Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાજકોટના ન્યારી-૧માં ૧ ફુટ અને લાલપરીમાં ૩ ફુટ નવા પાણીની આવક

ન્યારી ડેમની કુલ સપાટી ૧૭ ફુટે પહોંચીઃ ભાદર ડેમ ઓવરફલો થવામાં ૮ ફુટનું છેટુ

રાજકોટ,તા.૨૦: શહેરને પાણી પુડતુ પાડતા ત્રણ ડેમોમાં ૦.૧૦ થી ૩ ફુટ જેટલી નવા પાણીની આવક છેલ્લા ૨૪ કલાકમાં નોંધાય છે.

રાજકોટ સીંચાઇ વર્તુળની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટને પાણી પુરુ પાડતા ન્યારી-૧માં છેલ્લા ૨૪ કલાકમાં ૧ ફુટ જેટલુ નવુ પાણી આવ્યુ છે. જેના કારણે ડેમની સપાટી ૧૬.૭૩ ફુટે પહોંચી છે. આ ડેમ ૨૫ ફુટે ઓવરફલો થાય છે. ન્યારી-૧ માંથી નવા રાજકોટમાં ૭ થી ૮ વોર્ડમાં પાણી વિતરણ થાય છે.  જયારે ભાદર ડેમમાં ૦.૧૦ ફુટ જેટલુ નવુ પાણી આવ્યુ છે.ડેમની હાલની સપાટી ૨૬.૧૦ ફુટ  છે. આ ડેમ છલકાવવામાં ૮ ફુટનું છેટુ છે. આ ઉપરાંત રાજકોટનું રાજાશાહી વખતાનું લાલપરી તળાવમાં પણ ૩ ફુટ નવુ પાણી આવ્યુ છે.જો કે લાલપરી માંથી માત્ર પ્રદ્યુમનપાર્ક ઝુ માટે પાણી વાપરવામાં આવે છે. આમ છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાય છે.જયારે આજી-૧માં હજુ પણ નવા પાણીની આવક થવા પામી નથી.

શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ

 ડેમ     નવા નીર ફુટમાં                     હાલની સપાટી ફુટમાં      કુલ

ભાદર       ૦.૧૦            ૨૬.૧૦         ૩૪

આજી       -                 ૧૬.૪૪         ૨૯

ન્યારી       ૧                ૧૬.૭૩         ૨૫

(11:44 am IST)