Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લાંચ કેસમાં થોરાળાના પોલીસ કોન્સ્ટેબલનો નિર્દોષ છુટકારો ફરમાવતી સેસન્સ કોર્ટ

રાજકોટ તા.૨૦: દારૂના ધંધામાં ખોટી રીતે ફીટ કરી દેવાની ધમકી આપીને રૂ. ૧૦ હજારની લાંચ લેવાના ગુનામાં પકડાયેલ થોરાળાના પોલીસ કોન્સ્ટેબલ નરેશદાન ઉમેદસિંહ ગઢવી સામેનો કેસ ચાલી જતાં એડી. સેસ. જજશ્રી પવારે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે એ.સી.બી.એ તપાસના અંતે આરોપી પોલીસમેન વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.

આ કેસની સુનવણી એડી.સેસન્સ જજ શ્રી પવારની કોર્ટમાં નીકળતા ફરીયાદ પક્ષે ફરીયાદી મહેબુબ અલ્લારખા, ટ્રેપનાં પંચ સાહેદ હસમુખભાઇ ભાડવડીયા, એસીબી પી.આઇ.શ્રી ઝાલા, એફ.એસ.એલ. અધિકારી શ્રી પંચોલી તથા શ્રી પ્રજાપતિ અને ચાર્જશીટ કરનાર પી.આઇ. શ્રી એચ.પી. દોશીને તપાસેલ. ફરીયાદ પક્ષે કરપ્શન કેસમાં ઇનીશ્યલ ડીમાન્ડ ફરજીયાત સાબિત કરવાની હોય જે આ કેસમાં પ્રોસીકયુશને સાબિત કરેલ નથી.

આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે ફરીયાદી મહેબુબે જે સીડી રજુ કરેલ છે તેનું ઓરીજીનલ ઇન્સ્ટ્રુમેન્ટ પોલીસે કબજે કરેલ નથી, સીડીનું રેકોર્ડીગ કોણે, કયા, કઇ રીતે કરેલ છે તે અંગે એસીબી પોલીસે કોઇ જ તપાસ કરેલ નથી. એફ.એસ.એલ. અધિકારીનો પુરાવો છે કે રેકોર્ડીગ પુઅર કવોલીટીનું હતું તેમજ એફ.એસ.એલ. અધિકારીએ કબુલેલ કે અમે આપેલ રીપોર્ટ તે માત્ર અભિપ્રાય છે. ઓરીજીનલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મોબાઇલનું મેમરીકાર્ડ અસલ, ઓરીજીનલ રેકોર્ર્ડીગ મીડિયા ગણાય. આવું કોઇ મેમરી કાર્ડ પરીક્ષણ માટે મોકલવામાં આવેલ નથી. માતર એક સીડી મોકલેલ તેમજ સીડીનાં આધારે તૈયાર કરવામાં આવેલ પ્રશ્નાવલી મોકલવામાં આવેલ.

આરોપી તરફેનો લંબાણ પૂર્વકની રજૂઆતો તથા કાયદાનાં આધારો ધ્યાને લઇ આરોપી નરેશદાન ગઢવીને છોડી મુકવા કોર્ટે હુકમ કરેલ.

આરોપી તરફેરાજકોટનાં ધારાશાસ્ત્રી દિપક બી. ત્રિવેદી તથા નરેન્દ્રસિંહ એમ. જાડેજા રોકાયેલા હતાં. (૧.૨૨)

(3:54 pm IST)