Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ખોડિયારનગરમાં ફાકીના પૈસા મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધમાલમાં ત્રણ ઘવાયાઃ ૧૦ જણા વિરૂધ્ધ સામ-સામી ફરિયાદ

શિવધામ સોસાયટીના સૂરજભા ગઢવી અને તેનો ભાઇ નિલેષ તથા સામા પક્ષે દિગ્વીજયસિંહ જાડેજાએ સારવાર લીધીઃ તલવાર, છરી, ધોકા, કુહાડી, પાઇપ, સોડાબોટલથી એકબીજા પર હુમલો

હુમલામાં ઘાયલ સૂરજભા ગઢવી અને તેનો ભાઇ નિલેષ ગઢવી

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ પર ખોડિયારનગરમાં રાત્રીના પાનના ધંધાર્થી દરબાર યુવાન અને રણુજા મંદિર પાસે રહેતાં ગઢવી યુવાનના જૂથો વચ્ચે સશસ્ત્ર ધમાલ થતાં ત્રણને ઇજા સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતાં. ફાકીના પૈસા બાબતે થોડા દિવસ પહેલા દરબાર અને ગઢવી યુવાન વચ્ચે થયેલી બોલાચાલીના મનદુઃખને કારણે આ ધમાલ મચી હતી. પોલીસે બંને પક્ષની સામ-સામી ફરિયાદ નોંધી છે.

કોઠારીયા રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી-૨માં રહેતો અને રિક્ષા લે-વેંચનો ધંધો કરતાં સૂરજભા જબ્બરભા કુંદડા (ઉ.૨૫) નામનો ગઢવી યુવાન અને તેનો ભાઇ નિલેષ જબ્બરદાન કુંદડા (ઉ.૩૦) રાત્રે ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના પર ખોડિયારનગરમાં બજરંગ પાન પાસે મેરૂભા સહિતે હુમલો કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગરમાં જાણ કરી હતી.

સામા પક્ષે ખોડિયારનગર ચામુંડા સોસાયટીમાં રહેતાં દિગ્વીજયસિંહ લાલુભા જાડેજા (ઉ.૨૮) પણ પોતાના પર સુરો ગઢવી, નિલેષ ગઢવી સહિતનાએ હુમલો કરી સોડા બોટલાના ઘા કરી તેમજ તલવાર, પાઇપ, છરીથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

માલવીયાનગરના પીએસઆઇ જે.એ. ખાચરે હોસ્પિટલે પહોંચી સૂરજભા જબ્બરભાઇ કુંદડાની ફરિયાદ પરથી મેરૂભા, દિગરાજ ઉર્ફ જીગો, વિપુલ, રાજપાલ, રવિરાજ અને દિગ્વીજયસિંહ સામે આઇપીસી ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. સુરજભાના કહેવા મુજબ પોતાને થોડા દિવસ પહેલા મેરૂભા સાથે ફાકીના પૈસા પહેલા આપ, પછી જ ફાકી અપાશે તેવું કહેવાતાં બોલાચાલી થઇ હતી.  

દરમિયાન ગત રાતે પોતે ફરીથી ફાકી ખાવા રાતે સાડા અગિયારેક વાગ્યે જતાં જુના મનદુઃખનો ખાર રાખી મેરૂભા સહિતનાએ મંડળી રચી કુહાડી, તલવાર, ધોકા,થી હુમલો કરી ઇજાઓ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાનો ભાઇ નિલેષ કુંદડા મદદ માટે આવતાં તેના ઉપર પણ હુમલો કરાયો હતો.

સામા પક્ષે દિગ્વીજયસિંહ જાડેજાની ફરિયાદ પરથી સૂરજભા ગઢવી, તેના ભાઇ નિલેષ ગઢવી, નાગભા ગઢવી, કશો કોળી સામે ગુનો નોંધાયો છે. આ ચારેયે જુના મનદુઃખને લીધે તલવાર, પાઇપ, છરી સાથે દૂકાને આવી પોતાને પાઇપથી માર મારી ગાળોદઇ મારી નાંખવાની ધમકી આપ્યાનું  ફરિયાદમાં જણાવ્યું છે.

(11:30 am IST)