Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

રાજકોટની બેડી ચોકડી પાસે સવારે બંધ ટ્રકની પાછળ આઇસર ધડાકાભેર અથડાતા અકસ્‍માત : ઘટનાસ્થળે જ ક્લિનરનું કમકમાટીભર્યું મોત : એક વ્યકિતને ઇજા

રાજકોટ : રાજકોટમાં ટ્રક પાછળ આઇસર ધડાકાભેર અથડાતા ઘટનાસ્થળે જ ક્લિનરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યકિતને ઈજા થઈ હતી. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ક્લિનરનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, રાજકોટની બેડી ચોકડી પાસે સવારે બંધ ટ્રકની પાછળ આઇસર ધડાકાભેર અથડાયું હતું. જેમાં પડધરી તાલુકાના ઉકરડા ગામમાં રહેતો અને ક્લિનર તરીકે કામ કરતો દિપક સોંલકી પડીકુ વળી ગયેલા બોનેટમાં જ ફસાય ગયો હતો. જોકે આ અંગે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને 108ને જાણ થતા દોડી આવી હતી. 108ની ટીમે તપાસ કરતા દિપકનું મોત થયું હતું. બાદમાં પોલીસે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેમના પરિવારને જાણ કરતા તેના કૌટુંબિક મોટો ભાઇ નરેશભાઇ દોડી આવ્યા હતા.

મૃતકના કૌટુંબિક મોટાભાઇ નરેશભાઇએ જણાવ્યું હતું કે, અમે પડધરી તાલુકાના ઉકરડા ગામમાં રહીએ છીએ. નાનો ભાઇ દિપક ક્લિનર તરીકે કામ કરતો હતો અને પરિવારનો આધારસ્તંભ હતો. પરંતુ આજે સવારે અકસ્માતના સમાચાર સાંભળતા જ અમે દોડી આવ્યા હતા. આગળ બંધ પડેલા ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે.

(3:41 pm IST)