Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

નામચીન રમેશ રાણા ઉપરના ખુની હુમલા કેસના આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૨૦: માજી ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા મુખ્યમંત્રીના બંગલે આત્મવિલોપનનો કરવામાં આવેલ પ્રયાસ સહિત સતત ચકચાર જગાવનાર નામચીન રમેશ રાણા મકવાણા પરના પાઇપ, ધોકા, તલવાર, છરી તથા રીવોલ્વરથી હુમલો કરી ખુનની કોશિષ કરવાના એટ્રોસીટી સહિતના ગુનામાં આરોપી રમેશભાઇ જસમતભાઇ ગોંડલીયાને રાજકોટ એડી.સેશન્સ જજે આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, તા.૧૯-પ-૨૦૧૮ ના રાત્રીના સાડા નવેક વાગ્યા આસપાસ અમરેલીના પુર્વ સરપંચ આંબાભાઇ વાડોદરીયા સહિતના કુલ-૧પ લોકોએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી લોખંડના પાઇપ, ધોકાથી તથા તિક્ષ્ણ હથિયારોથી એકબીજાની મદદગારીથી શરીરના અલગ અલગ ભાગો પર ગંભીર ઇજાઓ કરી અપમાનીત કરી ગુનો આચરવા સબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ.

સદર ગુનાના કામે આરોપી રમેશભાઇ જસમતભાઇ ગોંડલીયા, રહે. ગોવિંદરત્ન બંગલો, રાજકોટવાળાએ સંભવિત ધરપકડ સામે એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

હાલના અરજદારનું એફ.આઇ.આર.માં રોલ નથી. બાદ અરજદારનુ નામ ઉમેરવામાં આવેલ છે, જેથી પ્રાઇમાફેસી એટ્રોસીટી એકટના તત્વો આ અરજદાર સામે ફલિત થતા નથી અને સ્ટેટમેન્ટમાં પણ અરજદાર સામે જનરલ એલીગેશન છે, રાજકોટના રહીશ છે, અરજદારની પોલીસ કસ્ટડીની આવશ્યકતા નથી, જેથી અરજદારની ફેવરમાં અંતર્ગત સતાનો ઉપયોગ કરી આગોતરા જામીન પર મુકત કરવાનુ મુનાસીબ માની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં નિલકંઠ પેપર્સ મીલના માલીક અરજદાર/આરોપી રમેશ ગોંડલીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.(૨૩.૯)

(3:58 pm IST)