Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મિત્ર અને સહ કર્મચારી સહિતનાએ વ્યાજ માટે અનહદ ત્રાસ આપતાં પટેલ અમૃતભાઇ મોરીએ આપઘાત કર્યો'તો

સત્ય સાઇ રોડ પાવન પાર્કના પટેલ વૃધ્ધે ૧૫મીએ ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી'તી : નરેન્દ્ર ઉર્ફ મુન્નો ઘેટીયા, હિરેન ચાવડા, તેની પત્નિ અને સાળા અમિત સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ પત્નિની સારવાર માટે પરિચિતો પાસેથી વ્યાજે સાત લાખ લઇ વ્યાજ-મુદ્દલ ચુકવી દીધા છતાં વધુ વ્યાજ માંગી ધમકી અપાતી હોવાનો આરોપ : મિત્ર નરેન્દ્રએ ઘરે આવી ધમકી આપેલી-પૈસા નહિ આપ તો તારી જિંદગી બરબાદ કરી નાંખીશ, તારા જેવા કેટલાયને દવા પીવડાવી મરવી નાંખ્યા છે!!

રાજકોટ તા. ૨૦: સત્ય સાઇ રોડ પર પાવન પાર્ક બ્લોક નં. સી-૩માં રહેતાં પટેલ અમૃતભાઇ બાબુભાઇ મોરી (ઉ.૫૯)એ ૧૫મીએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. તેની પાછળ વ્યાજ માટે તેના જ મિત્ર અને સાથે નોકરી કરતાં શખ્સ, તેની પત્નિ અને સાળાનો ત્રાસ જવાબદાર હોવાનું જણાવાતાં પોલીસે ચારેય સામે આપઘાત માટે મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો છે. જેમાં મિત્રએ તો 'મેં તારા જેવા કેટલાયને ત્રાસ આપી દવા પીવડાવી મરવી નાંખ્યા છે, તું પૈસા ન નહિ આપ તો તારી જિંદગી બરબાદ કરી નાંખીશ' તેવી ધમકી પણ આપી હતી.

બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત કરનારા અમૃતભાઇ મોરીના પત્નિ માયાબેન મોરી (ઉ.૫૫)ની ફરિયાદ પરથી હિરેન ચાવડા, હિરેનના પત્નિ, હિરેનનો સાળો અમિત તથા નરેન્દ્ર ઉર્ફ મુન્નો ઘેટીયા સામે આઇપીસી ૩૦૬, ૩૮૬, ૫૦૪, ૧૧૪, મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

માયાબેને એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્ર નયનભાઇ અને જયભાઇ છે તથા પતિ કૃણાલ સ્ટ્રકચર કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. ચારેક વર્ષ પહેલા મારા પતિ અમૃતભાઇએ મારી દવા તથા સારવાર માટે કટકે-કટે રૂ. પાંચ લાખ ૩ ટકા વ્યાજથી તેના મિત્ર હિરેન ચાવડા પાસેથી લીધા હતાં. એ પછી વધુ પૈસાની જરૂર પડતાં મિત્ર નરેન્દ્ર ઉર્ફ મુન્નો ઘેટીયા પાસેથી રૂ. ૨ લાખ ૩ ટકે લીધા હતાં. મારા પતિ આ બંનેને રેગ્યુલર વ્યાજ ચુકવતાં હતાં.   છેલ્લા છએક માસથી આ બંને જણાથી આ બંને વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરતાં હતાં. નરેન્દ્ર ઘેટીયા અમારા ઘરે આવી મારા પતિને ધમકાવતા હતાં અને કહેતાં હતાં કે પૈસા આપી દે નહિતર તારી જિંદગી બરબાદ કરી નાંખીશ. તે જેમફાવે તેમ ગાળો પણ આપતા હતાં.

મારા પતિ પાસેથી નરેન્દ્ર ઘેટીયાએ બે ચેક પણ લઇ લીધા હતાં, તે બેંકમાંથી બાઉન્સ કરાવ્યા હતાં. મારા પતિને અસહ્ય માનસિક ત્રાસ અપાતો હતો. નરેન્દ્ર ઘેટીયા તો ત્યાં સુધી કહેતો હતો કે 'મેં તમારા જેવા કેટલાયને માનસિક ત્રાસ આપી દવા પીવડાવી મરવી નાંખ્યા છે'...હિરેન ચાવડા મારા પતિ સાથે કૃણાલ કંપનીમાં નોકરી કરતો હોઇ તે નોકરીમાંથી કઢાવી નાંખવાની અને જેલમાં પુરાવી દેવાની ધમકી આપતો હતો. તેની સાથે તેની પત્નિ અને સાળો અમિત અમારા ઘરે આવી પૈસાની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતાં હતાં. મારા પતિ પાસેથી ચેકમાં સહી કરાવી લીધી હતી.

મારા પતિને આ બધા સતત ત્રાસ આપતાં હોઇ જેથી કંટાળીને ૧૫/૬ના રાત્રે અમા બધા સુઇ ગયા ત્યારે પતિએ હોલમાં જઇ ઝેરી દવા પી લીધી હતી. એ પછી અમારા રૂમનો દરવાજો ખખડાવતાં અમે જાગીને જોતાં પતિ ઉલ્ટીઓ કરતાં હતાં અને જંતુનાશક દવા જોવા મળતાં પતિને ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડ્યા હમતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પતિએ લખેલી એક ચિઠ્ઠી અમને હોલના સોફા પરના પાકિટમાંથી મળી હતી. જેમાં લખ્યું હતું કે, 'મેં હિરેન ચાવડા, નરેન્દ્ર ઘેટીયા પાસેથી વ્યાજે પૈસા લીધા છે, તેને વ્યાજ તથા મુદ્દલ આપી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપે છે, જેથી ઝેરી દવા પી લીધી છે'...આમ મારા પતિ આ બધાના ત્રાસને કારણે મરી જવા મજબુર થયા છે.

એએસઆઇ આર. બી. જાડેજાએ ગુનો દાખલ કરાવતાં પીઆઇ વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. વડવી અને સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)