Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કાલે ૨૫ હજાર શહેરીજનો યોગના રંગે રંગાશે

૨૧ જુને વિશ્વ યોગ દિનની કોર્પોરેશન દ્વારા ઉજવણી : આયોજનને આખરીઓપ : રેસકોર્ષ, નાનામવા સર્કલ, પારડી રોડ, કુવાડવા રોડ સહિતનાં વિસ્તારમાં યોગ કાર્યક્રમ : શહેરીજનોને કાર્યક્રમમાં ઉમટી પડવા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડીયાનો અનુરોધ

રાજકોટ તા. ૨૦ : ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દૂરંદેશી ધરાવતા  વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના જુદા જુદા દેશોને યોગના વિચારો આપેલ જેના અનુસંધાને યુનો દ્વ્રારા ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું મંજુર કરવામાં આવેલ છે. યોગ દિવસની ઉજવણી પુરા ગુજરાતમાં ઉત્સાહભેર થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ તમામ તંત્ર તૈયારી કરી રહેલ છે. શહેરમાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં ચાર સ્થળોએ યોગના કાર્યક્રમ યોજાશે. જેમાં ૨૫ હજાર અંદાજીત લોકો જોડાશે.

આ અંગે સ્ટેન્ડીગ ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશીષ વાગડીયાના જણાવ્યા પ્રમાણે યોગ દિવસની શાનદાર ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા શહેરના રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રાજ પેલેસ સામેનું મેદાન(સાધુ વાસવાણી રોડ), રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે ૨૧ જુનના રોજ સવારના ૬.૩૦ વાગ્યે થી ૭.૩૦ વાગ્યા સુધી શહેરના બહોળી સંખ્યામાં યુવાનો-યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીજન, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરિકો તેમજ  યોગાપ્રેમીઓ દ્વ્રારા યોગ કરવામાં આવશે.

 જેમાં રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પારડી રોડ ખાતે આર્ટ ઓફ લિવિંગ, નાના મવા ખાતે તેમજ રાજ પેલેસ સામેનું મેદાન(સાધુ વાસવાણી રોડ)ખાતે પતંજલી તથા કુવાડવા રોડ ,આશ્રમના (રણછોડદાસબાપુ)વંડા ખાતે ઓમ શાંતિ સહિતની સંસ્થાના માર્ગદર્શન હેઠળ કુલ આશરે ૧૨,૫૦૦ જેટલા પુરુષો તથા મહિલાઓ દ્વારા યોગ કરવામાં આવશે.

ગત વર્ષે વિશ્વના લગભગ તમામ દેશોના નાગરિકોએ યોગ દિનની શાનદાર ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાઈને ભારતીય સંસ્કૃતિની આ અમુલ્ય ભેટની નોંધ લીધેલ છે. તે મુજબ આ વર્ષે પણ સમગ્ર દેશ, ગુજરાત રાજય તેમજ રાજકોટ શહેરના તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાઈને પોતાની શારીરિક, માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરે તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ જણાવેલ છે.

(3:21 pm IST)