Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આવાસ યોજનાઓમાં ગેરકાયદે ઘુસણખોરી ર૩ને હાંકી કાઢી કવાર્ટરો સીલ

મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓએ ર૩ કવાર્ટર ભાડે અપાયાનું જણાતા ખાલી કરવા સુચનાઃ નિયમભંગના કિસ્સામાં કવાર્ટર ફાળવણી રદ કરવા સુધીના પગલા લેવાશેઃ બંછાનિધી પાની

સરપ્રાઈઝ ચેકીંગઃ મ્યુ. કોર્પોરેશનના આવાસ યોજના વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી ગૃહ યોજનાની આવાસ યોજનામાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગમાં ૨૩ કવાર્ટર ધારકો ભાડે રહેતા હોવાનુ ખુલ્યુ હતુ. તેઓને ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી અને કવાર્ટરો સીલ કરાયા હતા તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. શહેરમાં ઘરનું ઘર નહી ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની માલિકીનું દ્યર પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી બનાવાયેલી મુખ્યમંત્રી ગૃહ યોજનામાં કેટલાક લાભાર્થીઓએ પોતપોતાના આવાસ અન્ય લોકોને ભાડેથી રહેવા માટે આપી દીધા હોવાની રાજકોટ મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે હાથ ધરાયેલા ચેકિંગમાં ૨૩ આવાસ ભાડે અપાયાનું દેખીતીરીતે ખુલતા આ આવાસોના મૂળ મકાન માલિક અને હાલમાં  તેમાં રહેતા ભાડૂઆતને આ આવાસ ત્રણ દિવસમાં ખાલી કરવા સૂચના આપવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ આવાસ યોજનાઓનો હેતુ દ્યર વિહોણા લોકોને પોતાની માલિકી આશરો મળે, પોતાની માલિકીના દ્યરમાં રહેવાની સુવિધા તેઓને મળે તેવો છે. ઉપરાંત આવાસ યોજનાના ફોર્મમાં તેમજ દસ્તાવેજમાં એ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે, દસ્તાવેજ બન્યાની તારીખથી ૭ (સાત) વર્ષ સુધી આવાસ વેંચાણ કે ભાડેથી અન્ય કોઇપણ વ્યકિતને આપી શકાશે નહી. કમિશનરશ્રીએ વિશેષમાં કહ્યું કે, આ નિયમ ભંગ થવાના કિસ્સામાં આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લઇ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં આવી પ્રવૃતિઓ ચલાવી નહી લેવાય. આવાસ યોજનાઓનો લાભ દ્યર વગરના લોકોને જ મળે તેવો મૂળભૂત આશય પરિપૂર્ણ થવો જ જોઈએ. એમાં રાજકોટ મહાનગરપાલિકા કોઈ જ બાંધછોડ નહી કરે. હાલમાં પોતપોતાના આવાસમાં રહેતા મૂળ માલિકો પણ પોતાના આવાસ અન્ય કોઈને ભાડે નાં આપે કે વેંચાણ પણ ના કરે તેવો ખાસ અનુરોધ છે. આ નિયમનો ભંગ થયાનું જોવા મળશે તો આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં મહાનગરપાલિકા લેશે, જેની સૌ લાગતાવળગતાઓ નોંધ લ્યે.

દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકાની આવાસ યોજના શાખા, દબાણ હટાવ શાખા અને વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા રેલનગર, પોપટપરા વિસ્તારમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓ જેવી કે,  છત્રપતિ શિવાજી ટાઉનશિપ,  ખુદીરામ બોઝ ટાઉનશિપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ટાઉનશિપ અને  વીર સાવરકર ટાઉનશિપમાં ઝુંબેશના સ્વરૂપમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન ૨૩ આવાસો ભાડે અપાયાનું જણાતા આ આવાસના મૂળ માલિક અને હાલમાં આવાસમાં રહેતા વ્યકિતને આવાસ ખાલી કરી આપવા સૂચના આપી દેવામાં આવેલ છે. થોડા સમય પૂર્વે જ શ્રી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં આવા જ એક આવાસની ફાળવણી રદ પણ કરવામાં આવેલ છે.

આજે આવાસ યોજનાઓમાં થયેલી ચેકિંગની કામગીરી આવાસ યોજના શાખાના આસિસ્ટન્ટ મેનેજર  ભૂમિ પરમાર ઉપરાંત ઇન્સ્પેકટરો શ્રી વી.સી.ભાલારા, કમલેશ જોશી, ભરત પીઠડીયા, મુકેશ દવે અને  કેયુર ગાંધી તેમજ દબાણ હટાવ શાખા અને વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:56 pm IST)