડુતો અને પશુપાલકોને ચુકવી આપી છે. જયારે રાજકોટ સંઘે હજુ સુતી તેની કોઇપણ પ્રકારની જાહેરાત કરી નથી.

રાજકોટ દુધ સંઘે દુધ ઉત્પાદકો માટે પ્રતિ કિલો ફેટે રૂપિયા ૨૦ નો ફરીથી વધારો કર્યો તે ખેડુતો/પશુપાલકો માટે સારી બાબત છે. પરંતુ તે પ્રમાણમાં ગયા વર્ષ કરતા ઘણો ઓછો છે. ગયા વર્ષે બધી ડેરીઓ કરતા રાજકોટ સંઘે ખેડુતો અને પશુપાલકોને અન્ય બધા સંઘોની સરખામણીએ ખુબ ઓછા ભાવ ચુકવેલા હતા.

આમ રાજકોટ જિલ્લાના ખેડુતો-પશુપાલકો મોટી નુકશાની ભોગવી રહ્યાનું ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, લલીતભાઇ ગોંડલીયા, ભરતભાઇ પીપળલીયા, જીવનભાઇ વાછાણી, રમેશભાઇ હાપલીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, માધુભાઇ પાંભર, જીતુભાઇ સંતોકી, બચુભાઇ ધામી, શૈલેભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભુપતભાઇ કાકડીયા, ભાવેશભાઇ રૈયાણી, દીપકભાઇ લીંબાસીયા, ઠાકરશીભાઇ પીપળીયા, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, કાળુભાઇ, ઝાલાભાઇ ઝાપડીયા, વિપુલભાઇ સુદાણી, જમનભાઇ પાગડાએ સંયુકત યાદીમાં જણાવેલ છે.

(3:52 pm IST)