Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

MAનાં વિદ્યાર્થીઓ ભણશે સંઘના પાઠ

યુનિ.દ્વારા અભ્યાસક્રમમાં સીંઘ્ધ અંગેનું ચેપ્ટર દાખલ કરાશે

અમદાવાદ, તા.૧૯: સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા એમએના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ અંગે એક ચેપ્ટર દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

દેશ અને ગુજરાતના રાજકારણમાં ભાજપ માટે રાજકોટ એક મહત્વનો ગઢ અને ગૌરવનું સ્થળ છે. આ એજ જગ્યા છે જયાં આશરે ૪૦ વર્ષ પહેલા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ(RSS)ની રાજકીય પાંખ કહેવાતા જનસંઘના આગેવાનોએ ગુજરાતમાં ભાજપનો પાયો સૌ પ્રથમવાર નાખ્યો હતો. હવે એ જ રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સનો અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સંદ્યના ફાળા અંગે ભણાવવામાં આવશે.

યુનિવર્સિટીમાં MAના ત્રીજા સેમેસ્ટરમાં આગામી શૈક્ષણિક વર્ષથી RSS અંગે એક ચેપ્ટર ઉમેરવા માટેની તમામ જરુરિયાતો પૂરી કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ગુજરાતમાં જનસંઘના સંસ્થાપકો પૈકી એક પાયાના પથ્થર ચીમન શુકલના પુત્ર નેહલ શુકલ દ્વારા આ બાબતે રિપ્રેઝન્ટેશન આપ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

ભાજપના એકિટવ કાર્યકર્તા નેહલ શુકલએ પોતાના પત્રમાં યુનિવર્સિટીને લખ્યું હતું કે, 'ભારતની આઝાદી પછી કોંગ્રેસ અને તેના જ સાથીદારો વર્ષો સુધી આ દેશ પર રાજ કરતા રહ્યા. તેમણે ઇરાદાપૂર્વક અને બદદાનતથી ભારતની આઝાદીની લડાઈમાં ગાંધી પરિવાર સિવાય કોઈ અન્યના ફાળાને મહત્વ આપ્યું જ નથી. જેનો ભોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ બન્યું છે. સંઘની વિચારધારાને તોડીમરોડીને ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.'

શુકલે વધુમાં લખ્યું કે, 'હવે જયારે સમગ્ર દેશમાં સંઘની વિચારધારાને લોકો આવકારી રહ્યા છે ત્યારે આગામી પેઢીઓએ ખાસ જાણવું જોઈએ કે આ સંસ્થાએ રાષ્ટ્રના નિર્માણમાં કેટલો ફાળો આપ્યો છે અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારી છે કે તેઓ આ ફરજ નિભાવે.' જયારે આ અંગે યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલર નિતિન પેથાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'અમને આ બાબતે પત્ર મળ્યો છે અને તેને લઈને અમે આગામી શૈક્ષણિક વર્ષમાં મંજૂરી મળી રહે તે માટે બોર્ડ ઓફ સ્ટડિઝ સમક્ષ એક પ્રસ્તાવ મુકયો છે. હાલ સંઘ અંગેના આ કોર્સ પર અમારો ઈતિહાસ વિભાગ કામ કરી રહ્યો છે.'

જનસંઘે પહેલીવાર રાજકોટની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ૧૯૭૫માં વિજય પતાકા લહેરાવી હતી. આ એક ખૂબ જ મહત્વની ઘટના હતી જેના કારણે અટલ બિહારી વાજપેયી જેવા જનસંઘના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા રાજકોટમાં જનસંઘના સ્થાપકો પૈકી એક અરવિંદ મણિયારના મેયર તરીકેના શપથ વિધિ કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા.

યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના હેડ પ્રફુલા રાવલે કહ્યું કે, 'અમે નાગપુર યુનિવર્સિટી સહિતની અન્ય યુનિવર્સિટીના RSS અંગના અભ્યાસક્રમનો અભ્યાસ કરીશું અને તેના આધારે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ તૈયાર કરીશું. અત્યાર સુધી ઇતિહાસમાં RSSના ફાળાને યોગ્ય સ્થાન મળ્યું નથી અને અમને લાગી રહ્યું છે કે તેનો સમાવેશ પણ ઇતિહાસ ભણવામાં થવો જોઈએ.'

(10:17 am IST)