Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તર્કવિદ્યા દરેક ક્ષેત્રે ખૂબ ઉપયોગીઃ પૂ. યશોવિજયજી

ગુઢાર્થતત્ત્વલોક-તર્કવિદ્યાને આત્મસાત્ કરનાર જૈન સાધુના ગુરૂદેવ કહે છે.... : દાદાગુરૂની ઇચ્છા હતી કે તર્કવિદ્યા પર કામ થાયઃ ત્રણ પેઢીથી વિષય પર ખેડાણઃ ભકિતયશવિજયજીને ૧૪ વર્ષની વયે તર્કશાસ્ત્રમાં પ્રવેશ કરાવ્યોઃ ગુરૂ-શિષ્ય પરંપરાથી ગુઢાર્થતત્વલોક આત્મસાત્ થયો : ગુઢાર્થતત્વલોકા ઉપર હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત ૧૪ દિવસીય રાષ્ટ્રીય સેમીનાર ચાલી રહયો છે. જેનુ સમાપન ૨૯મીએ સાંજે ૪ થી ૬ વિવેક હોલ, રામકૃષ્ણ આશ્રમ મેડીકલ સેન્ટર ખાતે યોજાશે

રાજકોટ તા. ર૦ : ગુઢાર્થતત્વાલોક વ્યાખ્યા ગ્રંથ પર ઐતિહાસિક કાર્ય કરનાર જૈન સાધુના ગુરૂ આચાર્ય પૂ. યશોવિજયસુરીજી કહે છે કે, તર્કવિદ્યા દરેક ક્ષેત્રે ખૂબ  ઉપયોગી છે. આ  વિદ્યા ગહન છે અને સર્વવ્યાપ છે.

'અકિલા' સાથેની વિશેષ મુલાકાતમાં આચાર્યશ્રીએ જણાવ્યું  હતંુ઼. કે, મારા દાદાગુરૂની હાર્દિક ઇચ્છા હતી કે, તર્કવિદ્યા પર કામ થાય. ગુરૂશિષ્યની બે પેઢીથી આ વિદ્યા પર ખેડાણ ચાલતું હતું. ગુરૂને ખુશ કરવાના ધ્યેયથી આ વિષયમાં પ્રવેશ કર્યો હતો રસ વધતો ગયો. દરમિયાન ભકિતયશ વિજયજીની દીક્ષા થઇ.

આચાર્ય શ્રી કહે છે. કે,તેમની દીક્ષા ૧૩ વર્ષની વયે થઇ અને ૧૪ વર્ષની વયે તર્કશાસ્ત્રમાં પ્રવેશ કરાવ્યો હતો. વિહાર દરમ્યાન સતત તર્કવિદ્યા અંગે ચિંતન-ચર્ચા ચાલતા રહ્યા.

ગુઢાર્થ તત્વ લોકને સમજવા માટે દિલ્હીથી પ્રોફેસર બોલાવ્યા હતા, પરંતુ તે વધારે ઉપયોગી ન થયા. સ્વ ચિંતન અને ચર્ચાથી વિષયનું ખેડાણ થયું છે.

આચાર્ય શ્રી કહે છ ેકે, તર્કવિદ્યા કોઇ ધર્મ  વિશેષ માટે નહિ, સમસ્ત માનવ જાત માટે છે.આ વિદ્યા દરેક ક્ષેત્રે કામ કરે છ.ે તર્કના નિયમો, વિશ્લેષણો, પંકિતઓ ગુઢ છે. સતત મંથન -ચિંતન કરવું પડે. ત્રણ વર્ષ ગુઢાર્થતત્વલોક ગ્રંથની સાધના કરી હતી.

સામાન્ય માણસ માટે ગુઢને સમજવું અઘરૃં છે, પરંતુ કોઇપણ બાબતે વાસ્તવિક સ્થિતિ જાણવા તર્કવિદ્યા જરૂરી છે આ વિદ્યાને જાણવા સતત ચિંતન અને ગુરૂકૃપા અનિવાર્ય છે આચાર્ય શ્રી કહે છે કે, શિક્ષણ -વિદ્યા પ્રાપ્તિ માટે ભારતમાં ગુરૂ-શિષ્ય પરંપરા હતી એ શ્રેષ્ઠ હતી આ પરંપરાને અનુસરીને ગુઢાર્થ તત્વલોક ગ્રંથ આત્મસાત્ થઇ શકયો છે.

જો કે પૂ. આચાર્ય શ્રી કહે છે કે, પૂર્વજન્મના ફળ, ગુરૂદેવોની કૃપા અને પ્રકૃતિના સહયોગથી આ વિરાટ કાર્ય સંપન્ન થયું છે ભકિતયશવિજયજી ધ્યાન-યોગ-પ્રાણાયામ નિયમિત કરે છે.ઓમકાર ધ્યાન પ્રયોગ કરે છે.અને સૂર્યનારાયણના પ્રથમ કિરણ સાથે તર્કવિદ્યાનો અભ્યાસ પ્રારંભ કરે છે. નિયમિત આ ક્રમના કારણે  તર્કવિદ્યા આત્મસાત્ થઇ છે. પૂ.આચાર્ય શ્રી યશોવિજયસુરીશ્વરજી મહારાજે ખૂબ જ્ઞાન-સાધના કરી છે.

જેઓનું જ્ઞાન આશ્ચર્યકારી છે સંસ્કૃતિની રક્ષા માટે જેઓ સતત પ્રયાસરત છે. જનજાગૃતિના મહાયજ્ઞ માટે જ અનવરત પ્રવૃતિશીલ છે તેવી આ સદીની એક અનન્ય વિભૂતી એટલે પુજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજ ! છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટની ભૂમિમાં સ્થિરતા કરતી જનસમાજની સમસ્યાઓને મુળથી સુલઝાવવાનો ભગીરથ પ્રયાસ પૂજય આચાર્ય ભગવંત શ્રી અથાક રીતે કરી રહ્યા છે.

પૂજય આચાર્ય ભગવંતનું વતન વેરાવળ છે. ૧૮વર્ષની યુવા વયે ઝળહળતા વૈરાગ્ય સાથે આખા સંસારનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કર્યો પુજય સકલસંઘ હિતચિંતક આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજય પુના જિલ્લા ઉદ્ધારક આચાર્ય ભગવંત શ્રી વિશ્વકલ્યાણ સુરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા સંયમ સ્વીકાર બાદ તેમણે જ્ઞાનસાધના અને તપસાધનાનો યજ્ઞ માંડયો પૂજય આચાર્ય ભગવંતે અલ્પવયમાં  ઉપાર્જિત કરેલ જ્ઞાનને જોઇ આજે સહુ કોઇ ડોલી ઉઠે છે દેશ-વિદેશના વિદ્વાનો અભિભૂત થઇ જાય છે. સ્વયં ૧ર વર્ષ સુધી જ્ઞાનસાધનામાં નિરત રહ્યા ત્યાર પછી પોતાને સાધના દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને-અમૃતને વહેંચવા માટે સમાજ સામે તેઓ ઉપસ્થિત થયા. સમાજની તકલીફો અને સમસ્યાઓના મુળને ઓળખી તેઓ સરળભાષામાં તેના સમાધાનો દર્શાવે છે તેઓની પ્રવચન શૈલી એટલે જ ખૂબ લોકપ્રિય બની છે તેમનો ઉપદેશ સમાજના તમામ વર્ગને સ્પર્શે છે ગમે છે આવી જ તેઓના ઉપદેશથી વિશિષ્ટ કાર્યોની હારમાળા સર્જાઇ છે. અમદાવાદ, મુંબઇ, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ભારત વગેરેમાં તેઓએ વિચરણ કર્યું છે. ર૦૦,ર૦પ,૩૦૦ જેટલા સિદ્ધિતપ તેઓની પ્રેરણાથી ચાતુર્માસ દરમ્યાન થયા છે. સિદ્ધિતપ જેવી આકરી તપશ્ચર્યા પણ પૂજય આચાર્ય  ભગવંતની પ્રેરણા અને ઉપદેશથી એકદમ સરળ થઇ જાય છે. તેઓની સાધનાના પ્રતાપે ઉગ્ર તપસાધના પણ સરળતાથી સંપન્ન થઇ જાય છ.ે આ ઉપરાંત માસક્ષમણ (૩૦ દિવસ સુધી સંપૂર્ણ ભોજન ત્યાગ) જેવી ઉગ્ર તપસાધના પણ તેઓની કૃપાથી મોટી સંખ્યામાં થઇ છે.

પૂજય આચાર્ય ભગવંતના પ્રવચનોની પ્રાસંગિકતા અને ઉપયોગિતાને જોઇ સમાજના તમામ વર્ગો તેમના પ્રવચનોને વધાવ્યા છે. એટલે જ રાજકોટ જેલમાં ત્રણ ત્રણ વાર તેમના પ્રવચનો  યોજાઇ ચુકયા છે તદુપરાંતમાં, આત્મીય, કોલેજ, મોદી સ્કુલ વગેરે અનેક સ્કુલ કોલેજોમાં તેઓએ પ્રવચનો આપ્યા છે અને તેઓના હૃદયસ્પર્શી પ્રવચનો પરિવર્તનકારી નીવડે છે.

હાલ પોતાના માતા મહારાજની સમાધીને ધ્યાનમાં લઇ તેઓ શ્રી જાગનાથ જૈન સંઘમાં બિરાજમાન છે ત્યાં દર રવિવારે પ્રવચનો આયોજાય છ.ે

પુજય આચાર્ય ભગવંતશ્રીની પ્રેરણાથી અનેક ઉપાશ્રયો, જિનાલયોનું નિર્માણ થયું છે નબળી આર્થિક સ્થિતિ વાળા સાધર્મિકોના ઉદ્વાર માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી વિશેષ કાર્ય થઇ રહ્યા છ.ે સ્વયં પોતે સંસ્કૃત ભાષાના સમર્થ વિદ્વાન છે અને બેલાખથી વધુ શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્ય રચી ચુકયા છે (૬.૨)

આચાર્યશ્રી નાસ્તિક હતા, વર્ષમાં ૧પ૮ ફિલ્મો જોઇ!

પૂ. યશોવિજયજીના જીવનની આશ્ચર્યજનક વાતોઃ હોટલની ખાણી-પીણીના શોખીન હતાઃ તેઓ મૂળ વેરાવળના છેઃ પૂ. ભુવનભાનુજીનો સંપર્ક થયો અને...

રાજકોટ તા. ર૦ :.. માત્ર ર૧ વર્ષની વયે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યનું સર્જન કરનાર પૂ. ભકિતયશવિજયજીને જ્ઞાનની સિધ્ધિ પ્રાપ્ત કરાવનાર ગુરુદેવ આચાર્ય પૂ. શ્રી યશોવિજયજી મહારાજનું જીવન યુવા વર્ગને  પ્રેરણા આપનારું છે.

'અકિલા' સાથેની વાતચીતમાં આચાર્ય શ્રીએ ખુદે જણાવ્યું હતું કે, હું નાસ્તિક હતો. વડોદરા ગાયકવાડ યુનિ.માં અભ્યાસ કરતો હતો. ફિલ્મો જોવાનો ખૂબ શોખીન હતો. એક વર્ષમાં ૧પ૮ ફિલ્મો જોઇ હતી. આ ઉપરાંત હોટલની ખાણી-પીણીનો પણ શોખીન હતો.

આચાર્યશ્રી મૂળ વેરાવળ-સોમનાથના છે. પરિવારને વાસણનો મોટો વ્યવસાય હતો. ચાર દુકાનો હતી. આચાર્યશ્રીએ ધો. ૧૦ સુધીનો અભ્યાસ વેરાવળમાં જ કર્યો.  બાદમાં વડોદરા અભ્યાસ માટે ગયા હતાં. ફિલ્મો ખૂબ જોતા હતાં. આ દરમિયાન  દાદાગુરુ પૂ. ભુવન ભાનુજી મહારાજનો સંપર્ક થયો. સાધના માર્ગની સમજ મળી. નાસ્તિકમાંથી આસ્તિક થયા અને ગુરુ મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું... આચાર્યશ્રીના પરિવારમાંથી પાંચ સભ્યોએ દીક્ષા લીધી છે.

રાષ્ટ્રપતિજી તથા વડાપ્રધાન પ્રભાવિત

રાજકોટ, તા. ર૦ : જૈનમુનિશ્રી પૂ. ભકિત યશવિજયજીના તર્કવિદ્યા સાધનાથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતની વિભૂતિઓ પ્રભાવિત થયા હતાં.

'મુનિશ્રી ભકિત યશવિજયજી દ્વારા 'યશોલતા' નામક નૂતન સંસ્કૃત વ્યાખ્યા ગ્રંથની સર્જનથી નવી દિશા અને ઉર્જા પ્રાપ્ત થશે.'

- રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી

'જૈનાચાર્ય શ્રી યશોવિજયસૂરિજીના શિષ્ય શ્રી ભકિત યશવિજયજી દ્વારા ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણનું સર્જન આશ્ચર્યજનક છે. હું આવા સંતપુરૂષો સામે નતમસ્તક છું.'

- ઉપરાષ્ટ્રપતિ શ્રી  એમ. વેંકૈયા નાયડુ

હું પ્રસન્ન છું કે, 'ગુઢાર્થતત્વલોક' વ્યાખ્યા ગ્રંથનું વિમોચન થઇ રહ્યું છે. શ્રી ભકિતયશવિજયજી દ્વારા રચિત આ ગ્રંથાવલી જીવન મૂલ્યો અને આદર્શોથી માહિતગાર કરશે.

- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

મુનિશ્રી ભકિતયશવિજયજી રચિત 'યશોલતા' બૃહદગ્રંથના પ્રકાશનથી આનંદિત છું. ગુજરાત માટે આ કાર્ય ગૌરવપૂર્ણ છે. મહારાજશ્રીની વિદ્યાસાધનાને હું નમન કરૃં છું.

-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગ્રંથ વિતરણ વ્યવસ્થા

રાજકોટ, તા. ર૦ : ર૧મા વર્ષે પૂ. ભકિત યશવિજયજીએ ૪૦૦ શ્લોક પર ૯૦,૦૦૦ શ્લોકોની રચના કરી છે. તર્કવિદ્યાનો આ અન્યન્ય ગ્રંથનું પ્રકાશન દિવ્ય દર્શન ટ્રસ્ટ, અમદાવાદ (ફોનઃ ૦ર૭૧૪-રરપ૪૮૧) એ કર્યું છે. આ ગ્રંથ શ્રેણીની વિતરણ વ્યવસ્થા વિવિધ સ્થાનો પર ગોઠવાઇ છે.

(૧) ક્રિએટીવ પ્રકાશન-મનોજભાઇ શાહ (ફોન : ૦ર૮૭૬- મો. ૯૪ર૮૭ ૦ર૬૧૭)

(ર) વિક્રમભાઇ શાહ-રાજકોટ (ફોન : ૦ર૮૧- ર૪૬૧૯૮૦ મો. ૯૪ર૬૯ ૭ર૬૦૯)

(૩) અભયભાઇ શાહ-અમદાવાદ (ફોન : ૦૭૯-ર૬૬પર૦રપ  મો. ૯૪ર૮૭ ૦ર૭૯૪ 

(3:54 pm IST)