Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બિલ્ડરને વ્યાજના ચક્રમાં ફસાવી ધમકી દેવા અંગે બે શખ્સોના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા., ૨૦: રાજકોટ પંથકમાં કરોડો રૂપીયાના વ્યાજના વિષચક્રમાં ફસાવીને મોતનો ભય દેખાડી મિલ્કતો પચાવી પાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ર૭ વ્યકિતઓ વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદના અનુસંધાને બે શખ્સોના આગોતરા જામીન મંજુર થયેલ છે.

આ બનાવની વિગત મુજબ રાજકોટમાં કેશવ રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઇ વલ્લભભાઇ સિદપરાએ તા.૧૬-૬-૧૮ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ર૭ વ્યકિતઓ વિરૂધ્ધ પુર્વયોજીત કાવતરૂ રચી ફરીયાદીની મિલ્કતો પચાવી પાડવાનો સમાન ઇરાદો રાખી ફરીયાદીને અલગ-અલગ સમયે અલગ-અલગ મોટી રકમો ઉંચા અને ચક્રવૃતિ વ્યાજે આપી આરોપીઓએ બળજબરીથી ધાક-ધમકી આપી ફરીયાદીના કોરા સહીવાળા ચેક, ખેતીની જમીનો, રહેણાકના મકાન, દુકાનોના સાટાખત-દસ્તાવેજો કરી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી વ્યાજની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી ફરીયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા અંગેની ફરીયાદ નોંધાવેલ. જે ફરીયાદના અનુસંધાને આરોપીઓ પૈકી રાજકોટમાં સ્ટાર ચેમ્બર, હરીહર ચોક ખાતે ઓફીસ ધરાવતા રાજુભાઇ ઉર્ફે પ્રમોદગીરી પ્રેમગીરી ગોસ્વામી તથા હિતેષકુમાર ભગવાનગીરી ગોસ્વામી દ્વારા રાજકોટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી કરેલ હતી.

આ અરજી અન્વયે બંને પક્ષની દલીલો તેમજ રજુઆતો બાદ અદાલતે આગોતરા જામીન અરજી મંજુર કરી હતી. આ કામે અરજદારો વતી એડવોકેટશ્રી સમીર જોષી, ભાવદીપ દવે રોકાયા હતા.

(3:54 pm IST)