Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ના કિસી સે ઈર્ષા, ના કિસી સે કોઈ હોડ, મેરી અપની મંજિલે, મેરી અપની દોડ

કોંગ્રેસ હજુ વધૂ તૂટશે, મારી ૫૦ વર્ષની નિષ્કલંક કારકિર્દી, ભાજપે ઘણુ આપ્યુઃ ગોવિંદભાઈ પટેલ

મુખ્યમંત્રી અને બે મંત્રીઓ રાજકોટમાંથી છે, હવે ચોથાની સંભાવના નથી, મારી અપેક્ષા નથી

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં શહેર ભાજપના અગ્રણીઓ કમલેશ મિરાણી, લાખાભાઈ સાગઠિયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, દેવાંગ માંકડ, હરેશ જોષી વગેરે ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૨૦ :. શહેર દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પોતે અસંતુષ્ટ હોવાના પ્રચારનો પરપોટો ફોડી કોંગ્રેસ વધુ તૂટવાની આગાહી કરી છે.

આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા ગોવિંદભાઈએ જણાવેલ કે મારા વર્ષો જૂના સાથી અભય ભારદ્વાજ રાજ્યસભામાં ચૂંટાયા તેનો મને આનંદ છે. હું પાર્ટીથી નારાજ હોવાની વાતો ફેલાય રહી છે તેમા કોઈ તથ્ય નથી. રાજ્યસભાની ચૂંટણીના મતદાનના આગલા દિવસે અમે રાજકોટના ત્રણેય ધારાસભ્યો સાથે જ હતા. મુખ્યમંત્રીશ્રીને પણ મળેલા. ગઈકાલે મતદાન કરીને મુખ્યમંત્રીને મળ્યા બાદ છૂટા પડયા હતા. મારૂ ૫૦ વર્ષનું જાહેર જીવન શુદ્ધ છે. મારી પર કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી. પાર્ટીએ મને ઘણુ આપ્યુ છે. નરેન્દ્રભાઈ મોદી સાથે બે વર્ષ પ્રધાન તરીકે કામ કરવાની યાદગાર તક મળેલ. મેં કયારેય કોઈ પદ માંગ્યુ નથી. હું આજે જે કંઈ છું તે પાર્ટીને આભારી છે. મારા વિશેની મનઘડત વાતો કોણ ફેલાવી રહ્યુ છે ? તે હું જાણતો નથી.

ગોવિંદભાઈએ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના છે. જિલ્લાના બે મંત્રીઓ છે. હવે મંત્રી મંડળમાં ચોથા સભ્યનો સમાવેશ શકય ન હોય તે સ્વભાવિક છે. રાજકોટના વિજયભાઈ મુખ્યમંત્રી છે તેનો મને આનંદ છે અને તેના કારણે રાજકોટને ઘણો ફાયદો થયો છે.

કોંગ્રેસમાંથી આવતા લોકોને ભાજપમાં અને સરકારમાં મહત્વના પદ બાબતે તેમણે જણાવેલ કે પાર્ટીની નેતાગીરી આગળ પાછળનો વિચાર કરીને નિર્ણય કરતી હોય છે. આવા નિર્ણયો પાર્ટીની રણનીતિનો ભાગ હોય છે. કોંગ્રેસ ઘણી તૂટી છે અને હજુ વધુ તૂટશે. કુટુંબ મોટું થાય કયારેક કયારેક વાસણ ખખડે તે સ્વભાવિક છે.

ગોવિંદભાઈએ રમણીકભાઈ વૈદ્ય, હર્ષદભાઈ વૈદ્ય, કાંતીભાઈ વૈદ્ય, ચીમનભાઈ શુકલ, અરવિંદભાઈ મણીયાર, જીતુભાઈ શાહ વગેરે સાથેની કામગીરીના સ્મરણો વાગોળી જણાવેલ કે રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. મારા જીવન ઘડતરમાં ચીમનકાકા, અરવિંદભાઈ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા વગેરેનો મોટો ફાળો રહ્યો છે. સૂચિત સોસાયટીઓમાં રહેતા લોકોને મકાનનો આધાર અપાવવામાં આશિર્વાદરૂપ જશ મળ્યો છે.

(3:38 pm IST)