Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

શેરબ્રોકરની આંખમાં મરચુ છાંટી ૨.૩૦ લાખની સનસનીખેજ લૂંટઃ પોલીસ કાફલો તાબડતોબ પહોંચ્યો...'મોકડ્રીલ'માં બધા જ પાસ

નવ નિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી એસ. એન. ખત્રીએ સવારના પ્હોરમાં પોલીસને દોડતી કરી પરિક્ષા લીધી : ડીસીપી હર્ષદ મહેતા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, યુનિવર્સિટી પી.આઇ., ક્રાઇમ બ્રાંચ, એસઓજીના પોલીસ ઇન્સપેકટર્સ, પીએસઆઇ, ઇન્વે. સ્ટાફ સહિતનો કાફલો કોલ મળ્યાની મિનીટોમાં જ ઘટના સ્થળ એસએનકે સ્કૂલ પાસે પહોંચી ગયો અને તપાસ આરંભીઃ આઇ-વે પ્રોજેટકના કમાન્ડ કન્ટ્રોલ રૂમમાં ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ચાંપતી નજર રાખીઃ બાઇકના નંબર મળ્યા ને આરોપી પકડાયા

તસ્વીરમાં ઘટના સ્થળ, વિગતો વર્ણવતો ભોગ બનનાર યુવાન, તેનું ટુવ્હીલર,  તપાસાર્થે પહોંચેલા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એડી. ડીસીપી હર્ષદ મહેતા, પી.આઇ. ડી. વી. દવે સહિતનો કાફલો તથા વચ્ચેની ઇન્સેટ તસ્વીરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા પ્રથમ ઇન્સેટમાં ફરિયાદી યુવાન તથા સોૈથી નીચેની તસ્વીરોમાં આઇ-વે પ્રોજેકટની મદદથી લૂંટારાઓનું પગેરૂ શોધી સ્ટર્લિંગ હોસ્પિટલ નજીકથી બંનેને ઝડપી લેવાયા તે દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: શહેરના યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. સ્કૂલના ગેઇટ સામે જ સવારે સાડા દસેક વાગ્યે શેરબ્રોકર યુવાનની આંખમાં મરચાની ભુકી છાંટી બે બાઇકસ્વાર શખ્સ રૂ. ૨,૩૦,૦૦૦ની રોકડ સાથેની થેલીની લૂંટ કરી નાશી જતાં સનસનાટી મચી ગઇ હતી...આ પ્રકારનો કોલ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતાં જ જેની હદ આવે છે તે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. સહિતનો કાફલો તેમજ ડીસીપી, એસીપી, તમામ બ્રાંચના પીઆઇ, પીએસઆઇ, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો, ડી. સ્ટાફની ટીમો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી લૂંટારૂઓને ઝડપી લીધા હતાં...અંતે આ ઘટના નવનિયુકત પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નરે યોજેલી 'મોકડ્રીલ' હોવાનું જાહેર થયું હતું. પોલીસ સ્ટાફ કેટલો સક્રિય છે? તે ચકાસવા માટે લેવાયેલી મોકડ્રીલ રૂપી પરિક્ષામાં બધા જ પાસ થઇ ગયા હતાં.

લૂંટની ઘટનાની શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં જ ઇન્ચાર્જ જે. કે. જાડેજા, બીપીન પટેલ, પ્રદિપસિંહ, મહિપતસિંહ, જગદીશભાઇ, ઘનશ્યામભાઇ સહિતની ટીમે  સોૈ પ્રથમ તો જેની હદ આવે છે તે પોલીસ મથકના પી.આઇ.ને બાદમાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી એસ. એન. ખત્રી, ડીસીપી બલરામ મીના, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, એડી ડીસીપી હર્ષદ મહેતા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તેમજ તમામ પી.આઇ, ક્રાઇમ બ્રાંચ, એસઓજીને ઘટનાની જાણ કરતાં જ એસીપી, પોલીસ ઇન્સપેકટર્સ, પીએસઆઇ, તેમજ અન્ય કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

આકાશવાણી ચોક પાસે નંદી પાર્કમાં રહેતો અને ૧૫૦ રીંગ રોડ પર શેરબ્રોકીંગનું કામ કરતો દિપેન મનસુખભાઇ થાનકી (ઉ.૩૫) નામનો યુવાન સવારે ઘરેથી પોતાની ઓફિસના કર્મચારીઓને પગાર ચુકવવા માટે રૂ. ૨,૩૦,૦૦૦ની રોકડ થેલીમાં રાખી એકટીવા નં. જીજે૩બીએલ-૯૩૫૩માં પગ રાખવાની જગ્યાએ થેલી ટીંગાડીને નીકળ્યો હતો. તે દરરોજ એસએનકે સ્કૂલની સામે પાન ખાતો હોઇ એ તરફ જતો હતો ત્યારે સ્કૂલના ગેઇટ નજીક જ બાઇક પર આવેલા બે શખ્સો તેની આંખમાં મરચાની ભુકી છાંટી રોકડની લૂંટ કરી નાશી ગયાની માહિતી ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ, સ્ટાફને ભોગ બનેલા દિપક થાનકીએ આપી હતી. તે સાથે જ ટીમોએ દોડધામ શરૂ કરી દીધી હતી અને જે દિશામાં લૂંટારા ભાગ્યા હતાં તે દિશામાં ગાડીઓ દોડાવી હતી.

આઇ-વે પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં લૂંટારાઓના બાઇકના નંબર મળી ગયા હતાં અને તેનું લોકેશન પણ મળી જતાં એ તરફ ક્રાઇમ બ્રાંચી ટીમ દોડી હતી અને લૂંટારાઓને દબોચી લીધા હતાં. એ પહેલા કન્ટ્રોલ મારફત પણ તમામ મોબાઇલોને વોચ રાખવા પણ સુચના અપાઇ હોઇ સમગ્ર પોલીસની ટીમે સહિયારી કામગીરી કરી હતી...જો કે અંતે એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ આ ઘટના  સીપી-જેસીપીએ યોજેલી 'મોકડ્રીલ' હોવાનું જાહેર કર્યુ હતું.

પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને જે તે થાણાના ઇન્ચાર્જ આવી ઘટનાઓમાં કેટલા સમયામાં ઘટના સ્થળે પહોંચે છે? કેવી કામગીરી કરે છે? તે સહિતની બાબતો ચકાસવા ઘણી વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિક્ષા લેવા માટે મોકડ્રીલ યોજાતી હોય છે. નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર એસ. એન. ખત્રીએ આજે આ મોકડ્રીલ રૂપી પરિક્ષા યોજી હતી. જેમાં તમામ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ઉતિર્ણ થયા હતાં.

સાચ્ચી જ ઘટના માની સોૈ કોઇ દોડતા થઇ ગયા

નવા પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યાના ત્રીજા જ દિવસે લૂંટની ઘટના બન્યાનું સાંભળી તમામ બ્રાંચ, પોલીસ મથકોના અધિકારીઓ, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો મારતે ઘોડે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તપાસ શરૂ કરી દીધી હતી. 'મોકડ્રીલ' હોવાની છેક સુધી કોઇને ગંધ આવી નહોતી.

મિનીટ્સ ટુ મિનીટ્સ ઘટનાક્રમ

. ૯:૫૭ ફરિયાદીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો

. ૯:૫૮ કન્ટ્રોલ રૂમમાંથી પીસીઆર રવાના કરવામાં આવી

. ૧૦:૦૨ પીસીઆર સ્થળ ઉપર પહોંચી

. ૧૦:૦૩ ફરિયાદીને કન્ટ્રોલ દ્વારા વિગતવાર માહિતી માટે ફોન થયો

. ૧૦:૦૫ યુનિવર્સિટી પી.આઇ. ડી. વી. દવેને કન્ટ્રોલે જાણ કરી

. ૧૦:૦૮ પોલીસ ગ્રુપમાં કન્ટ્રોલે જાણ કરી

. ૧૦:૧૦ યુનિવર્સિટી પી.આઇ. ઘટના સ્થળે પહોંચ્યા

. ૧૦:૧૧ થી ૧૫ ચાર મિનીટમાં એસીપી ક્રાઇમ, ડીસીપી વેસ્ટ, એસઓજી પી.આઇ., ક્રાઇમ પીએસઆઇ સ્થળ પર પહોંચી ગયા

. પોલીસ કમિશ્નરએ આઇ-વે પ્રોજેકટના કમાન્ડ કન્ટ્રોલની કમાન્ડ જાતે સંભાળી

. જેસીપીએ સ્થળ પર હાજર રહી જરૂરી માર્ગદર્શન આપ્યું

. નાકાબંધી, વાહન ચેકીંગ, ચેકપોસ્ટ એલર્ટ, એકલવ્ય સોફટવેર અને આરટીઓમાંથી મેળવેલી માહિતીને આધારે વાહન માલિકને શોધી આરોપી સુધી પોલીસ પહોંચી.

(4:00 pm IST)