Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કુવાડવા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ યોજના કવાર્ટરમાં બે દંપતિની તાળા તોડી ઘુસણખોરી

દિનેશભાઇ તન્ના, ધર્મિષ્ઠાબેન તન્ના અને ઇમરાન દલ તથા રઝીયા દલ સામે ગુનો નોંધાયોઃ આવાસ યોજના ઇન્સ્પેકટર કે. જે. કોટડીયા, વી. સી. ભાલાળા અને તેની ટીમે અચાનક ચેકીંગ કરતાં ખબર પડીઃ બી-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો

રાજકોટ તા. ૨૦: કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામેના ભાગે આવેલા આવાસ યોજનાના બે કવાર્ટરના તાળા તોડી બે દંપતિએ ઘુસણખોરી કર્યાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસ યોજના શાખાના ઇન્સ્પેકટર અને ટીમે બંને દંપતિ સામે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી કવાર્ટર ખાલી કરાવડાવ્યા છે.

આ બારામાં પોલીસે ગોંડલમાં જેતપુર રોડ પર ગીતાનગર-૮/૫ના ખુણે રહેતાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વર્ષથી આવાસ યોજના શાખામાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં કિરીટભાઇ જેન્તીભાઇ કોટડીયા (પટેલ) (ઉ.૫૮)ની ફરિયાદ પરથી આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક-૨માં રહેતાં દિનેશભાઇ ધીરજલાલ તન્ના (ઉ.૬૦) અને ધર્મિષ્ઠાબેન દિનશેભાઇ તન્ના (ઉ.૫૦) તથા ઇમરાન ઉમરભાઇ દલ (ઉ. ૨૯) અને તેની પત્નિ રઝીયા ઇમરાન દલ સામે આઇપીસી ૪૪૮ તથા સાર્વજનિક મિલ્કતોને નુકસાન થતું અટકાવવાની કલમ હેઠળ ગુનો નોંધાવતાં બી-ડિવીઝન પોલીસે ચારેય સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરી છે.

ફરિયાદમાં કે. જે. કોટડીયાએ જણાવ્યું છે કે પોતે આવાસ યોજના શાખામાં ઇન્સ્પેકટર છે અને મહાનગર પાલિકા હસ્તક આવતી આવાસ યોજનાના કવાર્ટરમાં સુપરવિઝન, રિકવરી તથા ચેકીંગની કામગીરી કરવાની હોય છે. ગઇકાલે સાંજે પોતે તથા અન્ય ઇન્સ્પેકટર વી. સી. ભાલાળા, આસી. મેનેજર ભુમિબેન પરમાર, પીએસઆઇ બી. પી. જાડેજા, એસઆરપીના એએસઆઇ ભલાભાઇ પરમાર, કોન્સ. વિપુલભાઇ વડવી, હેડકોન્સ. જસવંતીબેન મણીયાર, આરએમસીના અન્ય કર્મચારીઓ ગંભીરસિંહ જાડેજા, વિજીલન્સ ડીવાયએસપી આર. બી. ઝાલા સહિતનો સ્ટાફ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામેના આવાસ કવાર્ટરમાં ચેકીંગ કરવા ગયો હતો.

અહિ તપાસ કરતાં બ્લોક નં. ૧૬ના કવાર્ટર નં. ૨૫૯૩ અને ૨૫૯૪માં રેકર્ડની ખરાઇ કરતાં આ કવાર્ટર કોઇને ફાળવાયા ન હોવા છતાં તેમાં એક ભાઇ અને એક બહેન જોવા મળતાં પુછતાછ કરતાં પોતાના નામ દિનેશભાઇ ધીરજલાલ તન્ના (ઉ.૬૦-ધંધો સિકયુરીટી ગાર્ડ-રહે. અનમોલ પાર્ક આજીડેમ પાસે) તથા ધર્મિષ્ઠાબેન દિનેશભાઇ તન્ના (ઉ.૫૦) જણાવ્યા હતાં. આ કવાર્ટરના તેની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાનું અને એમ જ તાળા તોડીને રહેવા માંડ્યાનું કહ્યું હતું. આ ઉપરાંત અન્ય  કવાર્ટર નં. ૨૫૯૪ તથા બ્લોક નં. ૨૦માં કવાર્ટર નં. ૨૬૬૬ની સોંપણી પણ કોઇને થઇ ન હોવા છતાં તેમાં મહિલા-પુરૂષ હાજર મળતાં પોતાના નામ ઇમરાન ઉમરભાઇ દલ (સંધી) (ધંધો મજૂરી) તથા રઝીયા ઇમરાન ઉમરભાઇ દલ (ઉ.૩૫) જણાવ્યા હતાં.

આમ આ ચારેય જણાએ ગેરકાયદેસર રીતે કવાર્ટરના તાળ તોડી ઘુસણખોરી કરી ઉપયોગ કરી પાણી, લાઇટનો બગાડ કર્યો હોઇ તે અંગે ગુનો નોંધાવાયો હતો. બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. જેબલીયા અને હંસરાજભાઇ ઝાપડીયાએ જરૂરી કાર્યવાહી કરી છે.

(11:55 am IST)