Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તર્કવિદ્યાના અભ્યાસમાં સતત દિવ્યાનુભૂતિઃ પૂ. ભકિતયશવિજયજી

ન સમજાતા ગૂઢાર્થ અંગે અચાનક સ્ફુરણાઓ થતીઃ માં સરસ્વતીજી અને ગુરૂકૃપાથી મહાકાર્ય થયું: વિદ્યાર્થીઓ ઓમ ઐં નમઃ મંત્ર જાપ કરે

રાજકોટ, તા. ૨૦ :. માત્ર ૨૧ વર્ષની વયે ૯૦,૦૦૦ શ્લોકપ્રમાણ સંસ્કૃત સાહિત્યનું સર્જન કરીને જ્ઞાનની દુનિયામાં પ્રેરક શંખ ફુંકનાર પૂ. ભકિતયશવિજયજીએ 'અકિલા' સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે તર્કવિદ્યાના અભ્યાસ દરમિયાન સતત દિવ્યાનુભૂતિ થઈ હતી.

ગૂઢાર્થ તત્વલોક સમજવુ ખૂબ ઘણી વખત શબ્દો-વાકય કે વ્યાખ્યા અંગે ખૂબ મથવા છતાં સમજ ન પડે. આવા સંજોગોમાં અચાનક સ્ફુરણા થાય અને શ્રેષ્ઠ સમજ સ્થાપિત થઈ જાય... જ્ઞાનની દેવી માં સરસ્વતીજી અને જ્ઞાનથી છલકતા ગુરૂદેવની કૃપાથી તર્કવિદ્યા ક્ષેત્રનું મહાકાર્ય શકય બન્યું છે.

પૂ. ભકિતયશવિજયજીએ જણાવ્યુ હતુ કે, વિદ્યાભ્યાસ કરનારે યોગ-પ્રાણાયામ-ધ્યાન કરવા જોઈએ. ખાસ કરીને ાા ઓમ ઐં નમઃ ાા મંત્રના જાપ કરવા જોઈએ. ઐં બીજમંત્ર સરસ્વતી દેવીજીનો છે.

પૂ. ભકિતયશવિજયજીનું જીવન પ્રેરણાદાયી છે.

અમદાવાદ રાજનગરની એ ધન્યધરા. ગુજરાતની ગૌરવવંતી નગરી. જૈનો અને મહાજનોથી ધીકતી નગરી. ત્યાં ભગવાન નગર ટેકરાના વિસ્તારમાં માતા અમીબેનની કુખને અજવાળતા અને પિતા નયનકુમારના કુળને દીપાવતા કુલરત્નનો જન્મ થયો. નામ પાડવામાં આવ્યું ધવલકુમાર. નામ તેવા જ ગુણો. આત્માને ધવલ-ઉજ્જવલ કરવા માટેના સ્વપ્નો અને સંયમની સાધનાના સંકલ્પો પોતાની મોટી બહેન કાજલકુમારીને ધવલકુમાર જણાવતા ત્યારે નાના ભાઈની વાતો સાંભળતા-સાંભળતા કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી મોટી બહેનના મનમાં પણ દીક્ષાના ભાવો જાગૃત થવા લાગતા. ભાઈ-બહેનની વાતચીત સાંભળતા-સાંભળતા માતા-પિતા પણ હરખાતા હતા.

આઠ વર્ષે, રમત-ગમતની ઉંમરે, રમતા-રમતા જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પગપાળા યાત્રા એટલે કે છ'રી પાલિત સંઘયાત્રા ધવલકુમારે કરી. દીક્ષાની તાલિમ માટે દર રવિવારે જૈન ઉપાશ્રયમાં જૈન સાધુ ભગવંતના સાનિધ્યમાં એકાસણા સહિત પૌષધની આરાધના ધવલકુમાર ખૂબ જ ઉલ્લાસથી કરતા. પૌષધ એટલે ૨૪ - ૨૫ કલાક માટે સાધુ જેવું જીવન જીવવાની ટ્રેઈનીંગ, લાઈટને નહિ અડવાનું, મોબાઈલનો ઉપયોગ નહિ કરવાનો, સ્નાન નહિ કરવાનું, વિજાતીય વ્યકિતનો સ્પર્શ નહિ કરવાનો. પંખો, એ.સી., લિફટ, ફેઈસબુક, કોમ્પ્યુટર, ટીવી ચેનલ વગેરે કોઈ પણ ઈલેકટ્રીક સાધનનો કે ઈલેકટ્રોનિક મિડીયાનો ઉપયોગ સદંતર ટાળીને જૈન ધર્મ સ્થાનમાં સાધુની જેમ દર રવિવારે આરાધના કરવા દ્વારા પોતાની દીક્ષાજીવનમાં પ્રવેશ કરવાની ક્ષમતાને ચકાસી લીધી તથા દર વર્ષે જૈનોના પર્યુષણ પર્વમાં આઠ દિવસ સળંગ પૌષધની આરાધના ધવલકુમાર કરતા હતા. ભીતરમાં સંયમજીવનની ભાવનાને દ્રઢ કરતા હતા.

માત્ર ૯ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ (= આઠ ઉપવાસ) કરીને સળંગ આઠ પૌષધ કર્યા. સંયમ સ્વીકાર માટે પોતાની જાતને ચકાસવાનું તે કામ કરતા હતા. પોતાના ગુરૂદેવ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરિજી મહારાજની નિશ્રામાં અમદાવાદ ઓપેરા સોસાયટીમાં, અવારનવાર શારદામંદિર સ્કુલેથી આવીને, જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનો અભ્યાસ કરવા ધવલકુમાર જતા હતા. સ્કૂલમાં કાયમ પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થનારા ધવલકુમારે ધર્મક્ષેત્રે પણ જ્ઞાનાભ્યાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી. જોત-જોતામાં પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર વગેરેનો પણ ગુરૂગમથી સાંગોપાંગ અર્થસહિત અભ્યાસ કર્યો.

વૈશાખ માસમાં દશવર્ષની ઉંમરે, અમદાવાદથી મુંબઇ સુધી પોતાના ગુરૂદેવની નિશ્રામાં પગપાળા વિહાર કરી સંયમની આકરી ટ્રેઇનીંગ લીધી. વિહાર દરમ્યાન ગુરૂદેવ પાસે જૈન ઇતિહાસને સમજવાનો રસ, જૈન શાસન માટે કંઇક કરી છુટવાની ધગશ અને તે માટે ઝડપથી દીક્ષા સ્વીકારવાની તરસ તેમના હૈયામાં તીવ્ર બનતી ગઇ.અગિયાર વર્ષની ઉંમરે માદરે વતન પુજય અભયશેખરસૂરિજી મહારાજના સાંનિધ્યમાં સળંગ ૪૭ દિવસ સુધી ઉપવાસ, એકાસાણા, આંબેલ વગેરે તપ સાથે, ઉપધાનની આરાધના પોૈષધ સાથે કરી દીક્ષાજીવનની આકરી તાલિમ લીધી અને દીક્ષાના સંકલ્પને મજબુત કર્યો.

બાર વર્ષની ઉંમરે ચોવિહાર છઠ (= સળંગ બે ઉપવાસ નકોરડા) કરીને શત્રુંજય મહાતીર્થની બે દિવસમાં સાત યાત્રા પગે ચાલીને કરી. પોતાના સત્ત્વને ઉછાળી મહાપરાક્રમ દાખવ્યું શંખેશ્વર મહાતીર્થથી બહુચરાજી પગે ચાલીને પૂજય ભાષાવિશારદ જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં વિહાર કર્યો.

તેરમાં વર્ષે પોતાના ગુરૂદેવની નિશ્રામાં મુંબઇ- ગોરેગાંવ ચોમાસું કરવા ગયા. છ ધોરણ સુધી વ્યવહારિક અભ્યાસ કરી શારદામંદિર સ્કુલને અલવિદા કરી ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં ખોવાઇ ગયા. ગુરૂકુલવાસમાં સંયમજીવનની ટ્રેઇનીંગ લેતા-લેતા વર્ધમાન તપનો પાયો નાખ્યો. દુધ-દહીં-તેલ-છાશ-તળેલુ-ફ્રુટ-ડ્રાયફ્રુટ-માવો-મેવો-મીઠાઇ-ફરસાણ-લીલોતરીનો ત્યાગ કરી ૨૦ દિવસ સુધી જૈન ધર્મના આંબેલ-ઉપવાસ કરી વર્ધમાન તપનો પાયો નાંખીને જાણે કે દીક્ષાનો પાયો નાખ્યો. માતા-પિતા,દાદીમા,કાકા-કાકી વગેરે સંસારી સ્વજનોની સંમતિ અને આશિષપૂર્વક પુજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષસુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેરમાં વર્ષે જ  દીક્ષા  ગ્રહણ કરી ધવલકુમાર મુનિશ્રી ભકિતયશવિજયજી બન્યા તથા પૂજય આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસુરીશ્વરજી મહારાજનાચરણે જીવન સમર્પિત કર્યુ.

દીક્ષા લઇ ગુરૂનિશ્રામાં સંસ્કૃત, પ્રાકૃત ભાષાનો અભ્યાસ શરૂ કર્યો. દીક્ષાના પ્રથમ વર્ષે જ ગુરૂગમથી ષડ્દર્શનનો અભ્યાસ શરૂ કર્યો દીક્ષા ના બીજા વર્ષે નવ્યન્યાયનો તર્કશાસ્ત્રનો સંગીન અભ્યાસ કરી મુકત્તાવલી, વ્યાપ્તિપંચક, સિદ્ધાંત લક્ષણ, વ્યુત્પત્તિવાદ વગેરે ગ્રંથોના પારગામી બન્યા. સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરવા માટે ખચકાટ અનુભવતા સાધુ-સાધ્વીજી ભગવંતો વગેરે માટે ' સરલ સંસ્કૃતમ' નામે પાંચ બુકના સેટની પાંચમા વર્ષે રચના કરી, સંસ્કૃતના અધ્યાપકોને પણ આધુનિક પદ્ધતિએ સરળ/ રસાળ શૈલીમાં વિદ્યાર્થીને ભણાવવામાં વિશેષ અનુકુળ હોવાથી માત્ર બે જ વર્ષમાં ' સરલ સંસ્કૃત્તમ' પુસ્તકની બીજી આવૃતિ છપાણી, આના દ્વારા આ પુસ્તકોની લોકપ્રિયતા અને લોકોપયોગિતા સમજી શકાય તેમ છે. તથા સાથે-સાથે આચારાંગસુત્ર, પ્રજ્ઞાપનાસુત્ર વગેરે જૈનાગમોનો પણ ઉંડાણથી અભ્યાસ કર્યો.

નવ્યન્યાયના ક્ષેત્રમાં પ્રજ્ઞા-પ્રતિભાનો પ્રકર્ષ થતાં, નવ્યન્યાયના વિશ્વમાં આગવુ સ્થાન ધરાવનાર ધર્મદત્ત ઝા (ઉપનામ બચ્ચા ઝા) દ્વારા રચાયેલ ' વ્યાપ્તિપંચકગૂઢાર્થ- તત્ત્વાલોક'ગ્રંથની જટિલ પંકિતઓને સંસ્કૃત-ગુજરાતી ભાષાના માધ્યમે ખોલવાનો, સ્પષ્ટ કરવાનો  દઢ સંકલ્પ મુનિરાજશ્રી ભકિતયશવિજયજીએ કર્યો. આ ગ્રંથની પ્રત્યેક પંકિત એવી ગૂઢ છે કે તેને ઉકેલવા દર વર્ષે બનારસ વગેરે સ્થળે સેમિનારમાં ધુરંધુર પંડિતો પોતાની પંડિતાઇનો પુરેપુરો ઉપયોગ કરે તો પણ પુરેપુરો ન ખુલે એવો રહસ્યમય આ  ગ્રંથ છે. માટે જ તો અંગ્રેજ સરકાર દોઢસો વર્ષ પૂર્વે બચ્ચા ઝાના મસ્તક/ મગજના રિસર્ચ માટે તેની ખોપરીની માંગણી તેમના સ્વજનો પાસે કરી સવા લાખ રૂપિયાની ઓફર તે સમયે તેમના નિધન પછી કરે તે સ્વભાવિક છે. તેમાં આશ્ચર્ય પામવા જેવી વાત નથી. સર્વત્ર અવ્યાહત બહુમુખી પ્રજ્ઞાના લીધે '' સર્વતંત્રસ્વતંત્ર''બિરુદથી બચ્ચા ઝા ને નવાજવામાં આવેલ છે.

વર્ષો સુધી બુદ્ધિના અત્યંત આટાપાટા ખેલવાથી પણ જે ગ્રંથ ખોલી ન શકાય એવા અતિકર્કશ-સૂક્ષ્મબુદ્ધિગમ્ય ગૂઢાર્થતત્વાલોક ગ્રંથને મુનિશ્રી ભકિતયશવિજયજીએ માત્ર બે વર્ષના અતિ ટુંકા ગાળામાં સંસ્કૃત-ગુજરાતી બબ્બે ભાષામાં વિશાળ વિવેચન દ્વારા સ્પષ્ટ કર્યો છે. સંસ્કૃત વ્યાખ્યાનું નામ છે, યશોલતા, તથા ગુજરાતી વ્યાખ્યાનું નામ છે, વિનમ્રા. પોતાના  ગુરૂ યશોવિજયસૂરિજીના નામથી ગર્ભિત સંસ્કૃત વ્યાખ્યાનું નામકરણ તથા પોતાના ઉગ્રતપસ્વી પિતા નમ્રયશવિજયજી મહારાજના નામથી ગર્ભિત ગુજરાતી વ્યાખ્યાનું નામકરણ કરવા દ્વારા મુનિશ્રીએ પોતાના ઉપકારી ગુરૂજનો પ્રત્યે કૃતજ્ઞભાવ પણ વ્યકત કર્યો છે. ઉપકારી ગુરૂજનોના નામને યાવચ્ચન્દ્રદિવાકરોૈ અમર બનાવવાનો, ચિરંજીવી બનાવવાનો સ્ત્તૃત્ય પ્રયાસ કર્યો છે.

પ્રસ્તુત નૂતન સંસ્કૃતવ્યાખ્યાની વિશેષતા એ છે કે (૧) અંદાજીત ૪૦૦ શ્લોક પ્રમાણ મુળ ગ્રંથ ' વ્યાપ્તિપંચકગૂઢાર્થતત્ત્વાલોક' ઉપર ૯૦,૦૦૦ શ્લોકપ્રમાણ મહાકાય વ્યાખ્યા છે  (ર) વર્તમાન વિશ્વમાં ઉપલબ્ધ વ્યાખ્યા સાહિત્યમાં સોૈથી વિશાળ, રસાળ અને સરળ સંસ્કૃત વ્યાખ્યા છે(૩) મૂળ ગ્રંથ સંસ્કૃત ભાષા, નવ્યન્યાયની પરિભાષામાં તર્ક-વ્યાપ્તિ-નિયમ સંબંધી છે. જયાં એક પૅકિતનું વિવેચન કરવા જતાં એકાદ શબ્દ આઘો-પાછોથાય, ઓછો-વત્તો થાય તો, અર્થ-પદાર્થ-ઐદંપયાર્થ બદલાઇ જતાં વાર ન લાગે, અર્થનો અનર્થ સર્જાતા વિલંબ ન થાય, એવી સૂક્ષ્મમતિગમ્ય ગૂઢ-અતિગૂંઢ પંકિતઓ, ભલ ભલા દિગ્ગજ પંડિતોને પણ મૂઢ-મતિમૂઢ બનાવતા વાર ન લગાડે તેવી પંકિતઓ ઉપર સંસ્કૃત ભાષામાં અને નવ્યન્યાયની પરિભાષામાં કલમ ચલાવાતી અનેતે પણ માત્ર ૨૦ વર્ષની ઉમરે, દીક્ષાજીવનના ૭માં વર્ષે! કમાલ! કમાલ!કમાલ' શબ્દ મોઢામાંથી નીકળ્યા વિના ન રહે. (૪) ૪૨ પાનાનો મૂળ ગ્રંથ, સંસ્કૃત વ્યાખ્યામાં ૪૫૦૦ પૃષ્ઠના વિશાળ ફલક ઉપર વિસ્તરેલો છે. (પ) માત્ર બે વર્ષની અતિઅલ્પ સમયાવધિમાં સંસ્કૃત + ગુજરાતી બન્ને વ્યાખ્યાનું નિર્માણ થયેલ છે. આ પણ નાનો-સુનો ચમત્કાર નથી. પરમગુરૂ અને સદ્ગુરૂની મહતી કૃપા વિના આ શકય જ નથી. (૬) કુલ ૧૪ દળદાર વોલ્યુમમાં નૂતન પ્રકાશન વહેંચાયેલ છે. (૭) ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદજી, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના ગોૈરવસમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, રાષ્ટ્રપતિ સન્માનિત સન્માનનીય વિદ્વાન વશિષ્ઠ ત્રિપાઠીજી, કાશી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પ્રકાંડ પંડિતવર્યશ્રી રાજારામ શુકલાજી વગેરે વિભુતિના શુભેચ્છા સંદેશ નૂતન વ્યાખ્યાગ્રંથને પ્રાપ્ત થયેલ છે. સ્વયમેવ સ્વયંભૂ વિશ્વરેકોર્ડ સ્વરૂપ પ્રસ્તુત પ્રકાશનને અન્ય પણ સરાહનીય શુભેચ્છા સંદેશાઓ સંપ્રાપ્ત થયેલ છે.

(3:54 pm IST)