Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દારૂ પી ને ડ્રાઇવીંગ ન કરો...ચાલતી વખતે મેસેજ ન કરો...લોકજાગૃતિ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ મુકયું વિશાળ એલઇડી સ્ક્રીન

હાલમાં 'ડેમો' માટે બાલભવન પાસે એક સ્ક્રીન મુકાઇઃ બાદમાં દસ સ્ક્રીન મુકવામાં આવશે : આ સુચન લિકરશોપમાંથી લેનારા અને બુટલેગર પાસેથી લેનારા એમ બધાને લાગુ પડે છે...

રાજકોટઃ દારૂબંધી હોવા છતાં શોખીનો, પ્યાસીઓને દારૂ મળી રહે છે...ગાંધીના ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી રાજકોટની હાઇસ્કૂલમાં ભણ્યા હતાં. પણ આજે આ શહેરની રહેણી-કરણી તદ્દન બદલાઇ ગઇ છે. રંગીલા-મોજીલા રાજકોટમાં છાંટોપાણી લેવાનો શોખ ધરાવનારાઓની સંખ્યા વધી ગઇ છે. પરમીટથી ખરીદીને પીનારા અને બુટલેગર પાસેથી બાટલી મેળવી મોજ કરી લેનારા અહિ ઓછા નથી. કદાચ એ કારણોસર જ મોટે ભાગે હાઇવે પર કે જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યોમાં જોવા મળતાં સુચનો હવે શહેરમાં જોવા મળે છે...શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર બાલભવનના ગેઇટ નજીક જ વિશાળ એલઇડી સ્ક્રીન મુકવામાં આવી છે. જેમાં લોકોને જાગૃત કરતા લખાણ અંગ્રેજીમાં લખ્યા છે. 'ડોન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઇવ...ડોન્ટ ટેકસ્ટ એન્ડ વોક'...એટલે કે દારૂ પીને ડ્રાઇવીંગ ન કરો, ચાલતી વખતે મોબાઇલમાં મેસેજ ન કરો. આવા સુચન આપતા એલઇડી મુકવાની કાર્યવાહી મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની રાહબરી હેઠળ શરૂ થઇ છે. પ્રારંભે ડેમો માટે એક વિશાળ સ્ક્રીન બાલભવન પાસે મુકાઇ છે. બાદમાં દસ આવા સ્ક્રીન અલગ-અલગ સ્થળોએ મુકાશે. જેમાં અલગ-અલગ મુદ્દે લોકોને જાગૃત કરતાં સંદેશાઓ પ્રસારિત થતાં રહેશે તેમ જાણવા મળે છે. (આલેખનઃ ભાવેશ કુકડીયા, ફોટોઃ સંદિપ બગથરીયા-) (૧૪.૯)

(4:02 pm IST)