Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અલ્પાબેન ખાટરિયા વટથી પંચાયત પ્રમુખઃ ભાજપ-બાગીઓ ડોકાયા જ નહિ

'અર્જુન' સા નિશાના રખા, મનમેં ના કોઈ બહાના રખા, જો લક્ષ્ય થા સામને, બસ ઉસી પે અપના 'ઠીકાના' રખા... : હાજર તમામ ૩૨ કોંગી સભ્યોએ અલ્પાબેન અને સુભાષ માંકડિયાની તરફેણમાં મતદાન કરતા બન્ને પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયાઃ વિકાસનો નિર્ધાર

વિજયોત્સવઃ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે કલેકટર શ્રી રાહુલ ગુપ્તા અને ડી.ડી.ઓ. શ્રી અનિલકુમાર રાણાવાસિયાની હાજરીમાં સામાન્ય સભા મળેલ. જેમાં બન્ને પદ માટે અનુક્રમે અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા અને સુભાષભાઈ માંકડિયાને ચૂંટાયેલા જાહેર કરતા સભ્યો તેમજ કાર્યકરો, શુભેચ્છકોએ સન્માન કર્યુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૨૦ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા તથા ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ માકડિયા સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે. ગઈકાલે બન્ને હોદા માટે ફોર્મ ભરનાર બે મહિલા સભ્યો તથા બે ભાજપના સભ્યો આજે સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારી, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ આંગળી ઉંચી કરીને મતદાન કરાવતા હાજર તમામ ૩૨ સભ્યોના મત માકડિયા અને ખાટરીયાને જ મળ્યા હતા. બન્નેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પંચાયતમાં ભાજપ પ્રેરીત બળવાનું સૂરસૂરીયુ થઈ ગયુ છે. પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત બક્ષીપંચ સમાજની મહિલાને પ્રમુખ પદ મળ્યુ છે. બન્ને નવા પદાધિકારીઓએ સૌને સાથે રાખી વિકાસના કામો કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

સવારે સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા પ્રથમ પ્રમુખ પદ માટે અલ્પાબેન તરફી અને ઉપપ્રમુખ પદ માટે માકડિયા તરફી મતદાન થયેલ. તમામ સભ્યોએ આ બન્ને ઉમેદવારને મત આપેલ. કોંગ્રેસના બળવાખોર સભ્ય ભાનુબેન ધીરૂભાઈ તળપદાએ ઉમેદવારી કરેલ. તેના ટેકામાં બીજા કોંગી સભ્ય કિરણબેન આંદિપરાએ સહી કરેલ. ઉપપ્રમુખ પદ માટે ભાજપના ધ્રુપદબા જાડેજાએ ફોર્મ ભરેલ. તેને ભાજપના બીજા સભ્ય સોનલબેન શિંગાળાએ ટેકો આપેલ. આજે આ ચારમાથી એક પણ મહિલા સભ્ય હાજર રહેલ નહિ. તેમની ગેરહાજરમાં મતદાન થતા બેમાથી એકેય ઉમેદવારને એક પણ મત મળ્યો ન હતો. પંચાયતમાં અર્જુન ખાટરીયા છેલ્લા ચાર દિવસથી ૨૪ સભ્યોને સહેલગાહે લઈ જતા રહેલ. આજે સીધા સામાન્ય સભાના સમયે જ આવ્યા હતા. બાકીના તેમના વિરોધી મનાતા ૫ - ૭ કોંગી સભ્યોએ પણ સમય પારખીને પાર્ટી લાઈન પકડી લીધી હતી. સામાન્ય સભામાં કુલ ૩૬ પૈકી ૩૨ સભ્યો હાજર હતા તે તમામે એક તરફી મતદાન કર્યુ હતું. બન્ને સુકાનીઓ ચૂંટાઈ જતા ઢોલ, બેન્ડવાજા અને ફુલહારથી તેમનુ સ્વાગત કરાયેલ. પંચાયત કચેરી સંકુલમાં કોંગી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જિલ્લા પંચાયતના રાજકારણમાં આજથી નવુ પ્રકરણ શરૂ થયુ છે.

જિલ્લા પંચાયતના અત્યાર સુધીના પ્રમુખોના નામ

વલ્લભભાઇ પટેલ

રમણિકભાઇ ધામી

હરીશભાઇ ધનેશા

દેવેન્દ્રભાઇ દેસાઇ

સંજયભાઇ રાજયગુરૂ

પી.જી. કાલરિયા

રામજીભાઇ માવાણી

છગનભાઇ પટેલ

રામજીભાઇ રાદડિયા

ચેતનાબેન રાદડિયા

ડાયાભાઇ પટેલ

ભાવનાબેન બાલધા

કાંતાબેન મેદપરા

હંસાબેન પારધી

પી.જી. કયાડા

કંચનબેન બગડા

નિલેષ વિરાણી

અલ્પાબેન ખાટરિયા

પંચાયતમાં છઠ્ઠા મહિલા પ્રમુખ અલ્પાબેન ખાટરિયા

રાજકોટ : જિલ્લા પંચાયતના છઠ્ઠા મહિલા પ્રમુખ તરીકે આજે અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયા ચૂંટાઇ આવ્યા છે. આ અગાઉ ચેતનાબેન રાદડિયા, ભાવનાબેન બાલધા, કાંતાબેન મેંદપરા, હંસાબેન પારધી, કંચનબેન બગડા પ્રમુખ તરીકે રહી ચુકયા છે.

જિલ્લા પંચાયતમાં પ્રથમ ઘટના, મીડિયા કર્મચારીઓને અટકાવાયા

રાજકોટ :. જિલ્લા પંચાયતમાં આજે ચૂંટણીના કવરેજ માટે ગયેલા પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મચારીઓને ભોંયતળીયે મુખ્ય દરવાજે જ પોલીસે અટકાવ્યા હતા. ચૂંટણી અધિકારીની પરવાનગી વગર પ્રવેશવા દેવાની પોલીસે ના પાડતા રકઝક થઈ હતી. આખરે ઉચ્ચ કક્ષાની રજૂઆત બાદ પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયામાં સભાખંડમાં હાજર રહેવાની છૂટ અપાયેલ. ઈલેકટ્રોનિક મીડિયાના કર્મચારીઓને મતદાન બાદ અંદર પ્રવેશ અપાયો હતો.(૨-૧૮)

(3:23 pm IST)