Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

કરોડોની ખેતીની જમીનનું સાટાખત કરાવી રૂપીયા ન આપ્યાઃ રાજકોટના ૪ શખ્સો સામે ફરીયાદ

ર્સ્કોપીયોમાં રૂપીયા પડયા છે સાટાખત બાદ આપશુ તેમ કહી છનન થઇ ગયા : પડધરીના મેટોડાના હસમુખ સાથે છેતરપીંડીઃ રાજકોટના બીજલ ભરવાડ, વલકુ, જયેશ પટેલ તથા ભગુ ટોઇટા સામે ગુન્હો નોંધાયોઃ હવે ચારેય સાટાખત રદ કરાવવાના ર૦ લાખ માંગે છે!!

રાજકોટ, તા., ર૦: શહેર અને જીલ્લામાં  છેતરપીંડી કરી જમીનના સાટાખત અને દસ્તાવેજ કરાવી લેતી ટોળકી ફરી સક્રિય થઇ હોય તેમ પડધરીના મેટોડાના પટેલ યુવાનની કરોડોની જમીનનું રાજકોટના ૪ શખ્સોએ સાટાખત કરાવી લીધા બાદ રૂપીયા આપવાના બદલે છૂ થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના મેટોડા ગામે રહેતા હસમુખ જસમતભાઇ સોજીત્રા (પટેલ) એ આરોપી બીજલ નાગજી ભરવાડ,  વલકુ જામલભાઇ, જયેશ પટેલ તથા ભગુ લાધા ટોઇટા સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને દેણુ થઇ જતા તેણે પોતાની ૮ એકર જમીન વેચવા કાઢી હતી અને આ જમીન જોવા બીજલ ભરવાડ તથા વલકુ આવ્યા હતા આ બંન્નેએ જમીનના ખરીદનાર મારી પાસે છે પહેલા સાટાખત કરવુ પડશે તેમ કહી આ જમીન ૧.૪૬ કરોડમાં વેચવાનું નક્કી થયું હતું અને સાટાખત વખતે ૩૦ લાખ આપવાનું નક્કી થયું હતું. ત્યાર બાદ પડધરી મામલતદાર કચેરીમાં આ જમીનનું સાટાખત માટે ફરીયાદી જતા આરોપીઓએ કહેલ કે ર્સ્કોપીયોમાં રૂપીયા પડયા છે સાટાખત થઇ ગયા બાદ રૂપીયા આપી દેશું. તેમ કહી સાટાખત કરાવી લીધું હતું અને બાદમાં સાટાખતની વિધી પુરી થતા આરોપી વલકુ અને વકીલ અમે હમણા ગોલા ખાઇને આવીએ છીએ તેમ કહી બ્લેક કલરની ર્સ્કોપીયોમાં નાસી છુટયા હતા. જયારે બીજલ ભરવાડ હું કુદરતી હાજતે જાઉ છું તેમ કહી ભાગી ગયો હતો. ત્યાર બાદ ઉકત આરોપીઓએ ફરીયાદીને હવે સાટાખત કેન્સલ કરવું હોય તો ર૦ લાખ દેવા પડશે તેવી ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે ઉકત આરોપીઓ સામે આઇપીસી ૪૦૬, ૪ર૦, પ૦૬ (ર), ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ એમ.જે. પરમાર, તથા રાઇટર યુવરાજસિંહ ચલાવી રહયા છે.(૪.૫)

(3:58 pm IST)