Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સિવિલ હોસ્પિટલમાંથી તબિબ સહિત ચારના મોબાઇલ 'છૂ': બે શકમંદ શખ્સની પુછતાછ

રાજકોટ તા. ૨૦: સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં એક ગઠીયો પોતે ડોકટર હોવાનું કહી દર્દીના સગાનો મોબાઇલ બઠ્ઠાવી ગયો હતો. ત્યાં આજે એક તબિબ સહિત ચાર લોકોના મોબાઇલ ફોન ચોરાઇ જતાં   દેકારો મચી ગયો હતો. બે શકમંદ સિકયુરીટીના હાથે આવી જતાં પોલીસને સોંપવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્યા મુજબ ઓપડીમાં ગિરદીનો લાભ લઇ કોઇ ડો. પરેશ ઠાકરનો મોબાઇલ ફોન સેરવી ગયું હતું. જોત જોતામાં બીજા ત્રણ લોકો લક્ષ્મીનગરના વિપુલભાઇ, આજીડેમ ચોકડી પાસે રહેતાં ત્રિભોવનભાઇ તથા જસદણના બિપીનભાઇના  ફોન પણ ગાયબ થઇ જતાં દેકારો મચી ગયો હતો. દરમિયાન બે શકમંદ એક ફોન સાથે સિકયુરીટીના હાથે આવી જતાં પોલીસને સોંપાયા હતાં.

ઓપીડી બિલ્ડીંગના જુદા-જુદા વિભાગ અને દવા બારીએ ગિરદીનો લાભ ઉઠાવી મોબાઇલ સેરવી લેવાયા હતાં. પકડાયેલા શખ્સોએ પોતાનો એક ભાઇ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હોઇ તેની સાથે આવ્યાનું રટણ કર્યુ હતું. આ શખ્સો ગોંડલ તરફના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બંનેની વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે.

જે બે શખ્સને સકંજામાં લેવાયા છે એ બંને બે દિવસ અગાઉ પણ તબિબી અધિક્ષકની ઓફિસ નજીકથી શકમંદ હાલતમાં ઝપટે ચડ્યા હતાં. (૧૪.૯)

(3:23 pm IST)