Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સોનામાં તેજીનો ચળકાટઃ ૫૦૦ રૂ.નો ઉછાળો

સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ વધીને ૩૪૦૦૦ રૂ. થયાઃ ચાંદીમાં પણ ૫૦૦ રૂ. વધ્યા

રાજકોટ, તા. ૨૦ :. બુલીયન માર્કેટમાં સોનામાં આજે તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો અને એક જ ઝાટકે ૧૦ ગ્રામે ૫૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ચાંદીમાં પણ ૬૦૦ રૂ. વધી ગયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સોનામાં આજે સવારે બજારો ખુલતાની સાથે જ ૫૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઈકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૩૩૫૦૦ હતા તે વધીને આજે ૩૪૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાના બિસ્કીટમાં ૫૦૦૦ રૂ.નો તોતીંગ ઉછાળો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૩૩૫૦૦૦ રૂ. હતા તે વધીને ૩૪૦૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ સોનામાં તેજીનો દોર જારી રહ્યો હતો. આગામી દિવસોમાં સોનુ ફરી સર્વોચ્ચ સપાટી સર કરશે. ત્રણેક મહિના પૂર્વે સોનાના ભાવ ૩૪૩૦૦ની સપાટીએ પહોંચ્યા બાદ ભાવો ફરી પટકાયા હતા. છેલ્લા પખવાડીયામાં સતત તેજીના પગલે ફરી સોનાના ભાવો વધી રહ્યા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ ૬૦૦ રૂ. વધ્યા હતા. ગઈકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૩૮૦૦૦ રૂ. હતા તે વધીને આજે ૩૮૬૦૦ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

(4:01 pm IST)