Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે ૧૦ સુપ્રસિદ્ધ યાત્રાધામો- પ્રવાસન- ઐતિહાસિક સ્થળોએ યોગ દિવસ ઉજવાશેઃ લાખો લોકો જોડાશે

નિયમિત યોગાભ્યાસ હૃદયને મજબૂત બનાવી હૃદયરોગ- બ્લડ પ્રેસર, ડાયાબિટીસ જેવી બીમારીથી દૂર રાખે છે

ભારત દેશ તેની ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, આધ્યાત્મિકતા,  આર્યુવેદ, યોગા જેવી બહુમૂલા પ્રતિભાથી સમગ્ર વિશ્વને જ્ઞાન અને દિશા દર્શન પૂરૃં પાડી રહ્યો છે. યોગ સાધના તન, મનને તાજગી અને તંદુરસ્તી બક્ષવાનું કામ કરે છે. સમગ્ર વિશ્વએ ભારતની આ બેજોડ સાધનાને સ્વીકારી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વિકૃત કરાયો છે. આ દિવસે વિશ્વભરમાં લોકો યોગ કરી તેને જીવન પ્રણાલીનો એક ભાગ બનાવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.

આવતીકાલે તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્ત્।ે સમગ્ર વિશ્વમાં યોગ કરવામાં આવશે. આ વર્ષે યોગની થીમ છેઃ 'યોગ ફોર હાર્ટ કેર' હૃદયએ માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. આપણી જીવંતતા હૃદય અને મગજને આભારી છે. ત્યારે હૃદયની તંદુરસ્તી માટે જાગૃતિ જરૂરી છે. હાર્ટ એટેક ખુબ જ જોખમી છે તેના મૂળમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, ધુમ્રપાન કે બેઠાડુ જીવન જવાબદાર છે.

હૃદયની બીમારીથી દૂર રહેવા અન્ય અંગોની માફક હૃદયને કેળવવું પણ તેટલુંજ જરૂરી છે. હૃ્દયને શારીરિક રીતે મજબૂત બનાવી હૃદય રોગ, બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારી ટાળી શકાય છે તેમ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી જણાવે છે.  છેલ્લા ૩૦ વર્ષથી હૃદય બીમારી અંગે પ્રેકિટસ કરતા, સત્ય સાઈ હોસ્પિટલ- રાજકોટ સાથે સંકળાયેલા ડો રાજેશ જણાવે છે કે યોગ એક કસરત છે જેમ શરીરના અન્ય અંગને મજબૂત કરવા વિવિધ એકસરસાઇઝ કરવામાં આવે છે તેમ હૃદયના ધબકારાને વધારી ઘટાડી તેને મજબૂત કરવા સ્વિમિંગ, સાઈકલિંગ, રનિંગ કે જોગિંગ જેમ યોગ પણ તેટલુંજ મદદરૂપ થાય છે.

નિયમિત યોગ થકી સ્ટ્રેસ સમયે હૃદયના ધબકારા વધે તો પણ તેને એટેક આવવાની સંભવના ઓછી રહે છે, પ્રાણાયમ કરવાથી ધબકારા નિયંત્રણ કરી શકાય છે. તેના માટે નાનપણથી યોગ સાધના નિયમિત કરવાની સલાહ ડો. તેલી આપે છે. સૌથી મહત્વનું છે કે યોગ કોણે કરવા જોઈએ અને કોણે ના કરવા જોઈએ ? ડો. તેલી જણાવે છે કે જે લોકો સંપૂર્ણ નિરોગી છે તેઓ તમામ પ્રકારના યોગાસન કરી શકે છે. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના લોકોએ લિમિટેડ યોગ કરવા તેમજ જે લોકો હૃદયરોગના દર્દી છે તેઓએ માત્ર ડોકટરની સલાહ મુજબ જ યોગ કરવા સૂચન છે. યોગ થી દર્દીઓને આંશિક રાહત મળે છે, દવાના ડોઝ હળવા બને છે પરંતુ યોગાભ્યાસ કરતા દર્દીઓએ દવા કયારેય બંધ ના કરવા પણ ડો. દ્વારા સલાહ આપવમાં આવે છે.

હદયરોગની ગંભીર બીમારી સામે પ્રીકોસન જરૂરી છે અને એટલે જ યોગ પણ જરૂરી  છે. રાજકોટ જિલ્લામાં ૬ લાખ ૫૦ હજાર થી વધુ લોકો જુદા જુદા સ્થળે યોગ કરી તંદુરસ્તી તરફ એક કદમ આગળ વધશે. રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં ૨૨ સ્થળે, નગરપાલિકામાં, શાળા કોલેજ તેમજ રાજકોટના તમામ સ્વિમિંગ પુલમાં એકવા યોગા યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, આર. કે યુનિવર્સીટી, મારવાડી યુનિવર્સીટી, ખોડલધામ ટ્રસ્ટમાં તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓમા મોટી સંખ્યામાં લોકો યોગાભ્યાસમાં જોડાશે.

યોગ અંગે જાગૃતિ વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પ્રસિદ્ઘ યાત્રાધામ, પ્રવાસન અને ઐતિહાસિક સ્થળો પર યોગ કરવામાં આવશે.  રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો, રાજકુમાર કોલેજ, સ્વામી નારાયણ મંદિર, બેન્ડ સ્ટેન્ડ તેમજ જિલ્લામાં ગોંડલ સ્થિત ભુવનેસવરી પીઠ, ધોરાજી પાસે ઓસમ ડુંગર, સુપેડી પાસે મુરલી મનોહર મંદિર, ઘેલા સોમનાથ તેમજ વીરપુર સ્થિત મીનળ દેવી વાવના સ્થળે યોગ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં પાંચ મુખ્ય ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાશે. જેમા રેસકોર્સ મેદાન ખાતે વોર્ડ નં ૨,૩,૭, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસે પાસે વોર્ડ નં ૧,૯,૧૦, આર. એમ.સી. કવાર્ટર પાસેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર વોર્ડ નં ૧૪,૧૬,૧૭, નાના મૌવા સર્કલ પાસે મલ્ટી એકિટવિટી સેન્ટર સામે વોર્ડ નં ૮,૧૧,૧૨,૧૩ ના રહેવાસીઓ તેમજ રણછોડ દાસ બાપુ આશ્રમ સામે ગ્રાઉન્ડ પર વોર્ડ નં ૪,૫,૬,૧૫ ના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાઈ વિશ્વ યોગ દિન સાર્થક કરશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજસિંહ વાઘેલા જણાવે છે.

આટલી વસ્તુઓ સાથે લાવવી

 દરેક નાગરિકોએ ૬* ૪ જેટલી મોટી શેત્રુંજી તથા નેપકીન સાથે લાવવા, નાગરિકોએ સવારે ખાલી પેટે આવવું, દરેક નાગરિકોએ ખુલ્લો સારો પોશાક પહેરો આવશ્યક છે, મહિલાઓએ પંજાબી ડ્રેસ પહેરવો જેથી યોગાભ્યાસ માટે સાનુકૂળતા રહે, શકય હોય તો સફેદ વસ્ત્રો પહેરવા,નાગરિકોએ સમયથી ૩૦ મિનિટ પહેલા આવી સ્થાન મેળવી લેવું, દરેક નાગરિકે પોતાના શરીરની મર્યાદા મુજબ જ યોગાભ્યાસ કરવો, જરૂર જણાય તો નિર્દેશક અથવા સ્વયંસેવકનો સંપર્ક કરવો.

આલેખનઃ રાજકુમાર

ઈન્ફર્મેશન ડીપાર્ટમેન્ટ - રાજકોટ,

મો.૯૫૫૮૬ ૯૫૦૨૦

(3:49 pm IST)