Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કાલથી શ્રાવણનો પ્રારંભ : જાહેર મેળાવડાના કાર્યક્રમો બંધ

કોરોનાને લીધે શિવાલયોમાં ગીર્દી ન કરવા અપીલો થઇ : દર્શન માટે ગાઇડ લાઇન : પ્રસાદ ધરાવવા પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૦ : દેવાધિદેવ મહાદેવને રીઝવવાનો પાવન અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ. આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ હાલ કોરોના સંક્રમણનો ભય માથે જળુંબી રહ્યો હોય લોકોએ મંદિરોમાં ગીર્દી ન કરવા અને સંયમમાં રહી પૂજા દર્શનનો લાભ લેવા વિવિધ શિવમંદિરોની યાદીઓમાં અપીલ થઇ છે.

મંદિરોમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા, મોઢે માસ્ક બાંધવા, પ્રસાદ નહીં ધરાવવા પુજાપો જાતે ચડાવવાને બદલે પુજારીને આપી દેવા સહીતના નિયમો જાહેર કરાયા છે.

પૂ.રણછોડદાસજી આશ્રમ

સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા દર વર્ષ મુજબ પવિત્ર શ્રાવણ માસના કાર્યક્રમો આયોજીત થયા છે. પરંતુ આ વર્ષે કોરોનાની સ્થિતિ ધ્યાને લઇ તમામ કાર્યક્રમો નિયમ મુજબ સાદગીથી કરવા નિર્ણય લેવાયો છે. સંસ્થાની યાદી મુજબ સાદાયથી સુંદરકાંડના પાઠ તા. ૨૧ થી તા. ૧૯ ઓગષ્ટ સુધી નીજ મંદિર હોલમાં એક સંત ભગવાન દ્વારા કરાવવામાં આવશે. જયારે ધર્મપ્રેમી ભાઇ બહેનોએ ઘરે ઘરે રહીનેજ શ્રી સુંદરકાંડના પાઠ કરવાના રહેશે. મંદિર પરિસરમાં આવવાની જરૂર નથી. આખો શ્રાવણ માસ સૌઅ સુંદરકાંડના ઘરે ઘરે પાઠ કરવા સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઇ છે.

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ

જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ ગીતા મંદિરમાં સહપરિવાર બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન અજોડ એવી ઓમકાર આકારની ૧૦૮ દીપમાળા આરતી થશે. લાઇટ ડેકોરેશન અને પુષ્પ રંગોળીની શોભા થશે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રૂદ્રાભિષેક થશે. કોરોનાથી સૌને બચાવવા શિવજીને સામૂહિક પ્રાર્થના થશે. દર્શનનો સમય પ્રતિદિન સવારે ૬ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ નો રહેશે. દર્શનાર્થીઓએ ચાર ફુટનું અંતર જાળવવા અને માસ્ક અવશ્ય બાંધીને પ્રવેશવા અનુરોધ કરાયો છે.

કોેટશ્વર મહાદેવ કોઠારીયા કોલોની

કોઠારીયા કોલોનીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે મંગળવારથી શ્રાવણ માસ નિમિતે ધાર્મિક અનુષ્ઠાનો થશે. દરરોજ મંગળા આરતી થશે. કાલે ધ્વજારોહણ કરાશે. શિવજીને વિવિધ અભિષેક થશે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને તમામ કાર્યક્રમ થશે. સાથો સાથ કોરોના મહામારી ખતમ થાય તેવી પ્રાર્થના પણ કરાશે. તેમ કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, ક્રિપાલસિંહ જાડેજા, રશ્વીનભાઇ જાદવ, સિધ્ધરાજસિંહ જાડેજા, સંદીપભાઇ સોલંકી, જયભાઇ આસોડીયા, કિરીટસિંહ જાડેજા, વિશાલભાઇ ચૌહાણ , હેમલ ચૌહાણ, હરદેવસિંહ ઝાલા, શનિ જાદવ, જયેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઇ સોલંકી, ધર્મદીપ પરમાર, કુલીપસિંહ ઝાલા, મીત ચાવડા, ધર્મદીપસિંહ જાડેજા, યશપાલસિંહ ઝાલા, અજય સોલંકી, યોગરાજસિંહ ઝાલા, હિતેશભાઇ મીસ્ત્રી તથા મંદિરના પુજારી શ્રી રસીકગીરીબાપુની યાદીમાં જણાવાયુ છે.

(2:57 pm IST)