Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નિંદ્રાધીન તંત્રને જગાડવા વાલીઓ આક્રમકઃ સેન્ટ મેરી સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ ન આપતા ડીઈઓ કચેરીમાં તોડફોડ

અનેક ધક્કા છતા પ્રવેશ ન મળતા આખરે વાલીઓએ દેખાવો કર્યાઃ ૧૪ની અટકાયત

રાજકોટ :. ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો હક્ક પ્રાપ્ત થાય તે માટે ભારત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આ અધિકાર ગરીબ બાળકોને મળતો નથી અને મળે તો પામી શકતા નથી. આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને દૂરની શાળામાં પ્રવેશ મળે છે પરિણામે ગરીબ કે સામાન્ય પરિવારના નાના ભૂલકાઓ દૂર સુધી અભ્યાસ કરવા જઈ શકે તેમ ન હોય પરિણામે આ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો અસરકારક નિવડયો નથી.

ગુજરાત સરકારે ગત વર્ષ કરતા આરટીઈ હેઠળની પ્રવેશ કાર્યવાહી એક મહિનો મોડી કરી. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છતા સેંકડો બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. ડી.ઈ.ઓ. કચેરીએ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો હક્ક આપવા ખૂબ ઉદાસીન વલણ દાખવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની સ્થિતિ ખૂબ દયનીય બની છે.

આજે ડી.ઈ.ઓ. કચેરીના તંત્રને ઢંઢોળવા વાલીઓએ આક્રમક સ્વરૂપ દેખાડેલ. રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા વાલીઓએ ડી.ઈ.ઓ. કચેરીએ રજૂઆત કરવા આવતા કોઈ જવાબદાર તંત્ર ન હોય વાલીઓએ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું મસમોટુ શોભાના ગાંઠીયા રૂપ બોર્ડ તોડી નાખેલ.  વાલીઓ કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પોલીસ દોડી આવેલ અને ૧૪ વાલીઓની અટકાયત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)