Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

જે તે જીલ્લામાં જ એસટી બસો દોડશેઃ રાજકોટથી ઉપડતી બસો જીલ્લા બહાર નહી જાયઃ ૧ર બસો ઉપડી

રાજકોટથી કોઇ ગામડામાં પણ નહિ જાયઃ સીધી તાલુકા મથકે ઉભી રહેશેઃ સાંજે ૬ પહેલા પરત ફરી જશેઃ આજે કુલ ૧ર બસ દ્વારા ૬૬ ટ્રીપ થશેઃ ગોંડલ તરફ પેક બસ ગઇઃ અન્ય બસમાં મુસાફરોની પાંખી હાજરીઃ એક બસમાં તો એક જ મહિલા મુસાફર હતાઃ એસ. ટી. દ્વારા રાજયભરમાં લાખના ૧ર હજાર...!!

હાલ મમ્મા...જલ્દી ઘરે...:રાજકોટ :. રાજકોટથી આજે એસટી બસ જીલ્લા પુરતી શરૂ થતા જ અમૂક તાલુકામાં પહોંચી જવા મુસાફરો સવારના પ્હોરમાં દોડી આવ્યા હતા, લોકડાઉનમાં ફસાઇ ગયેલા ઘણા ખરા લોકો હતાં. ગોંડલ તરફ આજ ર થી ૩ બસ પેક ગઇ હતી, તસ્વીરમાં મા-દિકરા પોતાના વતન ગોંડલ જલ્દી પહોંચી જવા. બસ તરફ જઇ રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ :.. આજે સવારે ૭ વાગ્યાથી રાજકોટ સહિત રાજયભરમાં એસ. ટી. બસો શરૂ થઇ છે, પરંતુ એસ. ટી. બોર્ડ દ્વારા લાખના ૧ર હજાર કરવા જેવી સ્થિતિ હોવાનું અધિકારી સુત્રો ઉમેરી રહ્યા હતાં.

સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત રાજયભરમાં બસો શરૂ થઇ પરંતુ તે બસો જે તે જીલ્લામાં જ દોડશે, મતલબ કે રાજકોટથી ઉપડતી બસો રાજકોટ જીલ્લામાં જ દોડશે, અન્ય જીલ્લામાં નહિ જાય.

રાજકોટ એસટી ડેપોના મેનેજરશ્રી નિશાંત વરમોરાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, આજે ૧ર બસો દ્વારા ૬૬ ટ્રીપો થશે. અહીંથી ઉપડેલી બસ કોઇ ગામડામાં નહી જાય પરંતુ જે તે તાલુકા મથકે ઉભી રહેશે, હાઇવે ઉપર આવતા ગામડા માટે પણ ઉભી રાખવાની મનાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે સવારે ૯ સુધીમાં ૬ બસો મોકલવામાં આવી છે, ગોંડલ તરફ જતી બસ પેક એટલે કે ૩૦ મુસાફરો સાથે ઉપડી હતી, જસદણ-કોટડા-લોધીકા-પડધરી બાજુની બસોમાં ઓછા મુસાફરો હતાં. દરેક મુસાફરનું થર્મલ ગનથી ચેકીંગ કરી પછી જ બસમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે પ્રવેશ અપાય છે, તમામ બસમાં સેનેટાઇઝર - સાફ-સફાઇ કરાઇ છે, સાંજે ૬ સુધીમાં જીલ્લામાં ટ્રીપો કરતી બસ રાજકોટ પાછી ફરી જશે.

અત્રે એ નોંધનીય છે કે આજે એક બસમાં તો સવારે ૭ાા વાગ્યે માત્ર એક મહિલા મુસાફર હતાં. અન્ય જીલ્લામાં જવા માંગતા મુસાફરો પણ બસ સ્ટેશન ઉપર દોડી આવ્યા, પરંતુ તેમને ધકકા થયા હતાં.

ડેપો મેનેજરશ્રી વરમોરાએ જણાવેલ કે જે તે તાલુકા મથકથી રાજકોટ આવતી બસ સવારે ૯ વાગ્યા બાદ આવી હતી, કાલથી મુસાફરો વધશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

(11:46 am IST)