Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ડોકટરને આપેલ ચેક રિટર્નના કેસમાં સુરતની મહીલાને આઠ મહીનાની સજા

પાંચ લાખનું વળતર ન ચુકવે તો વધુ સજાનો આદેશ

રાજકોટ તા ૨૦  : ડોકટર પાસેથી લીધેલ પાંચ લાખની રકમની ચુકવણી પેટે આપેલ ચેક રિટર્નના  કેસમાં સુરતની મહીલા આરોપીને સજા ફરમાવતી રાજકોટની સ્પેશીયલ નેગોશીએબલ કોર્ટે હુકમ કરેલ છે.

સમગ્ર કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ શહેરના રામનાથ પરા વિસ્તારમાં રહેતા અને ડોકટરનો વ્યવસાય કરતા યુસુફમિયા કાદરી પાસેથી સબંધના નાતે અંગત તથા પોતાના પતિના ધંધાના વિકાસ માટે સુરત મુકામે રહેતી મહીલા યાસ્મીનબાનુ મહમદ હનિફ સોનીએ પાંચ લાખ રૂપિયા સબંધના દાવે હાથ ઉછીના લીધેલા, જે ફરીયાદીએ રકમ પરત માંગતા આરોપી મહીલાએ તેના ખાતાની બેન્કનો રૂા પ,૦૦,૦૦૦/- પુરાનો ચેક ફરીયાદી ડો. યુસુફમિયા કાદરીને લખી આપેલ, જે ચેક વસુલ થવા ફરીયાદીએ  તેમની બેન્કમાં રજુ કરતા સદરહુ ચેક પરત ફરેલ.

આરોપીએ સમય મર્યાદામાં ચેકની રકમ  ફરીયાદીને ચુકવેલ નહીં, જેથી આરોપી યાસ્મીનબેન સામે ફરિયાદીએ રાજકોટની સ્પેશીયલ નેગોશીએબલ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષનો પુરાવો પૂર્ણ થતા ફરીયાદી તરફે લેખીત દલીલો અને નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના અલગ અલગ જજમેન્ટો રજુ કરવામાં આવેલ.

કોર્ટે ફરીયાદીનું આરોપી પાસે કાયદેસરનું લેણુંં હોય તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ થયાનું માની લઇ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮, એ.બી.સી. ના તત્વો આરોપી વિરૂધ્ધ પુરવાર થયેલ માની લઇ આરોપીને તકશીરવાન ઠરાવી આઠ માસની સાદી કેદની સજા તથા ફરીયાદીને રૂા પ,૦૦,૦૦૦/- નું વળતર ચુકવી આપવું, જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના વકીલશ્રી એમ.જી. કટારીયા, કિરણભાઇ રૂપારેલીયા, હરેશ ભટ્ટ,અનિરૂધ્ધ નથવાણી, અજય ચાપાનેરી, અતુલ ચેખલીયા, શિવાની ચાપાનેરી, તન્વી શેઠ તથા ક્રિષ્નાબેન મારડીયા રોકાયેલ હતા.

(3:36 pm IST)