Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ચોમાસુ આગળ ચાલશે : આવતા સપ્તાહથી પ્રિ-મોન્સુન એકટિવિટી

લો પ્રેશરની અસરથી ચોમાસાને ગતિ મળી : દક્ષિણ કોંકણ અને ગોવા સુધી આગળ વધ્યુઃ ચોમાસુ આવતા ૩ દિવસમાં મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગણા, તામિલનાડુ, બિહાર, ઝારખંડ અને ઓરીસ્સાના અમુક ભાગોમાં આગળ વધશે : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સોમવારથી પ્રિ-મોન્સુન એકિટવિટી શરૂ થશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૦ : ગરમીથી ત્રસ્ત અનુભવતા લોકો માટે રાહતના સમાચાર છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધ્યુ છે. આવતા ત્રણ દિવસમાં વધુ આગળ વધશે. દરમિયાન આવતા સપ્તાહના પ્રારંભથી જ સૌરાષ્ટ્ર - કચ્છ  - ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એકિટવીટી શરૂ થઈ જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે કોસ્ટલ કર્ણાટકના બાકીના ભાગો તેમજ દક્ષિણ કોંકણ અને ગોવામાં બેસી ગયુ છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં ચોમાસુ આગળ વધ્યુ. સાથે સિક્કિમ બાજુ અને મધ્યમ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ આગળ વધ્યુ છે. હવે અરબી સમુદ્ર તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ જે ૧૩ ડિગ્રી નોર્થ તરફ અટકેલુ હતું તે ૧૭ ડિગ્રી નોર્થ તરફ આગળ વધ્યુ છે. હજુ આવતા ત્રણેક દિવસમાં ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના અમુક ભાગો આંધ્ર, તેલંગણાના અમુક ભાગો, તામિલનાડુના વધ-ઘટના ભાગ તેમજ બિહાર, ઝારખંડ, ઓરીસ્સાના અમુક ભાગોમાં આગળ વધશે.

ઉત્તર બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન હતું. જેની અસરથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના લાગુ વિસ્તારમાં એક લો પ્રેશર છવાયેલ છે. જે ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. ચોમાસુ ધરી પહેલાની 'લો' હાલમાં પંજાબથી બંગાળની ખાડીના લોપ્રેશર સુધી લંબાય છે. (વાયા હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓરીસ્સા)

એક બીજો ઓફસોર ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્રના દરિયા કિનારાથી કેરળના દરિયા કિનારા સુધી લંબાય છે. તા.૨૩ જૂન આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન ઉપર પહોંચશે. ૫.૮ કિ.મી.ના લેવલે અને ૧૪ થી ૧૫ ડિગ્રી નોર્થ ઉપર એક ઇસ્ટ - વેસ્ટ સિઅરઝોન છે. જે બંગાળની ખાડી સુધી બહોળુ સરકયુલેશન છે જે 'લો' સુધી લંબાય છે. ઓવરઓલ ચોમાસુ પવન અરબી તરફ પણ સેટ થાય છે. જેથી તા.૨૩ જૂન સુધીમાં દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ આગળ ચાલશે.

અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત અંગે તા.૨૦ થી ૨૭ (ગુરૂથી ગુરૂ) જૂન સુધીની આગાહી કરતા જણાવેલ કે હાલમાં તો એકલ-દોકલ વિસ્તારોમાં છાંટાછુટી થશે. જયારે તા.૨૪ - (સોમવાર)થી પ્રિ-મોન્સુન એકિટવીટી શરૂ થઈ જશે. તેઓએ જણાવેલ કે અરબી બાજુ પણ ચોમાસુ પવન આગાહીના અંતિમ દિવસો સુધીમાં પવન મજબૂત થઈ જશે.

(3:48 pm IST)