Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બજારોમાં કાલથી જબ્બર દબાણ હટાવ ઝૂંબેશ

વેપારીઓની ફરિયાદ મળતા સીસી ટીવી કેમેરા કન્ટ્રોલ રૂમમાં સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે ધામા નાખ્યા : પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, મોચી બજાર, સોની બજાર, જયુબેલી શાક માર્કેટમાં રેકડી-પાથરણા વાળાનાં બેફામ દબાણો નજરે પડયાઃ અધિકારીઓને આ દબાણો દુર કરવા ઝૂંબેશ ચલાવવા સુચન

રાજકોટ, તા. ર૦ : નવનિયુકત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડને વેપારીઓ દ્વારા બજાર વિસ્તારમાં રેકડી-પાથરણાવાળા સહિતના બેફામ દબાણો હોવાની ફરીયાદ મળતા તેઓએ આજે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓને સાથે રાખીને સીસી ટીવી કેમેરાના કન્ટ્રોલ રૂમમાં ધામા નાખી બજાર વિસ્તારોમાં થયેલા દબાણો સી.સી. ટીવી કેમેરા નેટવર્ક મારફત સ્કીન ઉપર નજરો-નજર નિહાળ્યા હતાં અને આવતીકાલથી આ બજારોમાં દબાણ હટાવ ઝુંબેશ જોરશોરથી શરૂ કરવા અધિકારીઓને સુચવ્યું હતું.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડના જણાવ્યા મુજબ તેઓ ગઇકાલે પરાબજાર, ધર્મેન્દ્ર રોડ વગેરે બજાર વિસ્તારમાં ફર્યા હતાં તે વખતે વેપારીઓએ અહીં રેકડી-પાથરણાવાળા સહિતનું બેફામ દબાણ હોઇ ગરાહકો આવતા નહીં હોવાનું અને તેના કારણે વેપાર ધંધામાં માઠી અસર પહોંચતી હોવાની ફરીયાદ કરી હતી.

આ ફરીયાદનાં અનુસંધાને આજે ૧૧-૩૦ વાગ્યે ઉદયભાઇ કાનગડે જગ્યા રોકણ વિભાગનાં અધિકારી શ્રી જાડેજા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર વગેરેનો સાથે રાખી અને નાના મૌવા સર્કલ ખાતે આવેલ સીસી ટીવી કેમેરા નેટવર્કનાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં અર્ધા કલાક સુધી  ધામા નાખીને ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, જયુબેલી શાક માર્કેટ રોડ, પ્રહલાદ ટોકીઝ, મોચી બજાર, સોની બજાર જેવા બજાર વિસ્તારોનું સીસીટીવી કેમેરા મારફત જીવંત પ્રસારણ કન્ટ્રોલ રૂમનાં વિશાળ સ્ક્રીન ઉપર જોયુ હતુ અને આ બજારોમાં રેંકડી-પાથરણાવાળાઓનો બેફામ દબાણો અધિકારીઓને દેખાડીને આવતીકાલથી બજારોમાં દબાણ હટાવવાની ઝૂંબેશાત્મક કામગીરી શરૂ કરી  દેવા અધિકારીઓને જણાવ્યુ હતું આ દરમિયાન મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ પણ કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. (પ-ર૮)

(3:37 pm IST)