Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વકત કરતા જો વફા... કાલે મુકેશના ગીતો વરસશે

ડો. ફૈયાઝ મુનશી રાજકોટમાં અનરાધાર વરસવા સજ્જ : મુકેશ પ્રેમીઓ માટે યાદગાર કાર્યક્રમ : પ્રજ્ઞાચક્ષુ ગાયક ફૈયાઝને ૯૦૦ ગીતો કંઠસ્થ, ફરમાઇશ કરો અને ગીત સાંભળો

વોઇસ ઓફ મુકેશ ડો. ફૈયાઝ મુનશીજી સાથે એંકર મનોજભાઇ નથવાણી, નંદન નથવાણી, માધવીબેન સોઢા, કિરણબેન વિઠ્ઠલાણી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦ : આવતીકાલે મેઘલી રાત્રીએ રાજકોટમાં મુકેશના ગીતો અનરાધાર વરસવાના છે. જૂના ગીતોના પ્રેમીઓ માટે ભીંજાઇને રસતરબોળ થવાનો અવસર છે. કાલે રાત્રે ૯ વાગ્યે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબિલી ખાતે ડો. ફૈયાઝ મુનશીના કંઠે મુકેશજીના ગીતોનો કાર્યક્રમ 'વકત કરતા જો વફા...' આયોજિત થયો છે. મુકેશજીના ચાહકોએ મનમૂકીને માણવા જેવો આ કાર્યક્રમ છે.

દર્દીલા - મહાન ગાયક સ્વ. મુકેશજીની તા. ૨૨ના રવિવારે ૯૫મી જન્મ જયંતી છે અને ૭૨મી લગ્નગાંઠ પણ છે. આ અવસરની પૂર્વ સંધ્યાએ મસ્ત કાર્યક્રમ આયોજિત થયો છે.

જૂનાગઢના કલાકાર ફૈયાઝ મુનશી પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ તેમના દિલો - દિમાગ મુકેશજી પ્રત્યેના પ્રેમ અને સંગીતકલાથી ઝળહળે છે. ફૈયાઝભાઇ ડુંગરપુર શાળામાં શિક્ષક છે તેઓએ મુકેશજી પર પીએચ.ડી. કર્યું છે.

રિયાઝ કે તાલિમ નથી લીધી, છતા ૯૦૦ ગીતો છે કંઠસ્થઃ ડો. મુનશીને અલ્લાહની સોગાત...ગમે તે જન્મ તારીખ બોલો કે, તુરંત જ વાર કહી દયે છે.

ગીત-સંગીતની દુનિયામાં ટકી રહેવા માટે સૌ પ્રથમ અનુભવી વ્યકિત પાસેથી તાલિમ લેવી જરૂરી છે. તાલિમ મેળવ્યા બાદ રોજે રોજનો રિયાઝ પણ એટલો જ મહત્વનો બની જાય છે... પરંતુ જુનાગઢના ડો.ફૈયાઝ મુનશીએ તો સંગીત શીખવા માટે કોઇ પાસેથી તાલિમો નથી લીધી કે કોઇ દિવસ રિયાઝ પણ નથી કરતા, છતાયે મુકેશજીએ ગાયેલા ૯૦૦ જેટલા ગીતો દિલમાં સાચવી રાખ્યા છે.

નવાઇની વાત એ છે કે, પ્રથમ તો ડો.મુનશીને મુકેશજીના ગીતો પસંદ નહોતા...પરંતુ ૧૯૯૦માં જયારે એક ગીત સાંભળતાની સાથે જ જાણે તે અવાજ પોતાનો જ કેમ ન હોય? તેવો દિલમાં પડઘો પડ્યો'ને ત્યારથી મુકેશજીના અવાજને બનાવી લીધો પોતાનો ઓકિસજન...તેઓ મુકેશજીના ગીતો ફકત ગીતો જ નહિ, પણ પોતાના જીવનની દરેક તમામ વાતોના રૂપમાં જ માની રહ્યા છે

અત્રે નોંધનીય છે કે, 'વોઇસ ઓફ મુકેશ' તરીકે પ્રખ્યાત ડો.મુનશી સામે જો કોઇ એક ફિલ્મનું નામ અથવા ગીતની પહેલી કડી બોલે કે ત્યાજ તેઓ ગીત શરૂ કરી ધ્યે છે. તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટની કોમેન્ટ્રી સારી રીતે કરી શકે છે. સાથે સાથે કોઇ વ્યકિત પોતાની જન્મ તારીખ બોલે અને તે દિવસે કયો વાર હતો? તે ઝડપી અને સરળતાથી કહી શકવાની પણ ખુબી ધરાવે છે.

કોઈ ફિલ્મ સ્ટાર તો કોઈ ગાયક તો વળી કોઈ વ્યકિત નામાંકિત હાસ્ય કલાકારને પોતાના આઈડલ માનતા હોય છે, પરંતુ નવાઈની વાત એ છે કે, જૂનાગઢના ડો. ફૈયાઝ મુનશી તો બોલીવુડના સુપ્રસિદ્ઘ ગાયક મુકેશજીના એવા ચાહક છે... જેમણે પોતાના મોબાઈલ નંબરો પણ મુકેશજીના જન્મદિન અને નિધનની તારીખો મુજબ જ લીધા છે.

જેમા મો. ૯૮૨૫૨ ૨૨૭૨૩માં પાછલા અંકો મુકેશજીના જન્મદિવસ મુજબ છે. જયારે મો. ૯૬૩૮૨ ૨૭૮૭૬ મુકેશજીના નિધનની તારીખના છે. આ નંબરો પર કોલ કરો એટલે મુકેશનું તમારી ફરમાઇશનું ગીત સાંભળી શકાય છે.

આવતીકાલના કાર્યક્રમમાં વિખ્યાત એંકર મનોજભાઇ નથવાણી વિશિષ્ટ શૈલીમાં સંચાલન કરશે. કાર્યક્રમનું આયોજન માધવીબેન સોઢા, કિરણબેન વિઠ્ઠલાણીએ કર્યું છે. કાર્યક્રમની વધારે વિગતો માટે મો. ૯૮૯૮૨ ૩૮૧૮૩, ૯૪૨૬૪ ૪૪૦૬૮ નંબર પર સંપર્ક થઇ શકે છે.(૨૧.૩૫)

 

(3:35 pm IST)