Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વિશ્વભરમાં રાજકોટનો ડંકો વગાડનાર...

મેરેથોન દોડમાં વિવાદનું વિધ્નઃ હવે નહી યોજવા ફાઇલમાં નોંધ

આ વર્ષે યોજાયેલ મેરેથોનનાં ખર્ચ સામે તપાસના આદેશો બાદ ઉચ્ચ અધિકારી કક્ષાએથી ખર્ચની ફાઇલમાં થયેલ નોટીંગથી ચકચાર

રાજકોટ તા. ર૦ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મેરેથોન યોજવામાં આવી રહી છે અને મેરેથોનને કારણે રાજકોટનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું છે. પરંતુ આ વર્ષની મેરેથોન દોડનાં ખર્ચમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાની શંકાએ આ ખર્ચનાં હીસાબોની ઉંડી તપાસનાં આદેશો સ્ટેન્ડીંગ કમીટી દ્વારા અપાતાં આ બાબત વિવાદાસ્પદ બની છે અને પરિણામે ઉચ્ચ વહીવટી અધિકારીએ મેરેથોન દોડની ફાઇલનાં ખર્ચમાં ખાસ નોંધ મુકી દિધી છે હવે પછી 'મેરેથોન દોડ બંધ' આમ આ પ્રકારની નોંધથી મ્યુ. કોર્પોરેશનની લોબીમાં જબરી ચકચાર મચી છે.આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સમાજ કલ્યાણ વિભાગ મારફત મેરેથોન દોડનાં ખર્ચ અંગેની ફાઇલ મ્યુ. કમિશ્નર સમક્ષ સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત અંગે મુકવામાં આવેલ. અને તે મુજબ કમિશ્નર કક્ષાએ સ્ટેન્ડીંગ કમીટીમાં મેરેથોન  દોડની ખર્ચ મંજૂરીની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મુકવામાં આવેલ જયાં સ્ટેન્ડીંગ કમીટીએ આ દરખાસ્ત પેન્ડીંગ રાખી અને મેરેથોન દોડમાં સેપ્ટીપીન નાં ર.૬૮ લાખનો ખર્ચ ત્થા મંડપનો ૪૩ લાખનો ખર્ચ શંકાસ્પદ હોવનું જણાવી તેની તપાસનાં આદેશો આપ્યા હતાં.

દરમિયાન વહીવટી પાંખમાં ચર્ચાતી વિગતો મુજબ મેરેથોન દોડનાં ખર્ચ અંગેની ફાઇલમાં અંગ્રેજીમાં ખાસ નોંધ મુકી દીધી હતી કે 'મેરેથોન વી લ બી કલોસ્ડ નેકસ્ટ યર' એટલે  કે હવે પછીનાં વર્ષે મેરેથોન બંધ રહેશે.

આમ મેરેથોનનાં ખર્ચ સામે સવાલો ઉઠયા બાદ ફાઇલ ઉપર આ પ્રકારની નોંધથી મ્યુ. કોર્પોરેશનમાં  વહીવટી ચકચાર મચી જવા પામી છે. અને વિશ્વભરમાં રાજકોટનું નામ રોશન કરનાર મેરેથોન દોડને વિવાદનું વિધ્ન નડી ગયાની ચર્ચાએ જોર પકડયુ છે.

(3:29 pm IST)