Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઉઝબેકિસ્તાનના યુવા કલાકાર કાખ્રમોન અને ઢીંગલી રોબીયાએ રાજકોટની પાણીપુરીની મજા માણી : ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત લીધી

અમદાવાદ એરપોર્ટ પર યજમાનને કહ્યું, 'તેરી લાડકી મેં છોડુંગી ના તેરા હાથ...'

રાજકોટ : ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવેલા વર્લ્ડ સેલીબ્રીટી સીંગર હાવાસ ગુરૂહીના સભ્યોએ રાજકોટમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ડોલ્સ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. અલૌકિક વ્યકિતત્વ તેમજ બેમીસાલ સૌંદર્ય ધરાવતી હાવાસ પરીવારની રૂપરૂપના અંબાર સમી કુંવરી ઉઝબેક ઢીંગલી રોબીયા ૧૦૨ દેશોની ૧૬૦૦થી વધુ ઢીંગલીઓને નિહાળીને ખુશખુશાલ બની ગઈ હતી. તો ઓલ ઈન્ડિયા રેડીયો સ્ટેશનની મુલાકાત લઈને યુવવાણી કાર્યક્રમ અંતર્ગત કાખ્રમોને યુવાનોને કોઈપણ તકની રાહ જોવાને બદલે તકને જાતે ઉભી કરવાની ટેવ પાડવા માટે આહવાન આપ્યુ હતું.

ઉઝબેકિસ્તાનની મૈત્રીનો મ્યુઝીકલ સંદેશ લઈને રાજકોટ આવેલા આ પરીવારે રાજકોટના યજમાનનું સુંદર આતિથ્ય માણ્યુ હતું. આ પરીવાર કેટલાક દિવસોથી પુનામાં શાસ્ત્રીય સંગીત શીખવા માટે આવ્યા હોવાની અને કાખ્રમોન તથા રોબીયા અત્યંત લાગણીશીલ માતાના વિરહમાં ઝૂરી રહ્યા હોવાની વાતથી જ્ઞાત યજમાને એરપોર્ટ ખાતે સ્વાગતમાં અમદાવાદના માત્ર ૧૦ વર્ષના ચિત્રકારના હાથેથી બનેલુ માતા મતલુબાનું પેઈન્ટીંગ ભેટમાં અપાવતા સૌ લાગણીશીલ બની ગયા હતા. ફાધર્સ - ડે કાખ્રમોન તથા રોબીયાના હસ્તે પિતા રૂસ્તમ તથા કાકા મેહમુદ જોનને મીઠુ મોઢુ કરાવ્યુ હતું.

ગાંધી મ્યુઝીયમ ખાતે લાઈવ શોમાં અદ્દભૂત પર્ફોર્મન્સ કરીને રાજકોટવાસીઓના દિલ જીતી લીધા પછી કાર્યક્રમના અંતમાં એક બહેને પોતાનું નામ ન આપવાની શરતે પોતાના પૂજા ઘરમાં રાખેલો શુકનિયાળ સિક્કો શુભેચ્છાના પ્રતિકરૂપે કાખ્રમોનને ભેટ આપ્યો હતો. આ મહેમાનોએ રાજકોટની પાણીપુરીની લહેજત પણ તેઓએ માણી હતી. રાજકોટમાં મુકત ભ્રમણ દરમિયાન શહેરીજનોએ સેલ્ફી માટે પડાપડી કરવાને બદલે પહેલા માનપૂર્વક સેલ્ફી લેવા મંજૂરી લેવાની સજ્જનતા દર્શાવતા ઉઝબેક પરીવાર રાજકોટની આ શિસ્ત બદલ અત્યંત ખુશ થયો હતો. દિલ્હી માટે એરપોર્ટ મૂકવા ગયેલા યજમાન જીજ્ઞેશ મહેતાને એક મિનિટ ઉભા રહેવાનું કહીને રોબીયાએ 'તેરી લાડકી મેં છોડુંગી ના તેરા હાથ' ગાયન ગાયુ ત્યારે લાગણીના તમામ બંધનો ધોધ બનીને વહી નીકળ્યા હતા.

(3:50 pm IST)