Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

૧૪ વર્ષના બ્રેઇનડેડ છાત્રના હૃદયનું રાજકોટથી દાનઃ મૃત્યુ પછી પણ સાત લોકોમાં જીવંત રહેશે જય મોઢવાડીયા...ઐતિહાસિક ઘટના

સવારે પાંચ વાગ્યે સવાણી હોસ્પિટલથી એરપોર્ટ સુધી પોલીસ તંત્રએ ગ્રીન કોરીડોર યોજી એરબસ મારફત અંગો અમદાવાદ મોકલ્યાઃ પોરબંદરના નિવૃત ફોૈજી સાજણભાઇ મોઢવાડીયાના ૧૪ વર્ષના દિકરા જયને ૧૭મીએ અકસ્માત નડતાં બેભાન થઇ ગયોઃ રાજકોટ બી.ટી. સવાણી હોસ્પિટલમાં ૧૯મીએ બ્રેઇન ડેડ જાહેર કરાતાં પિતા-પરિવારજનોએ જયના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધોઃ હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખના દાનઃ અંગો સિમ્સ હોસ્પિટલમાં મોકલાયા દિલ્હીમાં જન્મેલા જયનું સ્વપ્ન પણ પિતાની જેમ આર્મીમાં જવાનું હતું...પણ કુદરતે કંઇક જુદૂ જ વિચાર્યુ હશે!?...બાલાચડીથી રજામાં વતન પોરબંદર આવ્યો ને બાઇકની ઠોકરે ચડી જતાં બ્રેઇનડેડ થઇ ગયો

રાજકોટ : અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા ૧૫ વર્ષીય છાત્ર જય મોઢવાડીયા તથા તેની યાદગાર તસ્વીર તેમજ તેના પિતા સાથે ફાધર્સ-ડેના દિવસે લેવાયેલ સેલ્ફી... ઉપરની તસ્વીરમાં જોઈ શકાય છે. નીચે હોસ્પિટલ ખાતે 'ગ્રીન કોરીડોર' કાર્યવાહીના દૃશ્યો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: રકતદાન, ચક્ષુદાન પછી હવે અંગદાન માટે પણ લોકો જાગૃત બન્યા છે. અનેક લોકો જીવીત અવસ્થામાં જ પોતાના મૃત્યુ પછી પોતાના અંગોનું દાન કરવાનો સંકલ્પ કરી સ્વજનોને જાણ કરતાં હોય છે. પોરબંદર રહેતાં નિવૃત ફોૈજી સાજણભાઇ મોઢવાડીયાએ અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા ૧૪ વર્ષના પુત્ર જયના હૃદય સહિતના અંગોનું દાન કરી દાખલો બેસાડ્યો છે. બી.ટી. સવાણી હોસ્પિટલથી સવારે પાંચ કલાકે હવાઇ માર્ગે જયના હૃદય સહિતના સાત અંગો અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં મોકલાયા છે. પોલીસે આ ઐતિહાસિક ઘટના અને પહેલી જ વખત રાજકોટથી હૃદયનું સ્થળાંતર થવાનું હોઇ મેકિડલ વેન માટે હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર તૈયાર કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ જેન હૃદયનું દાન કરાયું તે જય સાજણભાઇ મોઢવાડીયા (ઉ.૧૪) બે ભાઇમાં મોટો હતો અને બાલાચડી સૈનિક સ્કૂલમાં ભણતો હતો. શાળામાં રજા હોઇ તે વતન પોરબંદર આવ્યો હતો. અહિ ૧૬મીએ ફાધર ડે ઉજવ્યો હતો અને તેને ૧૭મીએ પોરબંદરમાં ચાલીને બહારથી ઘર તરફ જતો હતો ત્યારે બાઇકની ઠોકર લાગતાં બેભાન થઇ ઢળી ગયો હતો. પોરબંદર સારવાર બાદ તેને રાજકોટ બી. ટી. સવાણી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તબિબોના અનેક પ્રયાસો છતાં જયની તબિયતમાં સુધારો થયો નહોતો. ૧૯મીએ જયને બ્રેઇનડેડ જાહેર કરતાં સ્વજનો હતપ્રભ થઇ ગયા હતાં. પરંતુ જયનું હૃદય ધબકતું હોઇ નિવૃત ફોૈજી પિતા સાજણભાઇએ દિકરાનું હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાવી બીજી સાત વ્યકિતને નવજીવન બક્ષવાનો નિર્ણય લેતાં હોસ્પિટલ તંત્રએ આ માટે તૈયારી કરી હતી અને આજે વહેલી સવારે એર એમ્બ્યુલન્સ મારફત આ અંગો અમદાવાદ મોકલાયા હતાં.

જયના પિતા સાજણભાઇના કહેવા મુજબ જય પોતે અભ્યાસ સાથે સ્પોર્ટસમાં પણ ખુબ રસ ધરાવતો હતો. જયનું સ્વપ્ન પણ આર્મી ઓફિસર બની દેશની-દેશ વાસીઓની સેવા કરવાનું હતું. આ કારણે જ  તેને સેનિક સ્કૂલમાં મુકાયો હતો. સાજણભાઇએ ૨૪ વર્ષ સુધી ફોૈજી તરીકે ફરજ બજાવી દેશની સેવા કરી છે. જયનો જન્મ ૨૫ ડિસેમ્બર-૨૦૦૪ના રોજ દિલ્હીમાં થયો હતો. જય પહેલેથી જ આર્મી પ્રત્યે  લાગણી ધરાવતો હતો અને પિતા સાથે જઇ આર્મી અંગે સતત સવાલો પુછતો રહેતો હતો. તે હોકી, ફૂટબોલ જેવી રમતો અને નિયમિત કસરતોમાં પણ ધ્યાન આપતો હતો. ૧૪ વર્ષે તેનું વજન ૬૭ કિલો અને હાઇટ ૧૭૯ સેમી હતી. તેનું સ્વપ્ન આર્મી ઓફિસર બનવાનું હતું. પરંતુ કુદરતે કંઇક જુદુ જ વિચાર્યુ હોય તેમ અકાળે અકસ્માત નડ્યો અને બ્રેઇન ડેડ થઇ ગયો.

પરંતુ પિતા-પરિવારજનોએ જય અન્ય સાત વ્યકિતઓમાં જીવતો રહે તે માટે તેના હૃદય સહિત સાત અંગોનું દાન કર્યુ છે. આ અંગોને લેવા માટે અમદાવાદ સિમ્સ હોસ્પિટલના ડો. વિરેન શાહ સહિતની ટીમ રાજકોટ આવી હતી. આજે વહેલી સવારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા, પીઆઇ આર. એસ. ઠાકર, દડુભાઇ ખાચર અને ટીમે હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર યોજી હૃદય સહિતના અંગો સમયસર એરપોર્ટ સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી હતી.

જયના ઓર્ગન ડોનેશનનો નિર્ણય લેવામાં આવતાં ડો. દિવ્યેશ વિરોજા, ડો. ગોૈરાંગ વાઘાણી, ડો. ધવલ પટેલ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા સહિતની ટીમ ડોનેશન વખતે હાજર રહી હતી. ઓર્ગન ડોનેશનનું કામ કરતા રાજકોટના નિતીનભાઇ ઘાટલીયા, ભાવનાબેન મંડલિક સહિતે હોસ્પિટલ, પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન સાધી હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટની રાજકોટની આ પ્રથમ ઘટનાને યાદગાર અને ઐતિહાસિક બનાવી હતી.

ત્રણ કલાકના જટીલ ઓપરેશન બાદ અંગદાતા જય મોઢવાડીયાનું હૃદય ચાર્ટર્ડ પ્લેન સુધી તથા ગ્રીન કોરીડોર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ તથા સંકલનથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યુ સાથોસાથ અંગદાતા જયની બંને કિડની અને લીવર પણ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલાવવામાં આવ્યા. આ દરેક અંગ અમદાવાદમાં જરૂરીયાતમંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન દ્વારા મળ્યા જેથી આ ચાર દર્દીઓને નવજીવન મળ્યુ. આ ઉપરાંત અંગદાતા જયની બંને આંખો રાજકોટ ખાતે કણસાગરા આઈ બેન્ક દ્વારા બે દર્દીને દૃષ્ટિ આપવામાં મદદરૂપ બની.

અંગદાનની આ સમગ્ર પ્રક્રિયામાં બી.ટી.સવાણી હોસ્પિટલના ટ્રસ્ટી તથા સ્ટાફ, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટની ટીમ તથા સેવાભાવી વ્યકિતઓએ પંદર કલાકની વધારે મહનત કરી. જેમાં ડો. શ્રી ગૌરાંગ વાઘાણી તથા ડો.દિવ્યેશ વિરોજ, ડો.સંકલ્પ વણઝારા તથા ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.દુષ્યંત શેખલીયા, ડો.ધવલ કોટડીયા, ડો.બીના અજુડીયા, ડો.દર્શના ભાદાણી તથા સમગ્ર ટીમે અંગદાનની પ્રક્રિયામાં સાથે રહી મહત્વની ભૂમિકાની સેવા આપેલ.

તેમજ અંગદાતા જય મોઢવાડીયાના પિતાશ્રી સાજણભાઈ વિરમભાઈ મોઢવાડીયા તથા રેખાબેન સાજણભાઈ મોઢવાડીયા, અનિલભાઈ રામજીભાઈ ઓડેદરા, રાણાભાઈ મુળુભાઈ ઓડેદરા તેમજ પરબતભાઈ વિરમભાઈ મોઢવાડીયાએ અંગદાનની સહમતી આપતા રાજકોટ મુકામે આ એક ઐતિહાસિક ઘટના પ્રથમવાર હાર્ટનું દાન થયેલ.

સાજણભાઈ વિરમભાઈ મોઢવાડીયા એકસ આર્મીમેનની દેશની સેવામાં ફરજ બજાવી ચૂકેલ છે. તેમજ તેમના મોટા પુત્ર અંગદાતા જય મોઢવાડીયા પણ બાલાચડી સૈનિક સ્કુલમાં મોટા આર્મી ઓફીસર બનવાનું સપનુ લઈને અભ્યાસ કરતો હતો. જયને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી. પરંતુ એકસીડન્ટલી બ્રેઈન ડેડ થતા આજે જય ૭ લોકોમાં જીવિત રહેશે.

(11:46 am IST)