Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રામનાથપરામાં વરસાદથી બચવા રિક્ષામાં ઘુસેલા કૂતરાને મળ્યો ધોકાનો મારઃ મોત

જીવદયા કાર્યકર નિરંજન આચાર્યની ફરિયાદ પરથી રિક્ષાચાલક જાવેદ સિપાહી સામે ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૨૦: શ્વાનને વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. પાળતું શ્વાન ઉપરાંત શેરીઓમાં રહેતાં શ્વાન પણ રાત્રી દરમિયાન ચોકીદારનું કામ કરતાં હોય છે. દરમિયાન રામનાથપરામાં એક એવી ઘટના બની છે જેના કારણે જીવદયા પ્રેમીઓમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઇ છે. વરસાદથી બચવા માટે રિક્ષામાં ઘુસી ગયેલા શ્વાનને રિક્ષાચાલકે ધોકાથી બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રામનાથપરા મકરબા શેરીમાં એક કુતરાને કોઇએ ધોકાથી બેફામ મારતાં મોત થયાની જાણ થતાં પ્રહલાદ પ્લોટ આશાપુરા મેઇન રોડ પર શ્રીજી નિવાસમાં રહેતાં જીવદયા કાર્યકર નિરંજન નર્મદાશંકર આચાર્ય સહિતનાએ ત્યાં પહોંચી તપાસ કરતાં કૂતરાને મકરબા શેરીમાં જ રહેતાં રિક્ષાચાલક જાવેદ મહમદભાઇ સિપાહીએ ધોકા ફટકારતાં તેનું મોત નિપજ્યાની ખબર પડતાં એ-ડિવીઝન પોલીસ મથકે પહોંચી જાણ કરતાં પોલીસે નિરંજન આચાર્યની ફરિયાદ પરથી જાવેદ સામે આઇપીસી ૪૨૯ મુજબ ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

આચાર્યના કહેવા મુજબ વરસાદથી બચવા માટે કુતરૂ જાવેદની રિક્ષામાં જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધોકાથી તૂટી પડ્યો હતો. તેને ખુદ તેના ભાઇ સહિતનાએ આ રીતે માર ન મારવા સમજાવ્યો હતો. પણ તે તૂટી પડ્યો હતો ને કુતરાના પ્રાણ નીકળી ગયા હતાં. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહને મરેલા જાનવર લઇ જનારાઓને સોંપાયો હતો.

(12:48 pm IST)