Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

૧૨ હજારમાંથી ૧૦ હજાર વાંધા અરજીઓનો નિકાલ : ૧૩ અધિકારીઓની ફોજ કામે લાગી

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેને કાર્પેટ વેરાના ધાંધિયા નિવારવા યોજેલી બેઠક બાદ ચમત્કાર !! : વેરો ઓછો કરાવવા માટે ફરતા દલાલો - એજન્ટોથી ચેતવા આસી. કમિશ્નર કગથરાનો અનુરોધ

રાજકોટ તા. ૨૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ વેરા પધ્ધતિ અમલી બનાવાયા બાદ તેના વેરાબીલ અને વાંધા અરજીના નિકાલમાં ધાંધિયા સર્જાતા હોવાની ફરિયાદો નવનિયુકત સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડને મળતા તેઓએ તાબડતોબ અધિકારીઓની બેઠક યોજી અને કાર્પેટ વેરાના ધાંધિયા નિવારવા એકશન પ્લાન ઘડયો હતો અને વેરા વિભાગમાં ચમત્કાર સર્જાયો. '૧૨ હજારમાંથી ૧૦ હજાર વાંધા અરજીનો ઝડપથી નિકાલ કરાયો. એટલું જ નહી કરદાતાઓને ધરમધક્કા થાય નહીં તે માટે ૧૩ અધિકારીઓની ફોજ અલગથી કામે લગાડી દીધી છે.'

આ અંગે આસી. કમિશ્નર શ્રી કગથરાએ આપેલી વિસ્તૃત માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્પેટ એરીયા આધારિત વેરા વસુલાત પધ્ધતિ તા. ૧/૪/૨૦૧૮થી લાગુ કરવામાં આવતા, શહેરના કુલ ૪,૫૫,૦૦૦ મિલકતધારકો પૈકી ૧૨૫૦૮ મિલકતધારકો દ્વારા મિલકતની વિગતો સુધારવા વાંધા અરજી કરવામાં આવેલ છે. જે પૈકી ૧૦૫૯૦ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. જયારે બાકીની ૧૯૧૮ વાંધા અરજીઓના નિકાલ માટે માપણી, સ્થળ તપાસ વિગેરે કરી નિકાલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.

દલાલો - એજન્ટોથી ચેતો

હાલ મિલકતધારકોની સાનુકુળતા માટે વાંધા અરજીઓ ઓન-લાઈન તેમજ તમામ વોર્ડ અને ઝોન ઓફિસ ખાતે ઓફ-લાઈન પણ સ્વીકારવામાં આવી રહેલ છે. મિલકત ધારકોએ સર્વેમાં આવેલ માપ કે અન્ય કોઈપણ વિગતો સુધારવા માટે ઓન-લાઈન અથવા ઓફ-લાઈન વાંધા અરજી કરવાની રહે છે. આ કામે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અરજદારો પાસેથી સીધી જ અરજીઓ સ્વીકારવામાં આવે છે. આ કામે કોઈ એજન્ટ વિગેરેની નિમણુંક કરવામાં આવેલ નથી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આ પ્રકારના એજન્ટ / દલાલ વિગેરેથી દુર રહેવા અને અને આ પ્રકારના લેભાગુ એજન્ટ દ્વારા કોઈ પણ અરજી કે કાર્યવાહી ન કરાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ આ પ્રકારે કોઈ એજન્ટ / અનધિકૃત વ્યકિતઓ કાર્યવાહી કરતા ધ્યાને આવે તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રી એચ.કે.કગથરા (સહાયક કમિશનર, સેન્ટ્રલ ઝોન) ૯૭૧૪૫૦૩૭૪૪,  એસ.જે.ધડુક (સહાયક કમિશનર, વેસ્ટ ઝોન) ૯૭૧૪૫૦૩૭૪૨ તથા શ્રીમતિ વી.એમ.પ્રજાપતિ (સહાયક કમિશનર, ઈસ્ટ ઝોન) ૮૧૫૬૦૦૩૭૪૩ વગેરેને તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરાયો છે.

વાંધા અરજીઓની ઝોન વાઇઝ સ્થિતિ

ઝોન

વાંધા અરજીની

સંખ્યા

નિકાલ કરાયેલ

વાંધા અરજી

પેન્ડીંગ

વાંધાઅરજી

સેન્ટ્રલ ઝોન

૫૨૮૭

૪૧૨૦

૧૧૬૭

ઇસ્ટ ઝોન

૨૭૯૮

૨૪૮૬

૩૧૨

વેસ્ટ ઝોન

૪૩૯૫

૩૯૪૦

૪૫૫

કુલ

૧૨૪૮૦

૧૦૫૪૬

૧૯૩૪

(3:37 pm IST)