Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

'એ માસી'...વૃધ્ધા નિમિષાબેને પાછુ વાળી જોયું તો ચીલઝડપકાર ઝોંટ મારી છનન...

રાજેશ્રી પાર્કમાં બનાવઃ પુત્ર આશીષભાઇ ખખ્ખરની ફરિયાદ

રાજકોટ તા. ર૦: શહેરના નાણાવટી ચોક પાસે રાજેશ્રી પાર્કમાં રહેતા લોહાણા વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી ચીલઝડપકાર રૂ. ૭૦ હજારનો ચેઇન ઝુંટવી નાસી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના નાણાવટી ચોક પાસે રાજેશ્રી પાર્ક શેરી નં. ૧ માં રહેતા આશીષભાઇ નવીનચંદ્રભાઇ ખખ્ખર (ઉ.વ. ૪૩) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે લાખાજીરાજ રોડ પર આવેલ રેશમ રેડીમેઇડનો શોરૂમ ધરાવે છે.

ગઇકાલે પોતે પોતાના ઘરે હતા અને માતા નિમિષાબેન તથા પોતાના કાકાના દીકરાની વહુ કુશુમબેન બંને કાકાની દીકરીની કંકોત્રી લખવા માટે શાંતિ નિકેતન સોસાયટીમાં ગયા હતા. તે દરમ્યાન નીચે પોતાના ઘરના ડેલા પાસે રાડારાડ થતા પોતે ઘરની બહાર આવેલ અને માતા નિમિષાબેન હેબતાઇ ગયેલ હોઇ જેથી પોતે પૂછતા માતાએ કહ્યું હતું કે, કુસુમબેન તેમના ઘરે જવા નીકળ્યા અને હું આપણા ઘરના ડેલા પાસે પહોંચી ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો અને મને કહેલ કે, 'માસી' તેમ કહેતા મેં આ છોકરા સામે જોયું તો તેણે અચાનક મારા ગળામાં ઝોંટ મારી સોનાનો ચેઇન ઝુ઼ંટવી મને ધકકો મારી પછાડી દીધી હતી અને તે ભાગી ગયો હતો. તેમ વાત કરતા પોતે માતા નિમીષાબેન સાથે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે એએસઆઇ એચ. એન. રાયજાદાએ તપાસ હાથ ધરી છે. દરમ્યાન પોલીસે એક શકમંદને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે.

(2:50 pm IST)