Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

કાલે જિલ્લા પંચાયતની અંતિમ કારોબારીઃ બુધવારથી સમિતિઓનું અસ્તિત્વ મટી જશે

તા.૧ ઓગષ્ટ આસપાસ ખાસ સામાન્ય સભાઃ રાજકીય ગરમાવાના દિ' ઢુકડા

રાજકોટ, તા., ૨૦: જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આવતીકાલે સવારે અધ્યક્ષ અર્જુન ખાટરીયાની અધ્યક્ષતામાં મળનાર છે. તેમના પ્રથમ અઢી વર્ષના કાર્યકાળની આવતીકાલે અંતિમ કારોબારી છે. પંચાયતની સામાન્ય ચુંટણી પછી પહેલી બેઠક પ્રમુખની ચુંટણી માટે મળેલ ત્યાર બાદ સમિતીઓની રચના માટે રપ જાન્યુઆરી ર૦૧પના રોજ સામાન્ય સભા મળી હતી. તે વખતથી અઢી વર્ષની મુદત ગણતા સમિતીઓની મુદત ર૪ જુલાઇ ર૦૧૮ના પુર્ણ થઇ રહી છે. ત્યાર પછી નવી રચના  ન થાય ત્યાં સુધી સમિતીઓનું અસ્તિત્વ મીટેલું રહેશે. સમિતીઓનું અસ્તિત્વ ન હોય ત્યારે સમિતીઓની કામગીરી માટે સતા આપોઆપ સામાન્ય સભા પાસે જતી રહે છે.

આવતીકાલે કારોબારી બેઠક મળશે. સોમવારે બાંધકામ સમિતીઓની બેઠક મળશે. મંગળવારે સમિતીઓનું અસ્તિત્વ પુર્ણ થઇ જશે. સમિતીઓના ચેરમેનની ચુંટણી ઓગષ્ટના પહેલા અઠવાડીયામાં થઇ હતી. અમુક લોકોનું કહેવું છે કે સમિતીના ચેરમેનની મુદત પુરી ન થાય ત્યાં સુધી સમિતી યથાવત કાર્યરત રહી શકે છે.

પંચાયતના કોંગી શાસકો સમિતીઓની રચના માટે તા.૧ ઓગષ્ટ આસપાસ ખાસ સામાન્ય સભા બોલાવવા માંગે છે. આવતા સોમ-મંગળવારે તેનો એજન્ડા બહાર પડશે. એજન્ડા અને ખાસ સામાન્ય સભા વચ્ચે ચોખ્ખા ૬ દિવસનો ગાળો રહેવો જરૂરી છે. સામાન્ય સભા અને સમિતીઓની રચનાના દિવસો નજીક આવતા રાજકીય ગરમાવો આવી રહયો છે. જિલ્લા પંચાયતમાં પ્રભુત્વ ધરાવતા કુંવરજીભાઇ બાવળીયાના ભાજપમાં પક્ષપલ્ટા પછી પદાધિકારીઓની પસંદગીનો પ્રથમ પ્રસંગ આવી રહયો છે. (૪.૧૪)

(3:39 pm IST)